વિલાસપ્રચુર વાતાવરણ વચ્ચે પણ જો નિષ્કલંક રહો તો એ અરિહંત કૃપા જ કહેવાય

03 June, 2024 02:02 PM IST  |  Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj

દર્શનાર્થે આવેલી તે દીકરીએ કહ્યું...

પ્રતીકાત્મક તસવીર

પાણી જો એમ કહે કે ‘ઢાળ પાસે જવા છતાંય હું નીચે નહીં જ ઊતરું’ તો પાણીની આ ડંફાસની આપણે દયા જ ખાવી પડે. ‘સૂર્યનાં કિરણો વચ્ચે જવા છતાં મારા અસ્તિત્વને હું ઊની આંચ આવવા નહીં દઉં’ એવી ગુલબાંગ જો ઝાકળ લગાવતું હોય તો એની બેવફૂફી પર આપણે હસવું જ પડે. ‘કાતિલ ઝેર ખાવા છતાંય મારા જીવન સામે હું કોઈ જ ખતરો ઊભો નહીં થવા દઉં’ એવો બકવાસ કરી રહેલા યુવકને ગાંડાની હૉસ્પિટલમાં દાખલ કરી દેવાનું મન આપણને થઈને જ રહે.

સસલું સિંહને સામે ચડીને મળવા જાય અને રસ્તામાં મળતા શિયાળને એમ કહે કે ‘જોજેને, મને કશું જ થવાનું નથી’ તો એની આ નાદાનિયત પર આપણે ચહેરા પર સ્મિત જ પ્રગટાવવું પડે. એમ કહી શકાય કે ઝેરના અખતરા કરતા રહીને જીવતા રહેવાની ડંફાસ ન જ લગાવાય.

વિલાસપ્રચુર વાતાવરણ હોય, એ વાતાવરણમાં સામગ્રીઓ વિલાસની હોય, ત્યાં હાજર રહેલી વ્યક્તિઓ વિલાસી હોય અને એ માહોલ વચ્ચે ચાલી રહેલી સિરિયલના શૂટિંગમાં કામ કરી રહેલી કોઈ નવયુવાન યુવતી પોતાના શીલ-સદાચાર અને સંસ્કારને ઊની આંચ પણ આવવા ન દે એ વાત આપણા મગજમાં ન જ બેસે; પણ એ હકીકતને મેં જ્યારે તે યુવતીના મુખે, તેની મમ્મીની ઉપસ્થિતિમાં જ સાંભળી ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો. તે યુવતીએ જે વાત કરી એ જ વાત હું આજે તમારી સામે મૂકું છું.

દર્શનાર્થે આવેલી તે દીકરીએ કહ્યું, ‘પપ્પાની અનુપસ્થિતિ, કમજોર આર્થિક સ્થિતિ, મમ્મીના શિરે કુટુંબની જવાબદારી, અમે ભાઈ-બહેન નાની વયનાં અને મને શરૂઆતથી જ ગાવાનો અને નૃત્યનો ભારે શોખ અને એમાં કુશળતા પણ ખરી. આ સ્થિતિમાં એક સિરિયલમાં મને કામ કરવાની ઑફર મળી. મમ્મીના તો મારી પાસે સંસ્કાર હતા જ, પણ નાની વયમાં મમ્મીએ મને સાધ્વીજીભગવંતના સંપર્કમાં રાખી હતી એણે મારામાં સંસ્કારોનું સારુંએવું આધાન કર્યું હતું.’

યુવતીએ મન ખોલીને વાત કરતાં પોતાના નિયમો કહ્યા : ‘ગુરુદેવ, અત્યાર સુધીમાં મેં અનેક સિરિયલોમાં કામ કર્યું છે, પણ ક્યારેય રાતના શૂટિંગ કર્યું નથી. મારા મેકઅપ રૂમમાં પુરુષને પ્રવેશવાની સખત મનાઈ છે. શૂટિંગ પછી એક મિનિટ પણ એ સ્થળ પર હું રહેતી નથી. આજ સુધી હું ક્યારેય રા​ત્રિપાર્ટીમાં ગઈ નથી. દારૂ-સિગારેટ કે માંસાહારનો પડછાયો પણ લેતી નથી અને કંદમૂળ હજી સુધી સ્પર્શ્યાં નથી. મુંબઈ રહેવા ગઈ છું છતાં એક પણ બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ નથી.’

કેવી ઈશ્વરકૃપા કહેવાય કે જૈન ધર્મના સિદ્ધાંતોને આજે પણ તેણે અકબંધ રાખ્યા છે, જ્યારે અન્ય...

jain community life and style columnists