04 October, 2024 07:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વિદ્યાર્થીજીવનને મનુષ્યના જીવનનો શ્રેષ્ઠ શૃંગાર કહેવામાં આવે છે, કારણ કે એ કાળ સરસ આનંદપૂર્ણ અને અનેકાનેક ઉમંગોથી ભરેલો હોય છે. કહેવામાં આવે છે કે ‘સ્ટુડન્ટ લાઇફ ઇઝ ધ બેસ્ટ લાઇફ’. પરંતુ યુવા શક્તિ જેને પરિવાર, સમાજ, રાષ્ટ્રની સમસ્યાઓના સમાધાનમાં લાગવું જોઈએ, એનાથી વિપરીત તે જ્યારે નવી-નવી સમસ્યા પેદા કરવામાં પોતાની શક્તિને કામે લગાડે છે ત્યારે ચિંતા તો થવી જ જોઈએને?
નશો, વ્યસન, અપવ્યયમાં શિક્ષિત યુવા પેઢી શા માટે આમાં અટવાઈ રહી છે? સ્નેહ, સદ્ભાવ, સંવેદના વગેરેને મનુષ્યના સર્વોચ્ય ગુણ માનવામાં આવે છે, તો પછી યુવાઓમાં આ સત્પ્રવૃત્તિઓનો આટલો અભાવ શા માટે જોવામાં આવે છે? એક જ ઉત્તર છે અને એ છે ‘યોગ્ય વિદ્યાનો અભાવ’. આપણા ઋષિઓએ કહ્યું છે કે ‘સા વિદ્યા યા વિમુક્તયે’ અર્થાત્ વિદ્યા જ મનુષ્યને વિસંગતીઓથી મુક્તિ અપાવી શકે છે.
જો આપણે આજના વિદ્યાર્થીઓને શિવાજી મહારાજ અથવા સ્વામી વિવેકાનંદ જેવા બનાવવા હોય, તેમના અંદરની જ્ઞાનચેતનાઓને જાગ્રત કરવી હોય તો તેમને ફરજિયાત આધ્યાત્મિક શિક્ષા આપવી પડશે, પરંતુ એ પહેલાં એ જાણવું જરૂરી છે કે યથાર્થ આધ્યાત્મિકતા કોને કહેવાય? આધ્યાત્મિકતાનો સાચો અર્થ આત્મબોધ દ્વારા સમજાય છે. અર્થાત્ હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? શા માટે આવ્યો છું? જેવા પ્રશ્નોનું સમાધાન વિદ્યાર્થીઓને શાળામાં જ મળવું જોઈએ. અમેરિકાના મનોચિકિત્સકો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એવું જાણવા મળ્યું હતું કે બાળકોની અંદર બેચેની, અસ્વસ્થતા અને ગેરશિસ્ત માટેનું જવાબદાર સૌથી પ્રબળ પરિબળ છે શાળાઓમાં નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણનો અભાવ તેમ જ ઘરની અંદર પોતાનાથી મોટા અને વડીલો તરફથી પ્રેરણાનો અભાવ. આધુનિકીકરણના પગલે આપણે એ ભૂલી ગયા છીએ કે નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ એક વ્યક્તિને આત્મનિયંત્રણની સાથે-સાથે સહનશીલતા, ધીરજ, સંયમ અને વિનમ્રતા જેવાં મૂલ્યો સાથે સજ્જ કરે છે અને એને એક બેચેન વ્યક્તિમાંથી સંતુષ્ટ તેમ જ સમર્પણ અને બલિદાનની ભાવનાવાળી વ્યક્તિ રૂપે પરિવર્તિત કરે છે. અતઃ સમયની આવશ્યકતા છે પ્રારંભિક તબક્કામાં જ બાળકોને મૂલ્યોનું શિક્ષણ આપવાની જેથી તેઓ પોતાની સંસ્કૃતિ અને મૂલ્યોના વારસાથી પરિચિત રહે અને પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણથી પોતાની જાતને સલામત અને સુરક્ષિત રાખી શકે. યાદ રહે, બાળપણમાં શીખવવામાં આવેલી દરેક વાત વ્યક્તિને વર્ષો સુધી યાદ રહે છે, માટે જો એક શિસ્તબદ્ધ રાષ્ટ્રની અપેક્ષા રાખતા હોઈએ તો એની શરૂઆત પોતાના જ ઘરમાં પોતાનાં બાળકોને શિસ્તના પાઠ ભણાવીને કરવી પડશે. બોલો, તૈયાર આપ સૌ?