01 December, 2024 02:37 PM IST | Srinagar | Ruchita Shah
વૈષ્ણોદેવી મંદિર
વૈષ્ણોદેવી તીર્થધામમાં અત્યારે રોપવેને લઈને ચાલી રહેલો વિવાદ યાત્રાળુઓ માટે પણ સમસ્યારૂપ બન્યો હોવાના અહેવાલ વચ્ચે અમે વાત કરી એવા ગુજરાતીઓ સાથે જેમના હૃદયમાં માતા વૈષ્ણોદેવી માટે અડગ શ્રદ્ધા છે. દાયકાઓથી નિયમિત માતાજીનાં દર્શન કરવા જવાનું જ એવા નિયમને તેઓ વળગી રહ્યા છે. તેમની ભક્તિ પાછળની દાસ્તાન અને અત્યારે રોપવેના સંદર્ભમાં તેમનાં મંતવ્યો જાણીએ. સાથે જ વૈષ્ણોદેવીમાં રહેતા કેટલાક સ્થાનિક લોકો પાસેથી પણ જાણીએ ત્યાંની વાસ્તવિક સ્થિતિ વિશે વિસ્તારથી
દર વર્ષે લગભગ એક કરોડ યાત્રાળુઓ જમ્મુ-કાશ્મીરમાં આવેલા તીર્થસ્થળ વૈષ્ણોદેવીનાં દર્શને જાય છે. મુંબઈ અને ગુજરાતમાંથી વૈષ્ણોદેવીમાં નિયમિત જનારા લોકોની સંખ્યા પણ બહુ મોટી છે. જ્યારથી શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે અહીં રોપવે બનાવવાની પરિયોજનાની જાહેરાત કરી છે ત્યારથી આ યાત્રાધામ ચર્ચામાં છે. અહીં યાત્રાળુઓને માતાજીના ભવન સુધી પહોંચાડવાનું કામ કરતા પિઠ્ઠુ, ઘોડાવાળા અને પાલખીવાળાએ કહ્યું કે જો અહીં રોપવે શરૂ થાય તો અમારી આજીવિકાને બહુ મોટો ફટકો લાગશે. એના વિરોધમાં તેમણે હડતાળ પાડી, રૅલીઓ કાઢી, પ્રદર્શન કર્યાં અને ક્યાંક આ પ્રદર્શને હિંસક સ્વરૂપ પણ લઈ લીધું. ભારતનાં અનેક તીર્થસ્થળોએ રોપવેની સગવડ છે ત્યારે અહીં રોપવે બની જાય તો વિરોધ શું કામ એવો વિચાર સ્વાભાવિક આવી જાય. ખરેખર તો વૈષ્ણોદેવી જેમના હૃદયમાં વસી ગયાં છે અને વૈષ્ણોદેવીની આજની સ્થિતિ અને તેમની આસ્થાના આ કેન્દ્ર સાથે જોડાયેલી વાતો વિશે અમે આ તીર્થસ્થળે નિયમિત યાત્રાએ જતા ગુજરાતીઓ સાથે વાતો કરી તો સાથે ત્યાં રહેતા લોકોનો દૃષ્ટિકોણ જાણવાના પ્રયાસ પણ કર્યા.
