દીન પર દયા કરતાં-કરતાં સ્નેહ સુધી પહોંચો તો સમાજમાં બહુ મોટી ક્રાન્તિ થાય

24 July, 2024 08:00 AM IST  |  Mumbai | Morari Bapu

બહુ મોટી વસ્તુ, મોટો ધર્મ છે, પણ એમાં આપણે લાખ ધ્યાન રાખીએ તો પણ સામો માણસ એના ભાર તળે દબાઈ જાય છે એનું શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

દયા પરિસ્થિતિજન્ય છે, પ્રસંગ પર આધારિત છે. કરુણા સ્વભાવગત લોહીમાં હોય છે. કુળમાં અને જીવ સાથે જોડાયેલી હોય છે. ક્યારેક કરુણા કુળમાં વારસાગત પણ ઊતરી આવે છે. દયા સમાન કોઈ ધર્મ નથી. બહુ જ મોટો ધર્મ છે દયા, પણ દયા કરનારાઓ કૃપા કરી શરૂઆતથી ભલે દયા કરો, પણ પછી કરુણા કરવાની. કારણ દયા કરવામાં ગમે એટલા સહજ અને સરળ બનીએ તો પણ જેના પર દયા થાય છે તે અનુભવે છે કે અમારા પર કોઈએ દયા કરી.

મેં ઘણી વાર કહ્યું છે કે ટ્રાફિક સિગ્નલ પાસે મોટર અટકી જાય તો ભિખારી ભીખ માગવા દોડી પડે. તમે પચાસ પૈસા કે રૂપિયો આપી દો અને એ જ વખતે આગળ વધવાનું સિગ્નલ મળી ગયું અને તમારી ગાડી આગળ જાય તો ભિખારી તમને યાદ કરતો નથી અને તમે ભિખારીને યાદ કરતા નથી. ક્ષણમાં નાતો પૂરો થઈ ગયો. તમે દયા કરી પછી તમે તેને ભૂલ્યા, પણ ગાડી ઊભી રહી અને એ વખતે તમારો કોઈ પ્રેમી મળી ગયો હોય તો?

ગાડી આમ આગળ વધી જાય, પણ તમારું મન તેને પાછળ શોધ્યા જ કરે. પેલો આમ જતો હોય તો તમારું મન તેની સાથે જાય. એમ સમાજે દયાથી ગતિ કરતાં-કરતાં પ્રેમ સુધી
જવું જોઈએ.

દીન પર દયા કરતાં-કરતાં સ્નેહ સુધી પહોંચો તો સમાજમાં બહુ મોટી ક્રાન્તિ થાય. બહુ મોટી વસ્તુ, મોટો ધર્મ છે, પણ એમાં આપણે લાખ ધ્યાન રાખીએ તો પણ સામો માણસ એના ભાર તળે દબાઈ જાય છે એનું શું કરવું? કોઈ ગરીબ માતાજી કે કોઈ અનાથ હોય એને આપણે ઇચ્છીએ કે ખબર ન પડે એમ આપણે આપવું જ જોઈએ. એ મારી મા છે, મારો દીકરો છે, મારા પિતા છે, સમાજના બધા જ વર્ગોની સાથે હું કોઈ ને કોઈ રીતે જોડાયેલો છું, કારણ કે પ્રકૃતિનું મંડળ એકબીજા સાથે જોડાયેલું છે. હું એનાથી ભિન્ન થઈ શકું નહીં એટલી સરળતાથી આપણે કાર્ય કરીએ તો પણ જેના પર દયા કરીશું, તેને એમ જ થશે કે તમે બહુ દયા કરી અને એક લઘુતા થોડી બની રહે છે. એમાંથી આપણે આગળ વધવું પડશે. કરુણા સુધી જવું પડશે, પ્રેમ સુધી જવું પડશે.

દીકરાને તમે આપો છો, ભિખારીને તમે આપો છો, આપો છો તમે બન્નેને. એક જગ્યાએ તમે દયા કરો છો, એક જગ્યાએ વાત્સલ્ય ને પ્રેમ છે. પુત્રને પણ પાંચ રૂપિયા તમે આપ્યા અને ભિખારીનેય પાંચ આપ્યા. ગયા બન્ને જગ્યાએ સરખા, પણ બુનિયાદી ઘણો તફાવત છે. દયાના સ્તરથી આપણે કરુણાના સ્તર સુધી ઊઠવાનું છે.

culture news life and style columnists Morari Bapu