બેસતા વર્ષે જ શું કામ થાય છે ગોવર્ધનપૂજા?

04 November, 2024 11:57 AM IST  |  Madhya Pradesh | Mukesh Pandya

પૌરાણિક માન્યતા અનુસાર ઇન્દ્રની પૂજા કરવાને બદલે શ્રીકૃષ્ણએ ગૌમાતાને ખાવા ઉત્તમ કક્ષાની વનસ્પતિ અને પીવા માટે પાણી આપે છે એવા પર્વતની પૂજા કરવાનું કહ્યું એટલે ગુસ્સે ભરાયેલા ઇન્દ્રદેવે ગામવાસીઓને હેરાન કરવા ખૂબ વરસાદ વરસાવ્યો

ગોવર્ધનપૂજા

પૌરાણિક માન્યતા અનુસાર ઇન્દ્રની પૂજા કરવાને બદલે શ્રીકૃષ્ણએ ગૌમાતાને ખાવા ઉત્તમ કક્ષાની વનસ્પતિ અને પીવા માટે પાણી આપે છે એવા પર્વતની પૂજા કરવાનું કહ્યું એટલે ગુસ્સે ભરાયેલા ઇન્દ્રદેવે ગામવાસીઓને હેરાન કરવા ખૂબ વરસાદ વરસાવ્યો, પણ ત્યારે બાલગોપાલે આખેઆખો ગોવર્ધન પર્વત ઉપાડીને તેમનું રક્ષણ કર્યું હોવાથી એ દિવસથી કારતક સુદ એકમે કરવામાં આવે છે ગોવર્ધનપૂજા

શનિવારે બેસતા વર્ષે આપણે બધા સગાંસંબંધી અને મિત્રોને નૂતન વર્ષાભિનંદન કરવામાં વ્યસ્ત હતા ત્યારે ઉત્તર ભારતમાં આ જ દિવસે ગોવર્ધનપૂજા રંગેચંગે થઈ રહી હતી. આપણે ત્યાં પણ ખાસ કરીને વૈષ્ણવો નૂતન વર્ષે હવેલીઓમાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટનાં દર્શનનો લાભ લેતા હોય છે. દિવાળી એવો તહેવાર છે જ્યાં કુટુંબીઓ બધા ભેગા મળીને તહેવાર ઊજવતા હોય છે. નૂતન વર્ષે ગાયને પણ કુટુંબી ગણી એની પૂજા કરવામાં આવે એવો ખ્યાલ જ હૃદયને રોમાંચિત કરી મૂકે છે. આ દિવસે ગાયની, ગાયને ખોરાક-પાણી પૂરાં પાડનાર મથુરા નજીક આવેલા ગોવર્ધન પર્વતની અને ભગવાન શ્રીકૃષ્ણની અચૂક પૂજા-પરિક્રમા કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં વેદકાળથી ગાયને માતાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, પણ ગાયનો મહિમા વધારવાનું શ્રેય અવશ્ય શ્રીકૃષ્ણને મળે. કૃષ્ણને ગાયો પ્રાણથી પણ પ્રિય હતી. ગાયની સેવાનો મોકો મળે એવા હેતુથી જ જન્મની રાતે જ તેઓ મથુરાથી સીધા ગોકુળના ગોપાલક કુટુંબમાં પહોંચી ગયા. નંદ-જશોદાને ઘેર ઊછર્યા. એ સમયે તેમણે અનેક લીલાઓ કરી એમાં ગોવર્ધનલીલા પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે.

નાથદ્વારામાં ગોવર્ધન પૂજા માટે ગૌશાળામાંથી બહાર આવી રહેલી ગાયો.

પૌરાણિક માન્યતા અનુસાર એ સમયે ગોકુળવાસીઓ ઇન્દ્રથી ડરીને તેમની પૂજા કરતા. ઇન્દ્રને પણ આ જોઈને અભિમાન આવી ગયું હતું. કહેવાય છે કે ઇન્દ્રનો અહંકાર દૂર કરવા કૃષ્ણએ લોકોને ઇન્દ્રપૂજા બંધ કરવા અને જે પર્વત ગાયમાતાને ખાવા માટે ઉત્તમ કક્ષાની વનસ્પતિ અને પીવા માટે પાણી આપે છે એવા પર્વતની પૂજા કરવાનું કહ્યું. ગામવાસીઓ હવે આ પર્વતની પૂજા કરવા લાગ્યા એટલે ઇન્દ્રને ગુસ્સો આવ્યો અને તેમણે ગામવાસીઓને હેરાન કરવા ખૂબ વરસાદ વરસાવ્યો.

એ સમયે શ્રીકૃષ્ણએ ગામના લોકો અને ઢોર-ઢાંખરને વરસાદથી બચાવવા ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળીએ ઊંચકી લીધો અને એની નીચે સર્વને આશ્રય આપ્યો. આમ ગોવર્ધન પર્વતે સૌને રક્ષણ આપ્યું એટલે એનાં માનપાન વધી ગયાં. ગામવાસીઓએ ભાતભાતનાં ભોજન પકાવી ગોવર્ધન પર્વત સમક્ષ ધર્યાં ત્યારથી કારતક સુદ એકમે ગોવર્ધનપૂજા અને અન્નકૂટનો સંયોગ રચાય છે.

