જે કંઈ થઈ ગયું અને હવે પછી જે થવાનું છે એ કેવળ પ્રભુની ઇચ્છાશક્તિ છે

28 November, 2024 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભગવાન પાસે કશું માગવાનું ન હોય. સકામ પ્રાર્થના કરવી નહીં. પ્રભુ અંતર્યામી છે,

પ્રતીકાત્મક તસવીર

જો જીવ કંઈ પણ કરવા શક્તિમાન નથી તો સ્વાભાવિક રીતે એનામાં દીનતા આવવાની જ. દીનતા એ ભગવદીયનું મુખ્ય ભૂષણ છે. દીનતા ન રાખે તો અસુરાવેશ આવે. તૃત્વ-કર્તાપણું, ભોકતૃત્વ-ભોકતાપણું આવે. નોકર મટી શેઠની ભાવના ઉત્તેજિત થાય અને આમ દીનતા અદૃશ્ય થાય તો જીવ સુખદુઃખના પંજામાં સપડાઈ જાય, ભાન ભૂલી જાય. પ્રભુનું દાસપણું ગુમાવી બેસે. પ્રત્યેક પ્રસંગે દીનતાનો આશ્રય ત્યજવો નહીં, હર હંમેશ ‘હું કંઈ નથી, કશું મારું નથી, હું કાંઈ પણ કરી શકવા અસમર્થ છું અને મારાથી કંઈ બનતું નથી. જે કંઈ બન્યું એ અને હવે પછી બનશે એ કેવળ પ્રભુની ઇચ્છાશક્તિથી થાય છે, એ થશે’ આવો ભાવ રાખવો એને દીનતા કહે છે. દીનતા પ્રભુને પ્રસન્ન કરવાનું મુખ્ય સાધન છે.

વૈષ્ણવનું સુખ ભગવાનમાં જ હોય છે. તેના ચિંતનમાં, તેનાં કીર્તનમાં, તેની લીલાઓને યાદ કરવામાં અથવા તેને કહેવામાં અને તેની સેવામાં જ તેનો સઘળો આનંદ રહેલો હોય છે. તેનો સાચો આનંદ અંતરમાં હોય છે. બહારના વિષયોનાં દર્શનથી, સ્પર્શથી, સાંભળવાથી એ સૂંઘવાથી મળતો આનંદ એ મનમાં લાવતો નથી. એ આનંદ આખરે પરિણામે દુઃખરૂપ નીવડે છે.
સંસારમાં રહેવું, વિષયોની મધ્યમાં રહીને એનાથી ન લેપાવું એ બહુ દુર્લભ સ્થિતિ છે. પૂર્ણ વૈરાગ્યવાન માનવ જ વિષયોની મધ્યમાં લોપાયા સિવાય રહી શકે. ઉપર-ઉપરથી બધા વિષયો રમણીય લાગે છે પરંતુ પરિણામે દુઃખભાગી છે. નશ્વર છે માયા અને ઇન્દ્રિયોનું તેજ હરી લેનાર છે એમ માની પૂર્ણ વૈરાગ્યવાન બનવું.

ભગવાન પાસે કશું માગવાનું ન હોય. સકામ પ્રાર્થના કરવી નહીં. પ્રભુ અંતર્યામી છે, વળી એ પૂર્ણ વિવેકી છે; કોને શું આપવું. ક્યારે આપવું, શું લેવું અને શું કરવું, એ સારી રીતે તે જાણે છે. આથી અલ્પ સર્વજ્ઞ પ્રભુ પાસે કશી માગણી કરવી ન જોઈએ. પ્રભુ જે-જે વસ્તુ આપે એ પ્રેમપૂર્વક તેણે સ્વીકારવી અને એમાં પ્રભુની દયા માનવી. આથી શો લાભ કે હાનિ, શું સુખ કે દુઃખ, શું હાર કે જીત, બધું પ્રભુ તરફથી આવેલી પ્રસાદીરૂપ લાગશે. પ્રભુ કદી ક્યાંય આપણું ખરાબ કરતા નથી અને આપણું હિત વિચારીને જ આપણને અમુક વસ્તુ આપે છે કે લઈ લે છે.

ભગવાનનું સ્વરૂપ ક્યારે જણાય? બહુ સાધના કરવાથી? બહુ વિદ્યા ભણવાથી? ના. જીવ જ્યારે ‘કશુંય નથી’ એવી દીનતા રાખે અને તદ્દન નિઃસાધન બની જાય, અનન્યશરણ રાખે, એકમાત્ર પ્રભુને જ વળગી રહે, અન્યનું અવલંબન સ્વપ્ને પણ ન સ્વીકારે ત્યારે પ્રભુ કેવળ અનુગ્રહથી જ પ્રાપ્ત થાય. 

- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય  દ્વારકેશલાલજી મહારાજશ્રી

life and style culture news vaishnav community