07 January, 2025 02:59 PM IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર
સૌ એકબીજાને પ્રેમ કરે અને જો, પ્રેમ કરવાનું સૌને આવડી જાય તો સંસારના બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય.
મહારાષ્ટ્રના એક સંતની વાત છે.
એક માણસ તે સંત પાસે ગયો. સંતને વંદન કરીને તેણે કહ્યું,
‘મહારાજ, મારે નીતિવાન થવું છે, પ્રામાણિક થવું છે, અહિંસક થવું છે, કરુણાસભર થવું છે, પરોપકારી થવું છે તો એ માટે હું શું કરું?’
સંતે ધીરજ સાથે શાંતવદને જવાબ આપ્યો અને કહ્યું,
‘તું જે યાચી રહ્યો છે એ બધી દૂરની વાત છે. ધારો કે એક સ્ત્રી કોઈ સાધુ પાસે જઈને કહે કે મારે જેઠાણી જોઈએ છે, દેરાણી જોઈએ છે, સાસુ-સસરા જોઈએ છીએ તો કહે જોઈએ તે સ્ત્રીએ શું કરવું જોઈએ?’ પેલો માણસ ચૂપ રહ્યો એટલે સંતે જવાબ આપ્યો, ‘તેની પાસે એક જ માર્ગ છે, તેણે કંઈ કરવાની જરૂર નથી. માત્ર યોગ્ય પુરુષ પસંદ કરીને તેણે સત્વરે લગ્ન કરી લેવા જોઈએ. જો તે મહિલા લગ્ન કરી લેશે તો તે જે માગે છે એ બધું તેને આપોઆપ મળી જશે...’
સંતના સન્મુખ પર સ્મિત હતું.
સંતે ધીરજ સાથે પેલા માણસને જવાબ આપ્યો,
‘તારે પણ એ જ કરવાની જરૂર છે. તું સત્ય સાથે લગ્ન કરી લે, સત્ય સાથે પરણી જઈશ તો તને જોઈએ એ બધી વાત સહજતા સાથે મળી જશે, તું એને પામી શકશે.’
તમને સૌને પણ હું એ જ કહું છું, મારા બાપ!
જો હું અને તમે પ્રેમથી એકબીજા સાથે જોડાઈ જઈએ તો આ વિશ્વની બધી વસ્તુઓ આપણને મળી જશે. એકબીજાને પ્રેમ કરો, બસ. પ્રેમ કરતા જો આ જગત શીખી જાય તો બધી સમસ્યાઓનું સમાધાન પણ થઈ જાય. સમસ્યાનું સમાધાન સુખની પહેલી નિશાની છે અને એ ત્યારે જ પામી શકાશે જ્યારે સમસ્યાનું નિરાકરણ સમાન પ્રેમને અપનાવીને એને જીવનમાં કરવામાં આવશે. તમને મનમાં થાય કે પ્રેમથી શું થાય તો એ પણ જાણી લો તમે.
પ્રેમમાં વીરતા આવે છે, પ્રેમમાં સત્ય પ્રગટ થાય છે, પ્રેમમાં ટેકીપણું, વિશ્વાસ પ્રગટ થાય અને પ્રેમમાં રસિકપણું આવે.
બે વાત યાદ રાખવાની છે સૌએ. પ્રેમ જ્યારે જાગે છે ત્યારે જીવમાં દીનતા પણ આવે છે અને પ્રેમ જાગે છે ત્યારે જીવમાં પુષ્ટતા-દીનતા પણ આવે. મધ્યકાલીન સંતોમાં પ્રેમ જાગ્યો ત્યારે દીનતા બહુ આવી.