શારીરિક, માનસિક કે વૈચારિક દુર્બળતાનું કારણ શું એ જાણવું આવશ્યક છે

18 July, 2024 08:15 AM IST  |  Mumbai | Swami Satchidananda

તમારી ચારે તરફ નિર્દોષ માણસો પર થતા અત્યાચારો તમે જોયા કરો છો. આ અત્યાચારોથી તમે વ્યથિત પણ થાઓ છો, પણ કશું કરી શકતા નથી; કારણ કે તમે અપરાધીને દંડ દેવાનું સામર્થ્ય મેળવ્યું જ નથી

પ્રતીકાત્મક તસવીર

શસ્ત્ર-સામર્થ્ય પ્રત્યેના ઉદાસીન અભિગમે દેશની જ નહીં, દેશની પ્રજાની હાલત પણ કફોડી કરવાનું કામ કર્યું છે. ધાર્મિક માન્યતાઓ તથા કાલ્પનિક આદતોમાંથી આ દૃષ્ટિ વિકસતી તથા સ્થિર થતી રહી છે.

લાખો, કરોડો અને અબજો રૂપિયા શસ્ત્રો પાછળ ન ખર્ચાય. એમાંથી કેટલાંક સ્કૂલો અને દવાખાનાંઓ વગેરે થાય એનું કોષ્ટક આપતા હોય છે, કારણ વિનાના તર્ક લગાવતા હોય છે; પણ એ મૂર્ખાઓને કોણ સમજાવે કે બાહુબળ વિનાની આરક્ષિત સમૃદ્ધિ અત્યાચારીઓને લૂંટફાટ કરવા આમંત્રણ આપતી હોય છે. યુદ્ધોનું મૂળ શસ્ત્રો નથી હોતાં, એક પક્ષની દુર્બળતા હોય છે. એમ કહી શકાય કે યુદ્ધો શસ્ત્રોથી નથી થતાં પણ શસ્ત્રો ન હોવાથી અથવા અપર્યાપ્ત શસ્ત્રો હોવાથી થાય છે. પ્રત્યેક આક્રાન્તા વિજયી થવાની ગણતરીએ યુદ્ધ શરૂ કરતો હોય છે. આ ગણતરીમાં સામા પક્ષની શસ્ત્રહીનતા કે શસ્ત્રશૂન્યતા તેને યુદ્ધ કરવા માટે પ્રોત્સાહન આપતી હોય છે. જો તેને ખાતરી થઈ જાય કે સામા પક્ષે મારા કરતાં સૈન્યશક્તિ સવાઈ, દોઢી કે બમણી છે તો તેને યુદ્ધનો ઉન્માદ ચડશે જ નહીં. સૈન્યશક્તિને મોળી પાડનારી પ્રત્યેક વિચારધારા અંતે તો રાષ્ટ્ર અને પ્રજાને દુર્બળ બનાવનારી સાબિત થતી હોય છે. આવું દુર્બળ રાષ્ટ્ર કે દુર્બળ પ્રજા પોતાના અને બીજાના અપરાધીઓને દંડી શકતાં નથી. એથી દિનપ્રતિદિન એનું સ્વમાન તથા સન્માન ઘટતું જાય છે અને અંતે એ પોતાનું સત્ત્વ ખોઈ બેસે છે.    

નિર્દોષ વ્યક્તિઓને દંડિત થતી અટકાવવા માટે પણ દંડ આપવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવું જરૂરી છે. તમારી ચારે તરફ નિર્દોષ માણસો પર થતા અત્યાચારો તમે જોયા કરો છો. આ અત્યાચારોથી તમે વ્યથિત પણ થાઓ છો, પણ કશું કરી શકતા નથી; કારણ કે તમે અપરાધીને દંડ દેવાનું સામર્થ્ય મેળવ્યું જ નથી. તમારી શારીરિક, માનસિક અથવા વૈચારિક દુર્બળતાનું શું કારણ છે? કેમ તમે દુર્બળ બન્યા છો? શું તમારો ધર્મ કે માન્યતાઓ તમને દુર્બળ બનાવે છે? જો હા, તો નક્કી સમજો કે એવી માન્યતાઓ તમને ડુબાડશે, કાયમ માટે અત્યાચારો સહન કરવા ફરજ પાડશે એટલે પ્રથમ તમારા ઘડતરના ઘટકોની તપાસ કરો. ધર્મ, સમાજ, ફિલસૂફી, વાતાવરણ આ બધાનો કુલ સરવાળો તમારું ઘડતર છે. જો કુલ સરવાળામાં તમે દુર્બળ જ બનતા હો તો ક્ષણનોય વિલંબ કર્યા વિના ઘડતર કરનારા ઘટકોને સુધારો. એટલું યાદ રાખજો કે તમારા ધર્મે કેટલાક લોકોને મોક્ષે મોકલ્યા એનું કશું પ્રમાણ કે કશું મહત્ત્વ નથી. માનો કે બે-પાંચ જીવોને મોક્ષે મોકલ્યા હશે, પણ ખરું મહત્ત્વ તો અહીં ધરતી પર જીવનારા લાખો-કરોડો જીવોની ધર્મને કારણે શી દશા થઈ એ જોવાની છે.

culture news life and style columnists