સત્ય જીવી ન શકાય તો કંઈ નહીં, પણ એની નજીક જઈ શકાય એવું અવશ્ય કરવું

10 July, 2024 07:26 AM IST  |  Mumbai | Swami Satchidananda

સત્યની વધારે નજીક જવાનો, સમીપ રહેવાનો પ્રયાસ અચૂક કરવો

પ્રતીકાત્મક તસવીર

ત્રણ વિદ્યાર્થીઓ હતા. આ વિદ્યાર્થીઓનો એક મોટી સ્કૂલમાં ઇન્ટરવ્યુ હતો. બધી તૈયારીઓ કરીને વિદ્યાર્થીઓ તો પહોંચ્યા સ્કૂલમાં. સાક્ષાત્કારમાં બેઠેલા મહાનુભાવો સમક્ષ એક વિદ્યાર્થી હાજર થયો. તેને સવાલ પુછાયો કે આઠની અંદર બીજા અગિયાર ભેળવીએ તો કેટલા થાય?

વિદ્યાર્થીએ જવાબ આપતાં કહ્યું, ત્રેવીસ.

નાપાસ! આઠ અને અગિયાર તો ઓગણીસ થાય. પેલાએ તો સીધું જ કહી દીધું કે ત્રેવીસ થાય. નાપાસ! ગલત જવાબ!

બીજો વિદ્યાર્થી ગયો. તેને પણ એ જ પૂછવામાં આવ્યું કે ભાઈ, આઠની અંદર જો અગિયાર ઉમેરવામાં આવે તો કેટલા થાય? પેલાએ જવાબ આપ્યો અને કહ્યું, એકવીસ થાય. આઠ ને અગિયાર ઓગણીસ થાય. એકવીસ ક્યાં થાય, નાપાસ. તે વિદ્યાર્થીને પણ નાપાસ કરીને બહાર મોકલી દેવામાં આવ્યો. હવે આવ્યો ત્રીજા વિદ્યાર્થીનો વારો.

તે ત્રીજો વિદ્યાર્થી પાસ થઈ ગયો. તેને પણ એ જ સવાલ પુછાયો હતો કે આઠમાં અગિયાર નાખીએ તો કેટલા થાય. તેણે પણ સાચો જવાબ નહોતો આપ્યો. તેણે કહ્યું હતું કે આઠમાં અગિયાર નાખીએ તો વીસ થાય અને એ પછી પણ તે પાસ થઈ ગયો. પાસ થઈને વિદ્યાર્થી બહાર આવ્યો. બહાર બધા ભેગા થયા હતા. બધા એકબીજાને પૂછે કે તે શું જવાબ આપ્યો ને તે શું જવાબ આપ્યો. પહેલાએ કહ્યું કે મેં ત્રેવીસ કહ્યું અને એ જવાબ ખોટો પડ્યો. બીજાએ કહ્યું કે મેં એકવીસ કહ્યા અને એ પણ જવાબ ખોટો પડ્યો. વારો આવ્યો ત્રીજાના જવાબનો. ત્રીજાએ કહ્યું, મેં વીસ કહ્યા. વીસ પણ ખોટો જવાબ હતો, પણ પેલા ત્રીજા વિદ્યાર્થીએ કહ્યું કે હું પાસ થઈ ગયો. એવું કેવી રીતે બને.

થવા જોઈએ ઓગણીસ અને આ’ણે કીધા વીસ, તો પછી તે પાસ કેવી રીતે થાય? બધા વિચારમાં હતા અને ત્યાં જ અંદર બેઠા હતા એ અધિકારી બહાર આવ્યા. બધાએ તેમને પૂછ્યું કે આ વિદ્યાર્થીએ પણ ખોટો જવાબ આપ્યો છે તો પછી તે પાસ કેવી રીતે થયો, ખોટો તો તે પણ છે.

અધિકારીએ જે જવાબ આપ્યો એ જાણવા જેવો છે. અધિકારીએ કહ્યું,

‘તેનો જવાબ સત્યની વધારે નજીક છે. પહેલાએ ત્રેવીસ કહ્યું, જે સત્યથી વધારે દૂર છે. એકવીસ કહ્યું તેનો જવાબ સત્યથી થોડો દૂર છે, પણ વીસ જવાબ સત્યની સૌથી વધારે નજીક છે એટલે તેને પસંદ કર્યો.’

જીવનમાં પણ આ જ વાતને સ્વીકારવી જોઈએ. આપણે સત્ય બરાબર જીવી ન શકતા હોઈએ ત્યારે અસત્ય સાથે રહેવાનો વિકલ્પ પસંદ કરવાને બદલે સત્યની વધારે નજીક જવાનો, સમ‌ીપ રહેવાનો પ્રયાસ અચૂક કરવો.

culture news life and style columnists