21 January, 2025 08:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂજ્ય મોરારીબાપુ
પ્રેમની એક ખાસિયત છે કે એ ઘણું દુ:ખ આપે, પણ એ દુઃખનો સૌથી મોટો ગુણ એ કે એ દુઃખ, પીડા, તકલીફ પર કરોડો સુખ કુરબાન કરી શકાય. પ્રેમને લીધે મળેલું દુઃખ પણ મીઠું લાગે છે. જડતાનો સંચાર થાય છે. મૂર્છા આવી જાય છે અને ફરી પડી જાય છે. જે રીતે ચૈતન્યને થતું હતું, જેમ વ્રજની ગોપીઓને થતું હતું એવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.
એક સૂફી કથા અત્યારે યાદ આવે છે. સરસ અને જાણવા જેવી છે.
એક સૂફી હતા. તેમની પાસે રસોડું હતું, વાસણો હતાં, પાણી હતું, સાધનસામ્રગી હતી અને એવી તમામેતમામ સુવિધા હતી જે રસોઈ બનાવતી વખતે જરૂર પડતી હોય. બસ, એક વાતની કમી હતી કે તેમને રસોઈ બનાવતાં નહોતું આવડતું. પરિણામ શું આવ્યું?
પરિણામ એ આવ્યું કે એ ભૂખને કારણે મૃત્યુ પામ્યા.
સૂફી ગુજરી ગયા એટલે લોકો એકત્રિત થયા અને બધા એકબીજાને પૂછે કે ફકીર ગુજરી કેવી રીતે ગયા, કેવી રીતે તેમનો જીવ ગયો?
એક જણ હતો જેને ખબર હતી અને તેણે બધાને જવાબ આપ્યો.
‘ભૂખથી મર્યો.’
લોકોને નવાઈ લાગી, અચરજ થયું, આશ્ચર્ય થયું. ટોળામાંથી એક વ્યક્તિ આગળ આવી અને તેણે સવાલ કર્યો,
‘બધી વસ્તુઓ, સામગ્રી, સુવિધા હોવા છતાં?’
‘હા...’ ફરી જવાબ મળ્યો, ‘બધું હતું, પણ રસોઈ બનાવતાં નહોતી આવડતી.’
આ જ વાત આપણને સૌને લાગુ પડે છે.
આપણા સૌના જીવનમાં પ્રેમની સંપદા પડી છે, પ્રેમની સામગ્રી પડી છે, પ્રેમની સંપત્તિ પડી છે, પરંતુ એને ખોલતાં આપણને નથી આવડતું એટલે હેરાન થઈએ છીએ અને એટલે મરી રહ્યા છીએ. મુદ્દો એને ખોલવાનો છે, મુદ્દો એનો ઉપયોગ કરવાનો છે અને મુદ્દો એ ઉપયોગની આવડત કેળવવાનો છે. ક્યારેય ભૂલવું નહીં કે પ્રેમ સ્વધર્મ છે, એને સાધવાનો છે. ખુદ માટે રડવું એ મોહ છે, પણ ખુદા માટે રડવું એ પ્રેમ છે અને એ પ્રેમ જ તમને ઈશ્વર સુધી લઈ જવા માટે કારક બનવાનો છે અને ઈશ્વરને પામતાં પહેલાં જાતને બે બાબતોથી ભરી દેવાની છે.
એક તો ત્યાગથી અને બીજો છે પ્રેમ. હા, જાતને પ્રેમથી ભરી દેશો તો ઈશ્વરનો સંગ મળશે જ મળશે.