ત્યાગનું સત્ત્વ કેળવ્યા વિના તપને અંતરાય તોડવામાં સફળતા મળે એ શક્ય નથી

22 July, 2024 07:50 AM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

તે ભાઈની આંખોમાં આંસુનાં બે બુંદ ઊપસી આવેલાં જોઈને હું સ્તબ્ધ થઈ ગયો

પ્રતીકાત્મક તસવીર

‘મહારાજસાહેબ, એક નાનકડો નિયમ લેવા આવ્યો છું આપની પાસે.’

૪૨ વર્ષનો યુવક. ધર્મારાધનાઓ કરવાની ઝંખના તેના મનમાં સતત રમ્યા કરે. તે જ્યારે પણ મળવા આવે ત્યારે પરલોકને સધ્ધર બનાવવાની એકાદ પ્રેરણા ઝીલી લે.

‘કેરી ત્યાગનો નિયમ કરવો છે.’

‘આર્દ્રા નક્ષત્ર ઊતરી ગયું, ભાદરવો ચાલુ થઈ ગયો... કેરી હવે બજારમાં જોવા નથી મળતી ત્યારે આ નિયમનું ક્યાંથી સૂઝ્યું?’

‘નિમિત્ત એવું જોરદાર મળી ગયું કે થયું કે આવો નિયમ લીધા વિના ઠેકાણું પડવું મુશ્કેલ છે.’ તેણે કહ્યું, ‘મહારાજસાહેબ, ભાદરવા વદના દિવસો ચાલે છે. પર્યુષણ હમણાં જ ગયા. ભાવિકોએ ગજબનાક તપશ્ચર્યાઓ કરી. કલ્પના ન હોય એવી તપશ્ચર્યાઓ અહીં થાય તો કલ્પના ન કરી હોય એવી ઉંમરના આત્માઓ તપશ્ચર્યાઓમાં ઝુકાવે. આ મુંબઈ છે. ભલે અહીં ગલીએ-ગલીએ હોટેલો હોય, પાનના ગલ્લા અને બિયરબારની દુકાનો હોય તોય મુંબઈમાં યુવકોથી ઊભરાતાં ચોવિહાર હાઉસો પણ છે અને તિથિના દિવસે સંખ્યાબંધ ભાવિકોથી છલકાતાં આયંબિલ ખાતાં પણ છે. પૂજ્યોની પ્રેરણા ઝીલીને ૩થી ૬૮ ઉપવાસની તપશ્ચર્યા કરનારા સંખ્યાબંધ આબાલવૃદ્ધો છે. હવે મૂળ વાત પર આવું. મારા કુટુંબમાં, પરિચિતોમાં પુણ્યવાનોએ પર્યુષણમાં અઠ્ઠાઈ આરાધના કરી. પર્યુષણમાં તો શાતા પૂછવા જવાનો પણ સમય ન હોય, પણ હવે તે સૌને શાતા પૂછવા જઈ રહ્યો છું.’

‘અનુભવ?’

‘એ જ તો વાત છે. તપસ્વીઓમાં કોકની ઉંમર બારની તો કોકની બાવીસ વર્ષની, કોક સ્કૂલમાં ભણે ને કોક કરતા હોય નોકરી, કોકે બીમારીમાં પણ તપશ્ચર્યા કરી તો કોકે કૌટુંબિક જવાબદારી વચ્ચે પણ તપશ્ચર્યા કરી. આ તપસ્વીઓનાં દર્શને મારું માથું શરમથી ઝૂકી ગયું. ૪૨ વસંત આવીને ગઈ, પણ એકેય અઠ્ઠાઈ નથી કરી.’

‘અઠ્ઠાઈનો પુરુષાર્થ કર્યો નથી કે પુરુષાર્થ કરવા છતાં સફળતા મળી નથી?’

‘પુરુષાર્થ કર્યો નથી એમ તો નહીં કહું. અઠ્ઠાઈના ઉપવાસ શરૂ કર્યા, પણ ત્રણથી આગળ વધી શક્યો નથી. શરીર તૂટે, કમર દુખે, પિત્ત ચડે ને પારણું કરવું પડે; પણ હવે લાગે છે અંતરાય ખૂટ્યો છે... જ્યાં સુધી અઠ્ઠાઈની તપશ્ચર્યા ન થાય ત્યાં સુધી કેરીનો સંપૂર્ણ ત્યાગ. જો આજીવન અઠ્ઠાઈ ન થાય તો હવે આજીવન કેરી નહીં. આપી દો નિયમ. ત્યાગનું સત્ત્વ કેળવ્યા વિના તપને અંતરાય તોડવામાં સફળતા મળે એવી કોઈ જ શક્યતા મારા માટે તો દેખાતી નથી.’

તે ભાઈની આંખોમાં આંસુનાં બે બુંદ ઊપસી આવેલાં જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. મેં તેને નિયમ આપ્યો અને પ્રસન્નચિત્તે તેણે સ્વીકાર કર્યો.

jain community culture news life and style columnists