ઘરમાં બંધન નહીં, પણ બંધારણ જોઈએ; એના વિના સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ફેરવાઈ જાય

30 May, 2024 07:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેમ દેશનું હોય, કોઈ સંસ્થાઓનું હોય એમ પરિવારનું પણ બંધારણ હોય. આપણું બંધારણ શું?

પ્રતીકાત્મક તસવીર

જૂના સમયમાં ઘરમાં એવા વડીલો અને મોભીઓ હતા જે આખા કુટુંબને, ઘરને એક તાંતણે બાંધી રાખતા હતા. હું પણ માનું છું કે દરેક ઘરમાં એક ખીલ્લા જેવો માણસ હોવો જ જોઈએ જેનું માન બધા જ કરતા હોય અને દરેકે નક્કી કરવાનું કે આ વ્યક્તિ કહી દે એ પછી કોઈ ચર્ચા નહીં. આવો પરિવારનો કોઈ એક અમ્પાયર જેવો માણસ નક્કી કરી દે કે બસ, આનો ચુકાદો આવ્યો એટલે કોઈ ચર્ચા નહીં કરવાની તો ઘરનું બંધારણ જળવાઈ રહેશે. ઘરમાં બંધન નથી જોઈતું, પણ બંધારણ જોઈએ છે. કોઈ બંધનમાં નથી પણ હા, આપણે બધા બંધારણથી તો બંધાયેલા છીએ. ક્યાંક બંધારણ વગર સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ફેરવાઈ જાય છે.

જેમ દેશનું હોય, કોઈ સંસ્થાઓનું હોય એમ પરિવારનું પણ બંધારણ હોય. આપણું બંધારણ શું? આપણે નક્કી કરીએ કે આપણી સીમા શું છે? એટલા માટે ઘરમાં કોઈ એક વ્યક્તિ એવી હોવી જોઈએ કે ઘસાઈને પણ, પોતાની ઇચ્છાઓને મારીને પણ તેને એમ થાય કે બધામાં સુખ રહેતું હોય તો મારો હક છોડવા પણ હું તૈયાર છું. પણ જો ઘરમાં, સમાજમાં દરેક વ્યક્તિ અધિકારની વાત કરવા લાગે તો પછી બધાને ભેગા રાખવા બહુ અઘરું થઈ જાય છે.

જેમ ચંદનનું લાકડું ઘસાય પછી જ એમાંથી સુગંધ નીકળે એમ વૈષ્ણવનો દેહ સેવામાં બીજા માટે ઘસાય પછી જ એમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળતી હોય છે. ઘસાયા વગર સુગંધ ન આવે.

‘કારુણિક’, જેની અંદર દયા હોય. તમે શ્રી ઠાકોરજીની સેવા કરો, બધું જ બરાબર પણ જીવમાત્ર માટે દયા છે કે નહીં? એનો વિચાર કરજો. આપણા શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાંઈજી કેવા કરુણાવાન છે! કેવા દયાવાન છે! જીવમાત્ર પર તેમને દયા છે એમ વૈષ્ણવે પણ કરુણાવાન થવું.

‘સુહૃદઃ સર્વદેહિનામ્’ સર્વાત્મભાવ રાખનારા છે. ‘અજાતશત્રવઃ’ સાધુ વ્યક્તિનો કોઈ દુશ્મન ન હોય. કોઈ ઈર્ષા કરે તો ભલે, પણ મારા મનમાં કોઈના પ્રત્યે ઈર્ષા ન હોય. ‘શાન્તાઃ’ શાંત હોય. એકાંત અને શાંતિ બન્નેમાં ફરક છે. આપણે ઘણી વાર એકાંતને શાંતિ માની લઈએ. હમણાં બધા જ જતા રહો. હું બેઠો છું. કોઈ ન હોય ઘરમાં અને એકલા બેઠા હોઈએ. કેવી શાંતિ છે! આને શાંતિ ન કહેવાય, એકાંત કહેવાય. દસ મિનિટ શાંતિ લાગશે. પછી પાછી બધી જવાબદારીઓ યાદ આવશે. આ સ્વભાવ છે, શરીર બિઝી હોયને તો મન શાંત રહે અને શરીર શાંત થાયને તો મન દોડવા લાગે. તમે બધું કામ છોડી સોફા પર શાંતિથી બેસી જાઓ. મન જુઓ ક્યાં-ક્યાં ભાગે છે? એકાંત અને શાંતિમાં ફરક છે. શાંતિ તો ભીડની વચ્ચે પણ થઈ શકે. એકાંતમાં બહુ વાર શાંતિ નહીં ટકે, જો મનમાં અશાંતિ હશે તો.

 

- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી (લેખક શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ-ચંપારણ્યના ગૃહાધિપતિ તથા કાંદિવલીની દ્વારકાધીશજી હવેલીના ગાદીપતિ છે)

life and style columnists