ગુસ્સામાં હંમેશાં વિસર્જન થાય છે, સર્જન થતું હોય એ સાંભળ્યું છે ક્યારેય?

16 July, 2024 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુસ્સાની પળોમાં વિસર્જન સહજ છે, સર્જન દુર્લભ છે

પ્રતીકાત્મક તસવીર

સાઇકોલૉજી કહે છે કે કોઈ પણ પ્રકારની તીવ્ર લાગણી તમારી સભાનતાને સંકુચિત કરે છે. ઘણી વાર આપણે વાંચીએ છીએ કે કોઈ પ્રેમીએ પોતાની પ્રેમિકા પર ઍસિડ ફેંક્યો અથવા નિષ્ફળ પ્રેમનો આઘાત ન જીરવાતાં પોતાના કાંડાની નસ કાપી નાખી.

ફેંકવું, ફોડવું કે ફાડવું ગુસ્સાની પળોમાં આ બધું સહજ છે.

આજ સુધી માત્ર ગુસ્સાને કારણે કેટલાય ડોક્યુમેન્ટ્સ ફાટ્યા, કેટલાંય ચિત્રો ભૂંસાયાં, કેટલાય ગ્લાસ તૂટ્યા, કાર્યક્રમો રદ થયા, તકો પડતી મુકાઈ, સંબંધો તૂટ્યા, કપડાં ફાટ્યાં, ચંપલો ફેંકાયાં, બોલાચાલીઓ અને ઝઘડાઓ થયા, પરિવારોનાં વિભાજન થયાં, પથ્થરો અને ટાયરો ફેંકાયાં, માથાંઓ ફૂટ્યાં, હાડકાં ભાંગ્યાં છે. ગુસ્સાની પળોમાં હંમેશાં વિસર્જન થયું છે.

ગુસ્સાની પળોમાં ક્યારેય કોઈ સર્જન થતું સાંભળ્યું છે ખરું? જેમ કે ગુસ્સાની પળોમાં કોઈ સાહિત્યકારે કોઈ લેખ લખ્યો હોય, કોઈ કવિએ નવી કવિતાનું સર્જન કર્યું હોય, કોઈ ગીતકારે નવું ગીત બનાવ્યું હોય, કોઈ શિલ્પીએ નવું શિલ્પ ઘડ્યું હોય, કોઈ ડિઝાઇનરે નવી ડિઝાઇન બનાવી હોય, કોઈ વ્યાપારીએ નવી બિઝનેસ ડીલ પાર પાડી હોય, કોઈ વકીલે કોઈ કેસ લડીને જિતાડ્યો હોય, કોઈ અકાઉન્ટન્ટે કોઈનું રિટર્ન ફાઇલ કર્યું હોય, કોઈ ડૉક્ટરે કોઈની સરખી ટ્રીટમેન્ટ કરી હોય કે કોઈ રસોઇયાએ સ્વાદિષ્ટ રસોઈ બનાવી હોય. ક્યારેય સાંભળ્યું છે?

ગુસ્સાની પળોમાં વિસર્જન સહજ છે, સર્જન દુર્લભ છે.

ક્રોધના વિસર્જક સ્વભાવને ધ્યાનમાં રાખીને અમેરિકામાં વર્ષોથી રેજ રિચ્યુઅલ્સનો ટ્રેન્ડ ચાલે છે. હવે ભારતનાં મોટાં શહેરોમાં પણ આ ટ્રેન્ડ ચાલુ થયો છે. મુંબઈ, દિલ્હી, બૅન્ગલોર, ઇન્દોર જેવાં મહાનગરોના રેજ-રૂમોનું ઑનલાઇન બુકિંગ થાય છે. એમાં ૧૦થી ૩૦ મિનિટના અને વધીને એક કલાક કે એનાથી પણ વધુ ટાઇમ-સ્લૉટ મળે, જેની કિંમત પ૦૦થી ૧પ૦૦ રૂપિયા જેવી હોય છે. અહીં આવતા લોકો બૉટલ, ટીવી, ટ્યુબલાઇટ, લૅપટૉપ જેવી વસ્તુઓ તોડી શકે છે. અમેરિકામાં ગુસ્સાને આ રીતે એક્સપ્રેસ કરીને બહાર કાઢવા પાંચ લાખ સુધીનો ખર્ચ કરાય છે. આવા રેજ-રૂમ કે ઍન્ગર મૅનેજમેન્ટ કૅફે જેવાં વિવિધ નામોથી ચાલતાં સ્થાનોમાં જઈને લોકો ગુસ્સો બહાર કાઢે છે. આ આખી પ્રક્રિયામાં પણ ગુસ્સાનો મૂળ સ્વભાવ વિસર્જનાત્મક છે એ સ્પષ્ટ જણાય છે.

હકીકતમાં સારા વાંચન દ્વારા, સારું સાંભળવા દ્વારા, શાંત અને કર્ણપ્રિય મ્યુઝિક દ્વારા ક્રોધની પ્રકૃતિનું હીલિંગ થઈ શકે છે અને એ ઉપાય વધુ સારા પણ છે. આગને સેફ્ટી સાથે ઈંધણ આપતા રહેવાને બદલે એને ઓલવવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ. બધી લાગણીઓને બહાર કાઢવી શક્ય નથી. કેટલીયે વાર સમજણ દ્વારા એનું ઉપશમન કરવું જોઈએ.

 

- જૈનાચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિ (આચાર્ય શ્રી ઉદયવલ્લભ સૂરિ ‘પર્ફેક્ટિંગ યુથ’ કૅમ્પેઇન થકી જૈન સમાજના યુવાનોમાં સંસ્કરણનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.)

jain community culture news life and style columnists