આજીવન પ્રેમ અકબંધ રાખવો હોય તો મા મહાગૌરીનું શરણ લો

22 October, 2023 03:28 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

અચરજ થશે, પણ હકીકત છે કે જો બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ પાસે લૉયલ્ટીની અપેક્ષા રાખતાં હોય તેઓ મા મહાગૌરીની આરાધના કરે તો તેમને જોઈતું પરિણામ મળે

મહાગૌરી માતા


નવદુર્ગા પૈકીનું આઠમું સ્વરૂપ એટલે મા મહાગૌરી. મા મહાગૌરીની ઉંમર માત્ર આઠ વર્ષની છે. ઈશ્વરે તેમને પ્રગટ થવાની વિનંતી કરી એ પછી તેમનો જન્મ થયો હતો. બહુ નાની ઉંમરે તેમણે કરેલી સાધનાને કારણે તેઓ પ્રગટ થયા પછી ફરી દૈવીત્વના સ્થાને પહોંચ્યાં હતાં. વિશ્વનાં તમામ દેવી-દેવતાઓમાં જો કોઈ સૌથી ગૌરવર્ણ હોય તો એ મા મહાગૌરી છે. તેમના આ ગૌર રૂપ સામે શંખ, ચંદ્ર અને કુંદનાં ફૂલો પણ ઝાંખપ અનુભવે. 

માનવશરીરમાં મા મહાગૌરીનો વાસ અનાહત ચક્રમાં છે. હૃદય પાસે રહેલા અનાહત ચક્રને હાર્ટ ચક્ર પણ કહે છે. અનાહત ચક્ર બ્લૉક હોય એ વ્યક્તિ ક્યારેય કોઈનું સારું ઇચ્છી નથી શકતી અને એટલે જ ક્યારેય તેનું સારું પણ થતું નથી. મા મહાગૌરી અનાહત ચક્રને શુદ્ધ કરવાનું કામ કરે છે અને ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ની ભાવના મનમાં કેળવે છે. પરિણામે મા મહાગૌરીમાં શ્રદ્ધા ધરાવનાર કે પછી મહાગૌરીની આજીવન ભક્તિ કરનારને ક્યારેય કોઈ વાતનું દુઃખ નથી આવતું અને ધારો કે આદિ-વ્યાધિ-ઉપાધિ આવે તો પણ એ મહાગૌરીના ભક્તના ચહેરા પર રહેલું શીતળ સ્મિત દૂર નથી કરી શકતી.

નામ શું કામ મહાગૌરી? | ભગવાન શિવને પામવા માટે મા શાકંભરીએ અત્યંત કઠિન એવી સાધના કરી, જે સાધનાના અંતે તેમનું આખું શરીર કાળુંમેંશ જેવું થઈ ગયું અને એ પછી પણ તેમણે પોતાની સાધના છોડી નહીં, જેને લીધે ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમણે મા શાકંભરીનો સ્વીકાર કરી, તેમની સેવા કરી. શાકંભરીદેવીના કાળામેંશ જેવા શરીરને ગંગાજળથી સાફ કરતી વખતે એ શરીરમાં શ્વેત કિરણો જેવી ઊર્જા અને ચમક આવવા માંડી અને એ પછી તેમના આખા શરીરે અત્યંત સફેદી ધારણ કરી લીધી, જેને લીધે ત્યાર પછી તેઓ મા મહાગૌરીના નામે ઓળખાવા લાગ્યાં. આ મા મહાગૌરી નામકરણ પણ મહાદેવે કર્યું છે.

મા મહાગૌરી એકમાત્ર એવી દેવીમા છે જેમનાં બે વાહન છે. મૂળભૂત વૃષભ પર બિરાજમાન એવાં માને ઉત્તરાંચલ અને ઉત્તરાખંડ જેવા વિસ્તારમાં સિંહ પર બિરાજમાન કરવામાં આવે છે, તો નેપાલમાં મા મહાગૌરીને વૃષભ પર બિરાજમાન થયેલાં દર્શાવી, વૃષભના પગ પાસે સિંહને બેસાડવામાં આવે છે. 
સિંહ અને વૃષભ બે વાહન ધરાવતાં મહાગૌરી માટે એવી વાત પ્રચલિત છે કે તેઓ જ્યારે તપશ્ચર્યા કરતાં હતાં ત્યારે ભૂખ્યો સિંહ ત્યાં આવ્યો, પણ દેવીને ધ્યાનમાં બેઠેલાં જોઈને એ ત્યાં જ બેસી ગયો. લાંબો સમય તપશ્ચર્યા ચાલી, જેને લીધે સિંહ અશક્ત થઈને મરવા પડ્યો. મા જાગ્યાં ત્યારે સિંહના અંતિમ શ્વાસ ચાલતા હતા. મા મહાગૌરીએ એ સિંહને નવા પ્રાણ આપ્યા અને પછી કાયમ માટે પોતાની સાથે રાખ્યો.

મા મહાગૌરી શું આપે? | મહાદેવ માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને તપશ્ચર્યા કરનારાં મા મહાગૌરીની આરાધના કરવાથી લૉયલ્ટી સાથેનો પ્રેમ મળે છે, તો સાથોસાથ જન્મોજન્મ સુધી સાથ નિભાવે એવો જન્મસાથી પણ મળે છે. મા મહાગૌરી એક એવાં દેવી છે કે તેમની પાસે આ માગ કરતાં જો પુરુષો પણ તેમની આરાધના કરે તો મા તેમને પણ લૉયલ્ટી સાથેનો પ્રેમ અને જન્મોજન્મનો જીવનસાથી આપે છે.
પ્રેમજીવનમાં આવતી તમામ પ્રકારની તકલીફો દૂર કરવાનું કામ પણ મા મહાગૌરી કરે છે, તો અમુક રાજ્યોમાં ત્વચાની બીમારી દૂર કરવાના ભાવથી પણ તેમની પૂજા કરવામાં આવે છે.

navratri 2023 life and style culture news gujarati mid-day