તકલીફ આવે તો પણ જીવનમાં ક્યારેય અટકવું નહીં

21 September, 2023 05:43 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

આ વાત સૂચવે છે ગણપતિનો એક દાંત. તમે જોશો તો તમને દેખાશે કે ઐરાવત શીર્ષ ધરાવતા ગણપતિના બે દાંતમાંથી એક દાંત તૂટેલો છે, જે હકીકતમાં હતો નહીં. એ દાંત ગણપતિએ પોતે તોડ્યો અને દુનિયાભરને સમજાવ્યું કે તકલીફ તો જીવનનો ભાગ છે, એનાથી ક્યારેય અટકવું નહીં

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે આપણે મૂષક શું સૂચવે છે એની વાત કરી, હવે વાત કરવાની છે એકદંતાય એવા ગજાનનનો એક દાંત શું સૂચવે છે. પણ એ પહેલાં વાત કરવાની કે ગજાનનનો ડાબો દાંત શું કામ તૂટેલો કે બટકેલો છે એ ઘટનાની.

પોતાના જ પુત્રના શિરચ્છેદ પછી મહાદેવે જ્યારે આદેશ આપ્યો કે સવારે જે કોઈનો પહેલો પ્રવેશ થાય એના શીર્ષને પુત્ર પર લગાડી, તેના શરીરમાં આત્માનો સંચાર કરવામાં આવશે. સવારના પહેલો પ્રવેશ ઐરાવતનો થયો, જે ઐરાવતના બન્ને દાંત હતા. ઐરાવતના શીર્ષનો છેદ કરી એ મસ્તક પુત્ર પર લાગ્યું એ સમયે પણ એ ઐરાવતના બન્ને દાંત અકબંધ હતા પણ ત્યાર પછી એક ઘટના એવી ઘટી કે જેમાં ગણપતિએ પોતે જ પોતાના હાથે ડાબો દાંત તોડ્યો અને દુનિયાને સંદેશ આપ્યો કે જીવનમાં તકલીફોને રુકાવટ આવી શકે છે પણ એની સામે ઘૂંટણિયે પડવાને બદલે આગળ વધતા રહેશો તો જ કર્મપ્રાપ્તિનો આનંદ મેળવી શકશો.

કેવી રીતે બન્યા એકદંતાય?

એકદંતાય ગણપતિ માટે શાસ્ત્રોમાં ખાસ કોઈ વાત નથી, સિવાય કે એક ઘટના, જે એકદંતાય ગણપતિની સાથે બરાબર બંધબેસતી પણ છે.

શાસ્ત્રોમાં કહેવાયું છે કે કુરુક્ષેત્રનું આલેખન જેમાં થયું છે એ મહાકાવ્ય મહાભારત ગણેશજી દ્વારા લખાયું છે અને ગણેશજીને એ મહાકાવ્ય સંભળાવવાનું કાર્ય ઋષિ વેદ વ્યાસે કર્યું હતું. વ્યાસજીએ મહાકાવ્ય સંભળાવતાં પહેલાં શરત મૂકી હતી કે મહાકાવ્યનો પાઠ કરતી વખતે ગણેશજી વ્યાસજીને રોકશે નહીં અને એ લખતી વખતે ગણેશજી પોતે ક્યાંય રોકાશે નહીં અને સાથોસાથ એ પણ શરત હતી કે ગણેશજીએ માત્ર લખવાની પ્રક્રિયા નથી કરવાની, પણ મહાકાવ્યમાં આવતા દરેક શ્લોકને તે સમજશે પણ ખરા અને વ્યાસજી પૂછે તો તેમને એનો ભાવાર્થ સમજાવશે પણ ખરા. દંતકથા અનુસાર મહાભારત મહાકાવ્યને પૂર્ણ કરવામાં બન્નેને સતત બોલતાં અને લખવામાં ત્રણ વર્ષ લાગ્યાં હતાં.

લખવાનું આ કાર્ય ચાલતું હતું એ દરમ્યાન ગણેશજી જે પીંછાંથી લખતા હતા એ પીંછાની દાંડી તૂટી ગઈ. હવે કરવું શું? નવું પીંછું અને એ પણ એવું જેની દાંડી ઇન્ડિપેનની નીડલ જેવી અણીવાળી હોય, એ શોધવામાં સમય જાય અને જો સમય જાય તો વેદ વ્યાસજી સાથે જે શરત નક્કી થઈ હતી એ શરતનો ભંગ થાય, જે કોઈ કાળે ગજાનન ઇચ્છતા નહોતા એટલે તેમણે ચાલુ લખાણ કાર્ય દરમ્યાન જ પોતાના બે દાંતમાંથી ડાબો દાંતનો આગળનો ભાગ તોડી નાખ્યો અને એનો ઉપયોગ લખવામાં કર્યો. આખું મહાભારત પૂરું થયું ત્યારે છેક વ્યાસજીનું ધ્યાન એ તૂટેલા દાંત પર ગયું અને એટલે જ વ્યાસજીએ ગજાનનને ‘એકદંતાય’ નામ આપ્યું, જે નામ એ પછી જગતભરમાં પ્રસિદ્ધ થયું.

એક લોકવાયકા એવી પણ છે કે ગજાનનો એ દાંત પરશુરામજીએ તોડ્યો હતો. મહાદેવને મળવા પરશુરામ આવ્યા ત્યારે મહાદેવ ધ્યાનમાં હતા એટલે ગણેશજીએ પરશુરામજીને શિવધામમાં પ્રવેશવાની અને મહાદેવને મળવાની અનુમતિ ન આપી, જેને 
લીધે પરશુરામજીએ ગુસ્સે થઈ ગણેશજીનો દાંત તોડ્યો પણ આ લોકવાયકાના શાસ્ત્રોમાં ક્યાંય કોઈ પુરાવા નથી.

તૂટેલો દાંત, એક સિમ્બૉલ

તકલીફ આવે, મુશ્કેલી આવે, અડચણો પણ આવે અને મુસીબતો પણ અણધારી દરવાજે આવીને ઊભી રહી જાય તો પણ ક્યારેય અટકવું નહીં. તમારે તમારા ધ્યેય તરફ આગળ વધતા રહેવું જોઈએ અને ધ્યેય પ્રાપ્ત કરવું જોઈએ. ગજાનનનો તૂટેલો દાંત એ પણ સમજાવે છે કે તકલીફોની વાતો પણ ન હોય, એને લીધે આવેલી પીડા વિશે પણ ચર્ચા ન કરવાની હોય. એ વાતોની સાચી મજા ત્યારે છે જ્યારે તમને એના વિશે પૃચ્છા કરવામાં આવે અને તમે એ અવસ્થાનું વર્ણન કરો. અન્યથા તકલીફોના વર્ણનથી પણ હકીકતમાં તો સમયનો વેડફાટ થતો હોય છે માટે એકદંતાય પાસેથી સૌકોઈએ શીખવું, સમજવું જોઈએ કે સાચા લીડરની ક્વૉલિટી એ છે કે જે પોતાને સોંપવામાં આવેલું કામ એકાગ્રતા સાથે કરતા રહે અને પોતાના અંતિમને પ્રાપ્ત કરે.

ganpati ganesh chaturthi astrology culture news life and style columnists