ભૌતિકતાની લાયમાં માણસ પરિવારની આહુતિ આપી દે છે

21 October, 2024 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૌતિક પદાર્થ વસાવવાની લાયમાં માણસ ઘણી વાર પરિવારની આહુતિ આપતાં પણ અચકાતો નથી, ખચકાતો નથી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

એક એવો પરિવાર જ્યાં ભલે ઍર-કન્ડિશનર હોય કે ન હોય, પણ અંતરમાં ટાઢક હોય.

એક એવું કુટુંબ જ્યાં ભલે બધા પાસે મોબાઇલ હોય કે ન હોય, પણ સૌનાં હૃદય અને મન એકબીજા સાથે જોડાયેલાં હોય. એક એવું ઘર જ્યાં અન્નનો અભાવ હોય, છતાં સૌ સાથે ભોજન કરતા હોય અને જીવનમાં આવતાં દ્વન્દ્વો-વિઘ્નોમાં ખભેખભા મિલાવતા હોય.

આવા પરિવાર એ કોઈ અતિશયોક્તિ નથી કે નથી કોઈ કલ્પના, પણ વાસ્તવમાં બની શકે છે એક જીવંત વાસ્તવિકતા. જોકે આજના આધુનિક યુગનું માનચિત્ર કંઈક અલગ છે. સૌ કોઈ વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના સહારે અર્થોપાર્જન કરવા સતત પ્રયત્નશીલ રહે છે, એ આશાએ કે એમાંથી જ સાચું સુખ અને શાંતિ મળશે. પરિણામે સાચો આનંદ દુર્લભ બની જાય છે જેના કારણે એકલપંડી અને મનમાની જિંદગી જીવવાની શરૂઆત થાય છે. કારકિર્દીના શિખરે પહોંચવા માટે, અંગત લક્ષ્યોને પાર પાડવા માટે, ભૌતિક સુખની પ્રાપ્તિ માટે, પોતાની મહત્ત્વાકાંક્ષાને અને નિજ અહમને સંતૃપ્ત કરવા માટે માણસ મહદંશે કુટુંબને ભૂલી રહ્યો છે; જ્યાંથી તે જીવનનું પ્રાથમિક શિક્ષણ મેળવે છે એવાં મા-બાપ અને પરિવારજનોથી દૂર જઈ રહ્યો છે. ભૌતિક પદાર્થ વસાવવાની લાયમાં માણસ ઘણી વાર પરિવારની આહુતિ આપતાં પણ અચકાતો નથી, ખચકાતો નથી.

એને કારણે તેમનો પરિવાર તૂટે છે, સંબંધો વણસે છે, હતાશા-નિરાશામાં ડૂબકીઓ ખાય છે અને અંતે ઘણી વાર જીવનનો અંત પણ આણે છે. વ્યક્તિ સુખ અને શાંતિને પ્રાપ્ત કરવા જતાં કેવળ શૂન્યતાને પામે છે. જોકે જેમ અનંત અંધકારને દૂર કરવા માટે એક દીપક જ જોઈએ એમ આવા અંધકારભર્યા જીવનમાં પણ પ્રકાશનું એક કિરણ જ કાફી છે. ચાર દીવાલો, બે-ચાર ખિડકીઓ, એક-બે દરવાજાઓ, ઊંચી છત અને રસોડા-ગૅલરી સાથે શૌચાલયનો સરવાળો એ ઘર નથી હોતું, માત્ર મકાન છે જે ખરીદાયા પછી શરૂ થાય છે મકાનમાંથી ઘર બનાવવાની પવિત્ર પ્રક્રિયા!
જ્યાં આવીને હૈયાના ઊંડાણમાંથી એક હાશ નીકળી જાય, દીવાલોની વચ્ચે હોવા છતાં જ્યાં મુક્તિનો એહસાસ થાય, જ્યાં એકમેકની આત્મીયતા આપણી ત્રસ્ત જિંદગીને સહ્ય બનાવે, જે ઓરડાના એકેએક ઘનફુટમાં રહેલી હવાનાં ચોસલાંઓ આપણાં આંસુ અને ખુશીઓને ઓળખે એ જગ્યાએ ઘર કહેવાય. Home is where heart is!

- પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી, BAPS સ્વામીનારાયણ સંસ્થા

culture news life and style columnists swaminarayan sampraday