માતાજીની કૃપા અપરંપાર
છેલ્લાં પચીસ વર્ષથી લગભગ ૬૦થી ૭૦ જણના ગ્રુપને મુંબઈથી વૈષ્ણોદેવી અને ત્યાંથી પછી આજુબાજુના કોઈક સ્થળે ફરવા લઈ જવાનો નિયમ મનીષ ભટ્ટ અસ્ખલિતપણે પાળી રહ્યા છે. ૭ દિવસની ટ્રિપ હોય અને બુકિંગ ઍડ્વાન્સમાં થઈ જાય. હજી થોડા દિવસ પહેલાં જ તેઓ વૈષ્ણોદેવીથી પાછા ફર્યા છે. વૈષ્ણોદેવી જવાનું કઈ રીતે શરૂ થયું અને માતાજી માટેની આવી અદમ્ય શ્રદ્ધા પાછળનું કારણ શું? એનો જવાબ આપતાં મનીષભાઈ કહે છે, ‘એમાં બન્યું એવું કે અમારું પાંચ-સાત ફ્રેન્ડ્સનું ગ્રુપ હતું. એક વાર અનાયાસ જ એક ફ્રેન્ડે કહ્યું કે આપણે વૈષ્ણોદેવી જઈએ. એ સમયે દેવેન જોશી નામના બીજા મિત્ર ત્યાં જઈ આવ્યા હતા. દેવેને કહ્યું કે હું ગયો છું, સરસ છે. લગભગ ૮ છોકરાઓ તૈયાર થયા અને બસ એ દિવસ અને આજનો દિવસ. વર્ષમાં મિનિમમ એક વાર તો માતાજી પાસે જઈને હાજરી પુરાવી આવવાનું એ નક્કી. એક પણ વર્ષનો ગૅપ નથી પડ્યો. ઘણાં વર્ષ સુધી ચંપલ નહોતો પહેરતો. છેલ્લાં ૮ વર્ષને બાદ કરતાં અમે જૂના રસ્તેથી ચડીને જ જતા. આજે પણ ચડીને માતાજી સુધી પહોંચવાનું. હું ક્રિકેટનો શોખીન છું એટલે ફિઝિકલી ફિટ છું, પણ અમારી સાથે આવતા લોકોને પણ હું કહું કે વૈષ્ણોદેવીનો ડુંગર ચડવાનું હોય તો ૬ મહિના પહેલાંથી જ ફિઝિકલ ટ્રેઇનિંગ શરૂ કરી દેવાની.’
મનીષભાઈ ‘નો પ્રૉફિટ-નો લૉસ’ પર આખી ટ્રિપ પ્લાન કરે છે. જેટલા પણ પરિચિતો ટ્રિપમાં જોડાવા માગતા હોય તેમની ટિકિટ અને રહેવાની વ્યવસ્થા તેઓ પોતાના મિત્રો સાથે મળીને કરે. મનીષભાઈ કહે છે, ‘આજે હું જે છું એ માતાજીની કૃપાથી છું. માતાના સહારે પરિવાર નભે છે અને જીવનની તમામ સફળતામાં પણ તેમના જ આશીર્વાદ છે. અહીં રોપવે બનવાની જે વાતો સંભળાય છે એમાં હું એટલું કહીશ કે રોપવે બનવો જોઈએ કે નહીં એ વિશે હું કમેન્ટ નહીં કરી શકું, પણ એટલું ચોક્કસ કહીશ કે મારા જેવા ભક્તો અહીં રોપવે હોય કે ન હોય, ચાલીને જ યાત્રા કરશે. માતાજીને પામવાની જે તડપ એ ૧૪ કિલોમીટરના ચડાણમાં હૃદયમાં અનુભવાતી હોય છે એ ૬ મિનિટની રોપવે-રાઇડમાં ક્યારેય ન આવે. સાચા ભક્તો તો આજે પણ ઇલેક્ટ્રિક કાર અને હેલિકૉપ્ટરની સુવિધા હોવા છતાં ચડીને જ જાય છે અને મારી દૃષ્ટિએ એમાં જ તમારી ભક્તિની ખરી પરીક્ષા છે.’
વાંધો ન હોવો જોઈએ રોપવેનો
૨૦ વર્ષથી દર વર્ષે જાન્યુઆરીમાં વૈષ્ણોદેવી જતા ફોટોગ્રાફર-વિડિયોગ્રાફર ભાવિક શાહનું પણ મોટું ગ્રુપ છે જે વૈષ્ણોદેવી જાય છે અને પાંચ દિવસની ટ્રિપમાં આજુબાજુનાં ટૂરિસ્ટ-સ્પૉટ પણ તેઓ કવર કરે છે. ભાવિકભાઈ કહે છે, ‘અમે શરૂઆત કરી હતી ટ્રેનથી જવાની, પણ હવે સમયનો અભાવ હોય અને દિવસો બચાવવા હોય એટલે ફ્લાઇટમાં જઈએ અને યાત્રા હેલિકૉપ્ટરમાં બેસીને જ કરીએ. શરૂઆતમાં હું પણ ૧૨-૧૩ વર્ષ ચડીને ગયો છું, પણ હવે ધીમે-ધીમે હેલ્થ નબળી થઈ રહી છે એને જોતાં રોપવે બને તો ઘણા વડીલોને અને બીમાર લોકોને લાભ થાય. હેલિકૉપ્ટરનું બુકિંગ પણ ધનાધન બંધ થઈ જાય છે એટલે રોપવેનો ઑપ્શન અનેક માટે ફાયદાકારક બનશે અને ટૂરિસ્ટ પણ વધશે. પર્સનલી મારા માટે મા વૈષ્ણોદેવી એ પૉઝિટિવિટીના પૂંજ સમાન છે. મારા વર્ષની શરૂઆત તેમનાં દર્શનથી થાય એવું હું પર્સનલી ફીલ કરતો હોઉં છું અને એટલે જ આટલાં વર્ષમાં ક્યારેય બ્રેક નથી પડ્યો.’
