19 June, 2019 06:10 PM IST | અમદાવાદ | ભાવિન રાવલ
આપણે ગુજરાતીઓ ફરવાના શોખીન છીએ. રજા પડે કે ન પડે આપણે ફરવા માટે દેશ દુનિયામાં ગમે ત્યાં ઉપડી જઈએ છે. ફરવા જવા માટે ગુજરાતીઓના સૌથી ગમતા ડેસ્ટીનેશન ઉત્તર ભારત, દક્ષિણ ભારત છે. તો ભારત બહાર ગુજરાતીઓ દુબઈ, બેંગકોક જેવા સ્થળોએ ફરવા જાય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતમાં જ એવા ડેસ્ટિનેશન આવેલા છે, જેને જોઈને તમે બીજું બધું જ ભૂલી જશો. ગુજરાતની અંદર આવેલા આ રમણીય સ્થળો જોઈએ તમારી આંખો પહોળી થઈ જશે.
મહાલમાં મહાલો
ગુજરાતીઓ વિશ્વપ્રવાસી પ્રજા તરીકે આખી દુનિયામાં જાણીતા છે. એમાંય દક્ષિણ ગુજરાતમાં તો અખૂટ કુદરતી સોંદર્ય આવેલું છે. ડાંગના આહવાથી એક કલાકના અંતરે આવેલું મહાલ કુદરતના ખોળે વસેલી એવી જગ્યા છે, જ્યાં અદભૂત અહેસાસ થશે. મહાલ આમ તો એક ગામડું છે, પરંતુ અહીં વન વિભાગનું રેસ્ટ હાઉસ પણ બનેલું છે. પૂર્ણા નદીને કાંઠે આવેલું આ સ્થળ ઘણા દાયકાઓ પહેલા અંગ્રેજોએ શોધ્યું હતું અને તેમણે જ અહીંના સુંદર પોઇન્ટ પર રેસ્ટ હાઉસ બાંધ્યું છે. જૂનું રેસ્ટ હાઉસ હજુ પણ ઉભું છે.
અહીંની ખાસ વાત એ છે કે વન વિભાગે નાસ્તા-ભોજનનો કોન્ટ્રાકટ સ્થાનિકોને આપેલો છે. પર્યટકોને તેઓ સવારે બટેટા પૌંઆ, પુરી-ભાજી, ચા-દુધ વગેરે પીરસે છે. ભોજનમાં ડાંગના વિશિષ્ટ ધાન્ય એવા નાગલીના રોટલા, મકાઇના રોટલા, અડદની દાળ, ભાત જેવી સાદી પણ અત્યંત સ્વદિષ્ટ રસોઇ તેઓ બનાવી આપે. ડુંગળી-બટેટા સિવાયની કોઇપણ શાકભાજી ખાવી હોય તો પર્યટકે અહીં કાચા-લીલા શાકભાજી લઇ જવા જરૂરી છે.
પૂર્ણા અભયારણ્ય
ડાંગમાં જ આવેલું આ અભયારણ્ય 160 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. અહીં સાગ અને વાંસના વૃક્ષોની ભરમાર છે. આ અભયારણ્યમાં દીપડા અને ચૌશિંગા હરણની વસ્તી પણ જોવા મળે. ડાંગની આવી હરિયાળી સમૃદ્ધિ સાથે સ્થાનિકોના રીતિરિવાજો તથા તેમની જીવનશૈલીનું સંયોજન સધાય ત્યારે પ્રકૃતિપ્રેમીઓ ગદગદ થઇ જાય છે.
કિલાદ - ઈકો ટુરિઝમ પાર્ક
કિલાદ એ વઘઈની નજીક આવેલું છે. વાંસદા નેશનલ પાર્કથી નજીક વઘઈની ભાગોળે આ ઈકો ટુરિઝમ સાઈટ બનેલી છે. અહીં પણ ટેન્ટ અને વાંસથી બનેલા કોટેજ તેમજ વોચ ટાવર્સ છે અને આ ઉપરાંત અહીંથી વહેતી નદી તમને આહલાદક અનુભવ આપે છે. શહેરના હાડમારી ભર્યા જીવનની ઝંઝટથી દૂર, પ્રકૃતિની નજીક રહીને તમે રિફ્રેશ થઈ જશો.
હિલ સ્ટેશન ડોન
ડાંગમાં આવેલું આ હિલ સ્ટેશન સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. ડોન હિલ સ્ટેશનની ઉંચાઈ 1070 મીટર છે, જે સાપુતારા કરતા પણ 100 મીટર વધુ છે. રસપ્રદ વાત એ છે કે આ હિલ સ્ટેશનથી મહારાષ્ટ્ર બોર્ડર 3 કિલોમીટર જ દૂર છે. એટલે તમે ડોનથી થઈને મહારાષ્ટ્ર તરફ પણ ફરવા જઈ શકો છો. અત્યાર સુધી અજાણ્યા આ હિલ સ્ટેશન છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવાસીઓમાં લોકપ્રિય બન્યું છે.
પોળોના જંગલ
અમદાવાદથી 150 કિમી દૂર આવેલી રમણીય જગ્યા એટલે પોળો ફોરેસ્ટ. અહીં પ્રકૃતિ મન મુકીને વરસી છે. જે લોકોને ટ્રેકિંગ અને હાઈકિંગનો શોખ છે તેમના માટે આ જગ્યા આદર્શ છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઇડર નજીક આવેલા પોળોના જંગલને ખરા અર્થમાં છૂપો ખજાનો કહી શકાય.
આ પણ વાંચોઃ ટ્રેકિંગના શોખીનોએ ગુજરાત બહાર જવાની નથી જરૂર, આ રહ્યા ઓપ્શન્સ
જેસ્સોર અભયારણ્ય
ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું જેસ્સોર વન્યજીવ અભ્યારણમાં પણ પોળોની જેમ અનેક કેડીઓ અથવા તો ટ્રેકિંગ રૂટ્સ આવેલા છે. 180 ચોરસ કિલોમીટરના શ્રેત્રફળમાં ફેલાયેલા આ જંગલમાંપ્રકૃતિએ મન મૂકીને સુંદરતા ઠાલવી છે. આંખો ઠરે તેવા તળાવો, તેની મુલાકાતે આવતા દેશી-વિદેશી દૂર્લભ પક્ષીઓ, પહાડો, પહાડની ટોચે આવેલું કેદારેશ્વર મંદિર જોઈને તમે બસ વાહ પોકારી ઉછશો.