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે ગોવર્ધન પૂજા કરી હતી.

શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વત નહીં, પણ ગાયના સંવર્ધનનો સમગ્ર ભાર ઝીલ્યો હતો

તાર્કિક દૃષ્ટિએ આજની પેઢીને એ વાત કદાચ ગળે ન ઊતરે કે શ્રીકૃષ્ણએ ટચલી આંગળીએ મોટો પર્વત ઊંચક્યો હશે, પરંતુ એટલું તો ખરું કે ગાયના સંવર્ધનનો સમગ્ર ભાર તેમણે જ ઝીલ્યો હતો. ગાયોનું રક્ષણ કરે, સંવર્ધન કરે એ જ ગોવર્ધન. શ્રીકૃષ્ણ એટલું તો સમજી ગયા હતા કે ગાય ગામડાંઓના અર્થતંત્રના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપી શકશે. ગાય પ્રજાનું પોષણ કરવા દૂધ, દહીં, છાશ, માખણ, ધી, મૂત્ર અને ગોબર તો પૂરાં પાડે જ છે અને સાથે બળદ પણ ખેતીવાડીમાં અને માલસામાનની હેરફેર કરવા ખૂબ કામ લાગે છે. ગામનો વિકાસ કરવો હોય તો ગાયોને સુખી રાખવી પડશે.

ગાયને હેરાન કરવાથી કુદરત પણ કોપી ઊઠે છે

આ વાતને આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે. દિલ્હીના ઍસ્ટ્રોફિઝિક્સના પ્રોફેસર ડૉ. એમ. એમ. બજાજે એક કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘ગાયની નિર્દયી રીતે કતલ થાય એ વખતે એ ભયથી ભાંભરે છે ત્યારે જે ઇન્ફ્રાસોનિક કિરણો ઉત્પન્ન થાય છે એ પૃથ્વી પર પ્રચંડ દબાણ ઉત્પન્ન કરે એટલાં પ્રબળ હોય છે. એને કારણે ધરતીકંપ જેવી કુદરતી આપત્તિઓ આવવાની શક્યતા વધી જાય છે. લંડનમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘ધ ટ્રેઝરી ઑફ સાયન્સ’ (સંપાદક સી. પી. સ્નો)માં જણાવાયું છે કે પૃથ્વી પર ચારેકોર હવાનું ખૂબ દબાણ હોય છે જેને ઍટમોસ્ફિયરિક પ્રેશર કહેવાય છે. અવાજનાં મોજાં જ્યારે હવામાંથી પસાર થાય ત્યારે એની તાકાત પ્રમાણે પૃથ્વી પરના હવાના દબાણમાં વધારો-ઘટાડો નોંધાય છે જે અનેક પ્રકારની કુદરતી આફતો માટે નિમિત્ત બને છે. ગાયોની ગરદન પર જ્યારે કરવત ફરતી હોય ત્યારે નીકળતી ચીસોથી પૃથ્વી વિચલિત થઈ શકે છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ ગોવર્ધન પૂજા નિમિત્તે ગોરખપુરમાં ગાયોને ચારો ખવડાવ્યો હતો.

વેદ ઉપનિષદોમાં ગૌહત્યાને કેમ મહાપાપ કહ્યું હશે એ હવે સમજાય છે.

બીજી બાજુ ગાયની હત્યાથી નહીં, પણ એના સંવર્ધનથી માત્ર મનુષ્યો જ નહીં, પૂરી સૃષ્ટિને પૂરતું પોષણ અને ૨ક્ષણ આપી શકાય છે એ ભગવાન શ્રીકૃષ્ણ સુપેરે સમજતા હતા. એટલે જ ગાયોના સંવર્ધનનો ભાર પોતે ઊંચક્યો અને પછી તો અનેક ગોપ-ગોપીઓએ આ કાર્યમાં સાથ આપ્યો અને ગાયમાતા આપણા કુટુંબનું અભિન્ન અંગ બની ગયાં.

આજે પણ જો રાજકીય સૂઝબૂઝનો યોગ્ય સહકાર મળે અને આધુનિક ટેક્નૉલૉજીથી ગોવંશનું સંવર્ધન કરવામાં આવે તો પૂરા દેશનું અર્થતંત્ર વિશ્વભરમાં મુઠ્ઠીઊંચેરું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. પર્યાવરણનો જે રીતે દાટ વળી રહ્યો છે એ જોતાં અગાઉ નહોતી એટલી ગોવર્ધનપૂજાની આજે જરૂર છે.

(ક્રમશઃ)

diwali new year uttar pradesh madhya pradesh yogi adityanath hinduism religion culture news life and style