ભાવિકભાઈના પરિવારમાં પણ બધાને માતાજી પ્રત્યે અનન્ય શ્રદ્ધા છે. એક અનોખો કિસ્સો વર્ણવતાં તેઓ કહે છે, ‘આમ તો દર વખતે દર્શન માંડ થાય એટલી ભીડ હોય, પણ મને યાદ છે કે લગભગ બે વર્ષ પહેલાં હું ઘરેથી નીકળ્યો ત્યારે મારાં મમ્મીએ કહ્યું કે આ વખતે માતાજીની આરતી કરજે. મેં હા તો પાડી દીધી, પણ એવું થાય એની સંભાવના ઘણી ઓછી હતી, કારણ કે ત્યાં દર્શન પણ ભીડમાં ગણતરીની સેકન્ડ સુધી જ થતાં હોય છે. એ વર્ષે કોને ખબર હું પહોંચ્યો અને લાઇનમાં છેલ્લે હતો અને મને આરતી કરવા મળી ગઈ. મારી મમ્મી દરરોજ માતાજીની લાઇવ આરતી ટીવી પર અટેન્ડ કરે. તેણે મને મુંબઈ બેઠાં-બેઠાં વૈષ્ણોદેવીમાં આરતી કરતો જોયો અને એ મારા જીવનની સૌથી ખુશીની ક્ષણ હતી. જાણે એક માની ઇચ્છા પૂરી કરવા માટે મારી બીજી માએ મને સપોર્ટ કર્યો હોય એવું ફીલ થતું હતું. આવી રીતે ઘણી વાર મને નિરાંતે માતાજીનાં દર્શનનો લાભ મળ્યો છે.’
અહીં ઉલ્લેખનીય છે કે ભાવિકભાઈ સાથે સ્ટૉક માર્કેટનું કામ કરતા તેમના મિત્ર હિતેન શાહ પણ એ જ ગ્રુપમાં નિયમિત છેલ્લાં ૨૩ વર્ષથી માતાજીનાં દર્શને જાય છે. ગ્રુપના મોટા ભાગના સભ્યો હેલિકૉપ્ટરમાં જાય, પણ હિતેનભાઈ ચાલીને જ જાય. તેઓ કહે છે, ‘લોકોને માતાજીનો બુલાવો આવે ત્યારે જ તેઓ જાય, જ્યારે અમારા માટે તો ૩૬૫ દિવસ જાણે કે માતાજીનો બુલાવો જ હોય છે. મારા જીજાજીએ આ ગ્રુપની શરૂઆત કરી હતી અને હું અનાયાસ જ જોડાઈ ગયો. તમને કહું કે છેલ્લાં ૨૩ વર્ષમાં એકેય વાર ન જઈ શકાયું હોય એવું બન્યું નથી. માતાજીની કૃપા હોય ત્યારે જ અડચણ વિના આટલાં વર્ષોની પરંપરા અકબંધ રહી હોય. મને ટ્રેકિંગનો શોખ છે અને માતાજી પ્રત્યે પારાવાર શ્રદ્ધા છે એટલે નક્કી કર્યું છે કે હાથપગ ચાલે છે ત્યાં સુધી તો હું ચાલીને જ જઈશ. ચડાણ અઘરું છે. જૂના રસ્તાનું ચડાણ નવા રસ્તા કરતાં વધારે અઘરું છે. બન્નેમાં ડિસ્ટન્સ લગભગ ૧૩થી ૧૪ કિલોમીટરનું છે, પણ ચડાણમાં ફરક છે. અફકોર્સ હવે નવા રસ્તાથી ડુંગર ચડું છું, પણ ઘણાં વર્ષો હું જૂના રસ્તેથી જતો હતો. મને યાદ છે કે પહેલી વાર ડુંગર ચડ્યો ત્યારે હાલત ખરાબ થઈ ગઈ હતી. લગભગ સાત કલાકે પહોંચ્યો હતો. હવે અઢી કલાકમાં ડુંગર ચડી જાઉં છું. મેં જોયું છે કે લગભગ દરેકની પહેલવહેલી વૈષ્ણોદેવીની યાત્રા પડકારજનક હોય છે.’
