હી શાન કુણાચી, લાલબાગચ્યા રાજાચી : લાલબાગચા રાજાની મૂર્તિની વિસર્જનયાત્રા છે વિસ્મયોથી ભરપૂર

15 September, 2024 12:15 PM IST  |  Mumbai | Ruchita Shah

બાપ્પાની મૂર્તિને ટ્રૉલી સહિત લગભગ પંદરસો કિલોનું વજન ખેંચીને વિસર્જનસ્થળ સુધી પહોંચાડતા કાર્યકર્તાઓને લાખો શ્રદ્ધાળુઓની વચ્ચેથી લગભગ ૧૦ કિલોમીટરનું અંતર કાપતાં અઢારથી ૨૪ કલાક નીકળી જાય એ વાત જ પોતાનામાં અચંબો આપનારી નથી?

લાલબાગચા રાજા

લાલબાગચા રાજાનો ડંકો દુનિયાભરમાં વાગી રહ્યો છે. જોકે લાલબાગચા રાજાના ચમત્કારોની દુનિયા જેટલી રળિયામણી છે એટલી જ વિસ્મયકારક છે બાપ્પાની મૂર્તિની વિસર્જનયાત્રા. જરાક કલ્પના કરો કે માત્ર નવથી ૧૦ કિલોમીટરનું ડિસ્ટન્સ કાપવાનું હોય અને છતાં એમાં સત્તરથી ૧૮ કલાક લાગે અને કોઈ ટ્રક કે ટેમ્પો ન હોય પણ ટ્રૉલીને શ્રદ્ધાળુઓ પોતાના ખભાથી ખેંચીને લઈ જતા હોય અને સાથે લાખો શ્રદ્ધાળુઓ બાપ્પાની એક આખરી ઝલક મેળવવા માટે તલપાપડ હોય તો કેવો માહોલ સર્જાય. વિસર્જનનો દિવસ હવે નજીક આવી રહ્યો છે ત્યારે જાણીએ આ ઐતિહાસિક બાપ્પાની મૂર્તિના ઇતિહાસ રચનારા વિસર્જન વિશે.

આ વર્ષે ૨૪ કલાક

દર વર્ષે જે વિસર્જનયાત્રા પંદરથી ૧૭ કલાક ચાલે એ આ વખતે લગભગ ૨૪ કલાક ચાલશે એમ જણાવીને છેલ્લાં પિસ્તાલીસ વર્ષથી બાપ્પાની મૂર્તિની વિસર્જનયાત્રામાં સામેલ થનારા લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશ મંડળ સાથે સંકળાયેલા પપ્પુ જાની કહે છે, ‘દર વર્ષ કરતાં આ વર્ષે વિસર્જનયાત્રા થોડીક વધુ લંબાય એવું લાગે છે. આમ તો બાપ્પાના દરબારથી વિસર્જનસ્થળ સુધીનું અંતર ૧૦ કિલોમીટર કરતાં પણ ઓછું છે, પરંતુ લાખોની જનમેદનીમાંથી બાપ્પાની સવારી પસાર થતી હોય છે અને વચ્ચે-વચ્ચે શ્રદ્ધાળુઓ દ્વારા બાપ્પાનું વિશિષ્ટ સ્વાગત થતું હોય છે એટલે સમય લાગતો હોય છે. આ વર્ષે વિસર્જનયાત્રા દર વર્ષના સમય કરતાં બે કલાક મોડી શરૂ થશે એટલે કે બપોરે અગિયારથી ૧૨ વાગ્યાની વચ્ચે પ્રયાણ કરીશું અને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યા સુધી વિસર્જન થશે એવી ગણતરી છે. બાપ્પાની મૂર્તિને રથ પર બેસાડીએ અને ટ્રૉલીને અમે લોકો જ ખેંચીને વિસર્જનસ્થળ સુધી પહોંચાડતા હોઈએ છીએ. લગભગ ૬૦ લોકોની ટીમ હોય અને એ યાત્રા દરમ્યાન બદલાતી પણ રહેતી હોય. ઘણા શ્રદ્ધાળુઓ પણ બાપ્પાના રથને ખેંચવા માટે ઉત્સુક હોય અને વિવિધ ગણેશમંડળો પણ વચ્ચે-વચ્ચે આ રથને ખેંચવા માટે અમારી સાથે જોડાતાં હોય છે.’

