22 September, 2023 02:40 PM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
જો તમે જોશો તો ગણપતિના હાથમાં પરશુ જોવા મળશે અને અંકુશ પણ જોવા મળશે. અંકુશની જે વાત છે એ વિશે આધારભૂત રીતે કશું જાણવા મળતું નથી, પણ પુરાણમાં એનો ઉલ્લેખ છે અને કહે છે કે એ અંકુશ ઐરાવતના શિરચ્છેદ સમયથી ગણપતિની સાથે છે
મૂષક અને તૂટેલા દાંત પછી હવે વાત આવે છે ગજાનનના હાથમાં રહેલા અંકુશની. આ અંકુશનો ઉપયોગ સામાન્ય રીતે ઐરાવતનું સંચાલન કરનારા મહાવત પાસે હોય છે. અંકુશની ધાર તમે જોશો તો તમને દેખાશે કે એ કઈ હદે તીક્ષ્ણ છે, જેનું કારણ પણ છે. મેદસ્વી ત્વચા ધરાવતા ઐરાવતને સાચી દિશામાં લઈ જવા અને આદેશનું પાલન કરવાનું સમજાવવા અંકુશ સરીખું બીજું કોઈ હથિયાર હોઈ ન શકે. ઐરાવતની મહાકાયાને જોઈને સમજી શકાય કે એને એક પણ પ્રકારના ચાબુકની અસર થાય નહીં તો ઐરાવત પર લગામ પણ લાદી શકાય નહીં, જેના આધારે એ કાબૂમાં રહે. તમારી જાણ ખાતર, લગામ એ જ પ્રાણીને હોય જેની શ્વાસનળી ગરદનની વચ્ચે અને ઉપરના સ્તરે હોય, જ્યારે ઐરાવતની શ્વાસનળી ગરદનમાં પાછળના ભાગ પર હોય છે એટલે લગામથી એના પર પ્રેશર આવે નહીં. જો મનમાં પ્રશ્ન જાગે કે અંકુશ કેવી રીતે કાર્ય કરે તો બાયોલૉજીના આશરે એ પણ સમજાવવાનું કે એના મગજનો ભાગ ખોપરીના ઉપરના સ્તરે હોવાથી અંકુશના મારની અસર એના પર તરત અને તીવ્ર રીતે થાય છે. આ જ કારણે અંકુશહીન કે પછી ધાર્યું કરતાં થયેલા ઐરાવતને કાબૂમાં કરવામાં અંકુશ સૌથી વધારે ઉપયોગી પુરવાર થાય છે.
કેવી રીતે આવ્યો અંકુશ? | ગણપતિના હાથમાં અંકુશ ક્યારથી છે અને એની પાછળ કઈ વાત કે ઘટના મહત્ત્વપૂર્ણ બની છે એના વિશે કોઈ જગ્યાએ ચોક્કસ કહેવાય એવી એક વાત કહેવાયેલી નથી, પણ ૮૧,૦૦૦ શ્લોકથી તૈયાર થયેલા સ્કંદપુરાણમાં કહેવાયું છે કે જે સમયે ઐરાવતનું શીર્ષ ગજાનનને આપવામાં આવ્યું એ સમયથી તેમની પાસે અંકુશ જોવામાં આવ્યો છે. કહે છે કે જે ઐરાવતનું મસ્તક ઉતારી લેવામાં આવ્યું હતું એના મહાવતે પોતાના શિરચ્છેદ થયેલા ઐરાવત પાસે એ અંકુશ છોડી દીધું હતું, જે ગણપતિજીએ હંમેશાં પોતાની પાસે રાખ્યું.
આ જ અંકુશથી ગણપતિએ અનેક રાક્ષસોને હણ્યા અને આ જ અંકુશથી ગણપતિ વીરચંડા નામના આધિપતિ સામેનું યુદ્ધ પણ જીત્યા. ગણપતિના હાથમાં અંકુશની સાથે પરશુ એટલે કે કુહાડી પણ છે, પરંતુ એ કુહાડીની અગાઉથી તેમના હાથમાં અંકુશ રહ્યો છે.
હાથનો અંકુશ, એક સિમ્બૉલ
દરેક વાતમાં અંકુશ મહત્ત્વનો છે. પછી ચાહે એ સ્વતંત્રતા હોય કે એ સત્તાની સફળતા હોય. જો અંકુશહીન સ્વતંત્રતા હોય તો એ સ્વચ્છંદતા બની જાય અને જો અંકુશહીન સફળતા હોય તો એ અધોગતિની દિશામાં વ્યક્તિને આગળ લઈ જાય. અંકુશ કહે છે કે ઇચ્છાઓ રાખવાની, મહત્ત્વાકાંક્ષાઓ પણ રાખવાની, પણ એ બન્ને ત્યારે જ રાખવાના, જ્યારે તમને તમારી મર્યાદાની જાણકારી હોય. માછલી ક્યારેય ઊડી નથી શકતી અને વંદો ક્યારેય તરી નથી શકતો. જો માછલી તરવાનું છોડીને ઊડવા માંડે કે પછી વંદો ભાગીને ખૂણો શોધવાને બદલે તરવા જાય તો એણે માત્ર અને માત્ર અંત જોવો પડે. એવું જ ઇચ્છાઓનું અને મહત્ત્વાકાંક્ષાઓનું છે. જરૂરી નથી કે દરેક વખતે તમે કિંગ બનો. ના, બની શકે કે તમે કિંગમેકર બનવા માટે સર્જાયા હો અને તમે રાજવી ન હોવા છતાં રાજા તમારી સલાહ મુજબ પગલાં લેતો હોય, પણ એ વાત જાણી લેવી પડે કે સીધો રાજયોગ તમારા નસીબમાં નથી. બહેતર છે કે દરેક વાતને અંકુશ આપો અને અંકુશને મહત્ત્વ આપો. જો એ કરી શક્યા તો અને તો જ તમે ક્યારેય સૂર્ય પાસે અંધકારની કે ચંદ્ર પાસે સૂર્ય સમાન પ્રકાશની અપેક્ષા રાખીને નિરાશ નહીં થાઓ.