ઈશ્વરનો સંકેત હોય તો પ્રેરણા મળે ને પ્રેરણા મળ્યે વચ્ચે બોલો તો ધર્મ લાજે!

10 June, 2024 03:45 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

પુત્રવધૂના મુખે માજીના આ ભવ્યતમ પરાક્રમની વાત સાંભળતાં મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયા અને એ પછી પણ મેં તેમના દીકરા સામે જોયું.

પ્રતીકાત્મક તસવીર

એક સવારના પ્રવચન પછી એક બહેન મળવા આવ્યાં. નમસ્કાર કરીને તેમણે પૂછ્યું, ‘મહારાજસાહેબ, બાને આપનાં દર્શનાર્થે આવવું છે. આજે બપોરે લાવું?’

‘ખુશીથી લાવો...’ એમ કહેતાં પૂછવાનું કારણ પણ પૂછી લીધું, ‘આ રીતે આજ્ઞા લેવાનું કોઈ કારણ...’

‘ઉંમર તેમની ૮૦ વર્ષની છે. દાદરા ચડવાની મુશ્કેલી છે... આપ જો વ્યસ્ત હો તો...’

‘એવું હોય અને તેમને તસ્દી ન આપવી હોય તો હું નીચે આવી જાઉં.’

‘ના, તેમને આપની પાસે એકાદ કલાક બેસવું છે, થોડી ધર્મચર્ચા પણ કરવી છે અને એ હિસાબે જ આપની પાસે સમય માગ્યો છે.’

બરાબર સાંજે ચાર વાગ્યે તે બહેન સાથે એક ભાઈ અને વૃદ્ધ માજી એમ ત્રણ જણ મળવા આવ્યાં. વંદન કરીને બેઠાં અને પછી માજી સાથે વાત શરૂ થઈ.

‘આ સાથે છે તે મારો દીકરો છે, જે ડૉક્ટર છે અને આ મારી પુત્રવધૂ છે.’

માજી આગળ બોલે કે પોતાની વાત કરે એ પહેલાં તેમની પુત્રવધૂએ પોતાનાં સાસુની ઓળખાણ આપતાં વાત શરૂ કરી...

‘મહારાજસાહેબ, હું તો પ્રવચનમાં રોજ આવું છું, પણ બા રોજ આવી શકતાં નથી અને આવી શકે એમ પણ નથી.’

‘કારણ?’

‘બાને વરસીતપ ચાલે છે...’

‘આ ઉંમરે વરસીતપ!’

‘હા અને સળંગ ૫૦મું વરસીતપ છે આ...’

આંખોમાં અવાચકતા આવી ગઈ અને ચહેરા પર હર્ષ પણ પ્રસરી ગયો.

‘બાએ પોતાની ૩૦ વરસની વયથી વરસીતપની આરાધના ચાલુ કરી છે. આજે ૮૦ વરસની વય છે અને એ હિસાબે બાનું ૫૦મું વરસીતપ ચાલુ છે અને આ જ કારણે બા આવ્યાં છે. બા જીવનના છેલ્લા સમય સુધી વરસીતપ ચાલુ રાખવાની પ્રેરણા લેવા આવ્યાં છે.’

પુત્રવધૂના મુખે માજીના આ ભવ્યતમ પરાક્રમની વાત સાંભળતાં મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયા અને એ પછી પણ મેં તેમના દીકરા સામે જોયું.

‘આપ તો મેડિકલ ક્ષેત્ર સાથે છો. આપ શું કહેશો?’

દીકરાએ હાથ જોડ્યા.

‘ધર્મથી મોટું કોઈ ક્ષેત્ર હોતું જ નથી ને એ તમે ક્યાં નથી જાણતા. ઈશ્વરનો સંકેત હોય તો જ બાને આવી પ્રેરણા થઈ હોય. એમાં હું વચ્ચે કંઈ બોલું તો મારો ધર્મ લાજે!’

આ કાળમાં કેવું પ્રચંડ સત્ત્વ, તપશ્ચર્યા પરત્વે કેવો પ્રેમ અને એ પણ આખા પરિવારનો. મનોમન નમસ્કાર કરવાનું મન થઈ જાય એવો પરિવાર આજના આ સમયમાં ક્યાં જોવા પણ મળે.

columnists culture news life and style jain community