માણસ ઘર નહીં, મન મોટું બનાવે તો સ્વર્ગનો અનુભવ અહીં જ થાય

08 July, 2024 08:20 AM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

સંયુક્ત કુટુંબની આ પ્રસન્નતા અનુભવ્યા પછી માણસની આંખમાં પાણી ન આવે તો તે પથ્થર જ કહેવાય

પ્રતીકાત્મક તસવીર

‘મહારાજસાહેબ, એક જ બાપના અમે ચાર દીકરા. ધંધામાં ભેગા, પણ રસોડાં જુદાં. અમારા મનમાં એક ગ્રંથિ કે પુરુષો ભેગા રહી શકે પણ સ્ત્રીઓ તો ભેગી ન જ રહી શકે. જોકે ગયા ચાતુર્માસમાં તમારા પ્રવચનમાં સાંભળ્યું કે સંયુક્ત કુટુંબમાં અગવડો ખરી, પણ સલામતી નિશ્ચિત અને જુદા રહેવામાં સગવડો હશે, પણ જોખમનો પાર નહીં. બધા સાથે મળ્યા અને નક્કી કર્યું કે સાથે રહેવું. એ અમલવારીને આજે વર્ષ થયું. જે પ્રસન્નતા ઘરમાં અનુભવાય છે એનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી.’

‘અરસપરસ કુસંપ?’ સહજ રીતે મેં પૂછ્યું, ‘દેરાણી-જેઠાણી-સાસુ વચ્ચે મનભેદ?’

‘બિલકુલ નહીં.’

‘બાળકો વચ્ચે સંઘર્ષ...’

‘હા, એ ખરો, પણ એવો કે એ વાતો સાંભળીને આપ પણ રાજી થઈ જાઓ.’

‘એટલે?’

તે ભાઈએ હાથ કર્યો અને મને દેખાડ્યું, ‘આપની સામે જે છે તે મોટા ભાઈના બે બાબાઓ. એકની ઉંમર ૧૦ વર્ષ, બીજાની ૧૨ વર્ષ. થોડા દિવસ પહેલાં જ તે બન્ને વચ્ચે સંઘર્ષ થયો. સાંભળો તમે તેના જ મોઢે.’

મેં પેલા ૧૦ વર્ષના બાળક સામે જોયું કે તરત જ તેણે કહ્યું...

‘મારે ઘરમાં હતી એ બે-ત્રણ વસ્તુ જોઈતી હતી અને મારો આ ભાઈ મને આપતો નહોતો. મેં કરગરીને માગી તો પણ તેણે તો આપવાનો ઇનકાર જ કરી દીધો. પછી મને ગુસ્સો આવી ગયો. તેની પાસે જઈને તેને મેં સંભળાવી દીધું કે આ ઘરમાં જેટલી પણ વસ્તુઓ છે એ બધી મારી જ છે. તું મને વસ્તુઓ આપવાની ના પાડનાર કોણ?’

‘પછી મોટા ભાઈએ શું કહ્યું?’

‘મોટા ભાઈએ મને પકડી લીધો અને હસતાં-હસતાં કહ્યું કે આ ઘરમાં રહેલી બધી વસ્તુઓ તારી એ વાત સાચી, પણ એક વાત તુંય સાંભળી લે કે બધી વસ્તુઓ તારી પણ તું આખેઆખો મારો છે.’

હું હસી પડ્યો, પણ તે બાળકની વાત હજી પૂરી નહોતી થઈ.

‘ભાઈનો જવાબ સાંભળતાં જ મારો ગુસ્સો શમી ગયો અને એ દિવસ પછી મોટા ભાઈ સામે ક્યારેય ગુસ્સો ન કરવાનો મેં સંકલ્પ કરી લીધો.’

સંયુક્ત કુટુંબની આ પ્રસન્નતા અનુભવ્યા પછી માણસની આંખમાં પાણી ન આવે તો તે પથ્થર જ કહેવાય. ઘરને મોટું બનાવવાની ઇચ્છા ધરાવતો માણસ જો મનને પણ મોટું બનાવવા લાગે તો તેને સ્વર્ગનો અનુભવ અહીં જ થયા વિના ન રહે એ નિશ્ચિત છે.

culture news life and style columnists jain community