ટીમવર્કનો પાવર

આજથી ૪૫ વર્ષ પહેલાં પપ્પુભાઈ બાપ્પાની મૂર્તિની વિસર્જનયાત્રામાં જોડાયા ત્યારે આજની સરખામણીમાં માત્ર ૧૦ ટકા પબ્લિક હતી. આજે આ સંખ્યા અકલ્પનીય રીતે વધી છે. પપ્પુભાઈ કહે છે, ‘લોકો વધ્યા એમ લોકોનો ભાવોલ્લાસ પણ વધ્યો છે. અમારે ત્યાં ટીમમાં એવા પણ લોકો છે જેઓ પહેલેથી છેક બાપ્પાની મૂર્તિનું વિસર્જન ન થાય ત્યાં સુધી રથ ખેંચવા માટે હોય અને ત્યાં સુધી તેમનો ઉપવાસ હોય. પાણી સિવાયની એક પણ વસ્તુ તેઓ ન લે. આવી ભક્તિ સાથે અમારી સાથેના સંજય જેઢે છેલ્લાં કેટલાંય વર્ષોથી બાપ્પાની મૂર્તિના વિસર્જનમાં જોડાય છે.’

ગયા વર્ષે લાલબાગચા રાજાની મૂર્તિની વિસર્જનયાત્રામાં મુકેશ અંબાણી અને અનંત અંબાણી પણ જોડાયા હતા. ગ્લૅમર અને ચમત્કાર લાલબાગચા રાજા સાથે હંમેશાં જોડાયેલા રહ્યાં છે. ૬૦ લોકોની ટીમ બાપ્પાની ટ્રૉલી સાથે કેટલું વજન ખેંચતી હોય છે એ વિશે પપ્પુભાઈ કહે છે, ‘લગભગ ૧૦૦૦ કિલોની આસપાસનું બાપ્પાની મૂર્તિનું વજન હોય અને ૩૦૦ કિલોની આસપાસ ટ્રૉલી હોય. થોડાક લોકો બાપ્પાની મૂર્તિને સંભાળવા માટે ટ્રૉલી પર હોય. લગભગ ૧૫૦૦ કિલોની આસપાસનું વજન હોય અને આટલી મોટી જનમેદનીને ક્રૉસ કરીને આગળ વધતા હોઈએ અને એ પછીયે બધું જ સ્મૂધલી પાર પડે, કારણ કે એક જુદા જ સ્તરનું ટીમવર્ક છે. દરેક વયના અને દરેક ક્લાસના લોકો આ વિસર્જનયાત્રામાં જોડાઈને એકબીજાના સહયોગથી આગળ વધતા હોય છે. બધી જવાબદારીઓ વ્યવસ્થિત રીતે વહેંચાયેલી હોય છે જેને લીધે આટલા ક્રાઉડ વચ્ચે પણ કેઓસ નથી થતો.’

રૂટ શું હોય?