હિતેનભાઈ અને તેમના ગ્રુપને એક વાર બરફ પણ મળ્યો છે અને તેમને એક વાર ગુફામાં પણ દર્શન કરવા મળ્યાં છે.
હિતેન શાહ
બેઝ-કૅમ્પ છે અમારો
ટ્રાવેલિંગનો બેઝ-કૅમ્પ પણ હોઈ શકે એવો સવાલ તમને બોરીવલીમાં રહેતા અને યુનિફૉર્મનો બિઝનેસ કરતા રાકેશ જૈન સાથે વાત કરતાં થશે. કારણ કે છેલ્લાં ૩૦ વર્ષથી તેમનો નિયમ છે કે ક્યાંય પણ ફરવા જવું હોય, એની શરૂઆત વૈષ્ણોદેવીથી થવી જોઈએ. એટલે સુધી કે ફૉરેન ટ્રિપ કરવાની હોય તો પણ પહેલાં વૈષ્ણોદેવીમાં જઈને માથું ટેકવાનું અને પછી સવારી આગળ વધારવાની. હું જેકાંઈ છું એ માતાજીની કૃપાથી જ છું એમ કહી વાતની શરૂઆત કરતાં રાકેશભાઈ આગળ કહે છે, ‘અમે ચાર્ટર્ડ અકાઉન્ટન્સીનું ભણતા હતા ત્યારે મિત્રોએ ભેગા થઈને પહેલી વાર વૈષ્ણોદેવી જવાનો પ્લાન કર્યો હતો. અમે બધા યંગ હતા. ભણી રહ્યા હતા. કોઈનાં લગ્ન નહોતાં થયાં. આજે જીવનમાં દરેક જણ કરીઅરમાં અને પરિવારમાં આગળ વધી ગયા છે, પણ માતાજીને મળવાનો ક્રમ નથી બદલાયો. જાન્યુઆરીમાં જવાનું સામાન્ય રીતે બનતું હોય. કોઈક વાર હું મિત્રો સાથે ન જઈ શક્યો હોઉં તો બીજા કોઈ પણ મહિને ત્યાં એક ચક્કર તો અચૂક મારું જ. રવિવારે સવારે મુંબઈથી ટ્રેનમાં નીકળવાનું. સોમવારે પહોંચવાનું. મંગળવારે રાતે ત્યાંથી નીકળી જવાનું. બધા જ પગપાળા ચાલીને યાત્રા કરે. અત્યારે ઉંમર છે તો ચાલી લો. આવતી કાલે માતાજીની કૃપા અકબંધ રહેશે અને તબિયત સારી હશે તો ચાલવાનું છોડવાના નથી.’
રાકેશ જૈન
વર્ષો સુધી ઉઘાડા પગે યાત્રા કરનારા રાકેશભાઈને એક વાર પગમાં કાંટો વાગવાને કારણે પસ થઈ ગયું અને પછી તરત જ જવાનું આવ્યું એટલે તેમણે શૂઝ પહેરવાનું શરૂ કર્યું. તેઓ કહે છે, ‘અમે વૈષ્ણોદેવીનાં દર્શન કરીને પછી ભારતમાં કે બીજે ક્યાંય પણ ફરવા જઈએ છીએ. માતાજીની કૃપાનો કોઈ હિસાબ નથી અને દર્શન પછી ગજબનાક સંતુષ્ટિ થાય છે.’
અહીં રોપવેને લગતા વિવાદ વિશે રાકેશભાઈ કહે છે, ‘રોપવે બનવાથી તીર્થની ગરિમાનો ભંગ તો થશે અને લોકોની આજીવિકા છીનવાશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત બરાબર છે, પરંતુ સ્થાનિક લોકોની આજીવિકા છીનવાય એ યોગ્ય નથી. પહેલાં તેમના વ્યવસ્થાપન વિશે ગંભીરતા સાથે વિચારવું જોઈએ અને પછી એ માટે નિર્ણય લેવો જોઈએ.’