લાલબાગચા રાજાની સ્થાપનાનું આ ૯૧મું વર્ષ છે અને છેલ્લા દાયકાઓથી બાપ્પાની મૂર્તિના વિસર્જનનો રૂટ એક જ રહ્યો છે. લાલબાગચા રાજાના મંડપથી વિસર્જનયાત્રા મેઇન રોડ પર આવે, પછી જમણે વળીને લાલબાગ ફ્લાયઓવર નીચેથી ભારતમાતા સિગ્નલ તરફ જાય અને ત્યાંથી યુ-ટર્ન લઈને પછી રાઇટ લઈને ચિંચપોકલી સ્ટેશન તરફ વળે અને બ્રિજ ઊતરીને ડાબી બાજુએ ભાયખલા સ્ટેશન (બકરી અડ્ડા) થઈને ભાયખલા સ્ટેશન-વેસ્ટ સામે આવેલી હિન્દુસ્તાન મસ્જિદ પાસેથી પસાર થાય જ્યાં મુસ્લિમ સમુદાય દ્વારા તેમનું સ્વાગત થાય. ત્યાંથી આગળ જતાં ભાયખલા ફાયર-બ્રિગેડ પાસેથી પસાર થતાં ફાયર-બ્રિગેડવાળા હૉર્ન વગાડીને બાપ્પાને સલામી આપે. આગળ ક્લેર રોડ થઈને નાગપાડા જંક્શન પર આવે. ત્યાં પણ નાગપાડા પોલીસ-સ્ટેશન દ્વારા અને મુસ્લિમ સમુદાય તરફથી ભવ્ય સ્વાગત થાય. નાગપાડાથી આગળ બે ટાંકી રોડ પર ફરી એક વાર હિન્દુ-મુસ્લિમ એકતા સમિતિ દ્વારા બાપ્પાનું ભવ્ય સ્વાગત થાય અને ભક્તોને દૂધ અને કોલ્ડ-ડ્રિન્ક પીવડાવાય. ત્યાંથી બીજા કુંભારવાડામાં એન્ટ્રી થાય અને ત્યાંથી સુથારગલીથી માધવબાગ તરફ આગળ જતાં સી. પી. ટૅન્ક થઈને વી. પી રોડ પર ત્યાંના પોલીસ-સ્ટેશન દ્વારા બાપ્પાનું સ્વાગત થાય. અહીં હસમુખરાય ચાવાળા દ્વારા ભક્તો માટે નિ:શુલ્ક ચાની વ્યવસ્થા હોય છે. આખા દિવસમાં લગભગ દસથી બાર લાખ ચાના કપની ખપત થાય છે. વી. પી. રોડ પાર કર્યા પછી ઑપેરા હાઉસથી દરિયાકિનારે પહોંચવામાં આવે છે. પપ્પુભાઈ કહે છે, ‘હિન્દુ-મુસલમાન વચ્ચે દંગાનો માહોલ હતો ત્યારે પણ બાપ્પાની મૂર્તિની વિસર્જનયાત્રા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાંથી પસાર થઈ જ છે અને ત્યારે પણ મુસ્લિમ શ્રદ્ધાળુઓએ બાપ્પાની પૂજા અને આરતી કર્યાં છે. આજે પણ મુસ્લિમ વિસ્તારોમાં મસ્જિદ સામેથી પસાર થતા બાપ્પાનું ભવ્ય સ્વાગત થાય છે. પ્રાર્થના સમાજથી ઑપેરા હાઉસથી પસાર થાય ત્યારે બે બિલ્ડિંગ વચ્ચે હાર લટકાવવામાં આવે અને બાપ્પાનું સ્વાગત થાય. માત્ર કુંભારવાડાથી ગિરગામ ચોપાટી સુધી એટલા હાર બાપ્પાને અર્પણ થાય છે કે પાંચ ટ્રક ભરાઈ જાય. આ બધું જોઈએ ત્યારે એમ જ લાગે કે હી શાન કુણાચી, લાલબાગચ્યા રાજાચી...’

1000
લગભગ આટલા કિલો બાપ્પાની મૂર્તિનું વજન હોય છે

300+
લગભગ આટલા કિલો ટ્રૉલીનું વજન હોય છે

60
લગભગ આટલા લોકો લાલબાગચા રાજાની મૂર્તિને ખેંચીને વિસર્જનસ્થળ સુધી પહોંચાડતા હોય છે

lalbaugcha raja lalbaug ganpati ganesh chaturthi visarjan life and style culture news columnists ruchita shah