93
આટલા લાખ ભક્તો ૨૦૨૩માં માતા વૈષ્ણોદેવીનાં દર્શને ગયા હતા.
તમને ખબર છે?
માતા વૈષ્ણોદેવી એ સૌથી પ્રસિદ્ધ શક્તિપીઠોમાંની એક છે.
અહીં મુખ્ય મંદિરમાં ત્રણ મૂર્તિઓ છે જેમાં વૈષ્ણોદેવી માતાના ત્રણ દિવ્ય સ્વરૂપને દર્શાવવામાં આવ્યાં છે; સરસ્વતી, લક્ષ્મી અને કાલી.
માન્યતા એવી છે કે સતીમાતાનું મસ્તક આ સ્થાને પડ્યું હતું.
કહેવાય છે કે માતા વૈષ્ણોદેવીએ ત્રેતાયુગમાં મા પાર્વતી, સરસ્વતી અને લક્ષ્મીના રૂપમાં અવતાર લીધો હતો.
માનવામાં આવે છે કે માતા વૈષ્ણોદેવીની ઊર્જાથી જ આખી સૃષ્ટિનું સંચાલન થઈ રહ્યું છે.
મંદિરની શોધ શ્રીધર નામના માતાજીના પરમ ઉપાસકે કરી હતી. આજે પણ એ ભક્ત શ્રીધરના વંશજો દ્વારા જ માતાજીની પૂજા આદિ થાય છે.
મંદિરમાં પ્રાચીન ગુફા પણ છે જે પૌરાણિક કથા પ્રમાણે માતાજીનું મૂળ સ્થાન ગણાય છે.
મંદિરમાં માતાજીનાં દર્શન પછી ભૈરવબાબાનાં દર્શન કરો એ પછી જ યાત્રા પૂર્ણ ગણાય છે.
સ્થાનિકો શું કહે છે રોપવે વિશે?
દર વર્ષે ઍવરેજ એક કરોડ શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીનાં દર્શને આવે છે. ૨૦૨૩માં ૯૩ લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. ૨૦૧૨માં ૧ કરોડ ૧૦ લાખ શ્રદ્ધાળુઓનો ધસારો હતો. અહીં રહેતા લોકોની આજીવિકાનો બહુ મોટો આધાર અહીં આવતા યાત્રાળુઓ પર આધારિત છે અને એટલે જ જો રોપવે શરૂ થાય તો ૧૦થી ૧૨ હજારની સંખ્યામાં ઘોડાવાળા, પિઠ્ઠુઓ અને પાલખીવાળાની આવક પર સીધો પ્રહાર થશે. બીજી બાજુ રોપવેને કારણે હોટેલ અને દુકાનદારો પણ પ્રભાવિત થશે. બધું મળીને કુલ ૫૦,૦૦૦ની આસપાસ લોકો વૈષ્ણોદેવીમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. જો અહીં રોપવે બનશે તો તેમનું જીવન ડિસ્ટર્બ થઈ જશે. બીજી બાજુ એ પણ મુદ્દો છે કે માત્ર વૈષ્ણોદેવી જ નહીં, ભારતનાં ઘણાં તીર્થસ્થાનોમાં રોપવે બન્યા છે અને રોપવે બન્યા પછી યાત્રાળુઓને યાત્રા કરાવતા ડોલીવાલા, ઘોડા વગેરે પ્રભાવિત થયા જ હતા, તો અહીં આટલો વિરોધ શું કામ? એનો જવાબ છેલ્લાં ૪૦ વર્ષથી વૈષ્ણોદેવીમાં ઘોડા પર યાત્રા કરાવતા ૬૨ વર્ષના રશપાલ શર્મા ‘મિડ-ડે’ને આપે છે, ‘અહીં જે પ્રકારનું વાતાવરણ છે એ જોતાં વર્ષોથી આ જ કામ અમે કરતા આવ્યા છીએ. અહીં કોઈ ઇન્ડસ્ટ્રી કે ફૅક્ટરી નથી કે અમને નોકરી મળે. અહીં ખેતીકામ પણ લિમિટેડ છે એટલે એમાં પણ મજૂરીનું કામ મળવું મુશ્કેલ છે. સરકાર નવી રોજગારીની તકો ઊભી કરવાને બદલે અત્યારે અમારી પાસે જે કામ છે એ પણ છીનવી લેવા માગે છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડની આ માત્ર ગુંડાગર્દી છે. તેમની જોહુકમીને કારણે હજારો લોકો સંકટમાં મુકાઈ ગયા છે. વાત માત્ર અમારી જ નથી. જો રોપવે બનશે તો આજે જૂના રસ્તા પર આવેલી સેંકડો દુકાનો બંધ કરવાની નોબત આવી જશે. ત્યાંથી લોકોની અવરજવર ઘટશે પછી કોણ એ દુકાનોમાં ખરીદી કરવા જશે.’
સુખદેવ શર્મા
૬ મિનિટમાં ઉપર, ૬ મિનિટમાં નીચે અને ૨૦ મિનિટમાં દર્શન એટલે લોકો અડધો કલાકમાં દર્શન કરીને નીકળી જશે તો હોટેલો પણ બંધ કરવી પડશે. કોઈએ રોકાવાની જરૂર નહીં પડે એવી સ્પષ્ટતા કરતાં વૈષ્ણોદેવીમાં ૧૯૯૭થી હોટેલ ચલાવતા સુખદેવ શર્મા કહે છે, ‘આ તો થઈ લોકલ લોકોની વાત, પણ સાથે યાત્રાળુઓને પણ એમાં નુકસાન છે. તમે જ્યારે ચાલીને યાત્રા કરો છો ત્યારે રસ્તામાં આવતાં બાણગંગા, ચરણપાદુકા જેવાં સ્થળ મિસ થઈ જશે. એક સ્થાન છે જ્યાં માતા રાણીએ ૯ મહિનાનો વાસ કર્યો હતો એ અર્ધકુંવારી ગુફાનાં દર્શન નહીં થાય. આપણી સાંસ્કૃતિક ધરોહર પણ આમાં જોખમમાં મુકાઈ શકે છે.’
હની સાધોતરા
આ જ દિશામાં સૂર પુરાવતાં ત્યાંના સ્થાનિક પત્રકાર અને શ્રી માતા વૈષ્ણોદેવી પ્રેસ ક્લબના સભ્ય હની સાધોતરા કહે છે, ‘તમને એક કિસ્સો કહું. વર્ષો પહેલાં અહીંના શ્રાઇન બોર્ડે ઇલેક્ટ્રિક કાર ઇન્ટ્રોડ્યુસ કરેલી, એવું કહીને કે એમાં માત્ર વડીલો અને બીમારોને જ બેસવાની પરવાનગી હશે. એની જગ્યાએ આજે ૮૦ ટકા બીજા લોકો બેસે છે. ઘોડાવાળા માટે રસ્તો બનાવીએ છીએ એવું કહીને જે રોડ બનાવ્યો એનો ઉપયોગ આજે માત્ર મંદિરની નજીક રહેલી દુકાનોને જોઈતા સામાનની હેરફેર પૂરતો જ મર્યાદિત રખાયો છે. અહીં માત્ર વાતો થાય છે અને આજે હજારો નહીં લાખો લોકોનાં ભવિષ્ય દાવ પર મુકાઈ જશે જો ગંડોલા બનશે તો. રોપવેથી જ પ્રોગ્રેસ થાય એવું કોણે કહ્યું. તમે કોઈના પેટ પર લાત મારીને પ્રોગ્રેસ કરો એને કાંઈ પ્રોગ્રેસ કહેવાય? બીજું, તમે આને ટૂરિસ્ટ-પ્લેસ બનાવવા માગો છો કે યાત્રાધામ તરીકેની એની ગરિમાને બરકરાર રાખવા માગો છો? નક્કી તમારે કરવાનું છે. હું ૧૦૦ ટકા એ પક્ષમાં છું કે રોપવેનું નિર્માણ અહીંના સ્થાનિક લોકોના આજીવિકાના અધિકાર પર તરાપ સમાન હશે. માન્યું કે યાત્રાળુનો ફ્લો વધશે પણ યાત્રાળુઓનો સમય ઘટશે અહીં. નાના ગેસ્ટહાઉસથી લઈને સેવનસ્ટાર કૅટેગરીની લગભગ ૭૦૦થી વધુ હોટેલ કટરામાં છે એ હોટેલો બંધ કરવાનો વારો આવશે જો યાત્રાળુઓએ અહીં રાત રોકાવાનું બંધ કરી દીધું તો.’