ભેગું કરીને ખાવા કરતાં બધા ભેગા મળીને ખાઈએ ત્યારે વધુ આનંદ મળે છે

09 October, 2024 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભગવાન શ્રીકૃષ્ણએ ઇન્દ્રને આવેલા અભિમાનને દૂર કરવા માટે ઇન્દ્રના યજ્ઞને બંધ કરાવ્યો હતો. પ્રભુએ લીલા કરી અને વ્રજવાસીઓને નવા પ્રકારના ત્રણ યજ્ઞ કરવા માટે પ્રેરણા કરી.

પ્રતીકાત્મક તસવીર

માનવતાના ધર્મનો મહિમા તો અગાઉ થયેલી વાતો દરમ્યાન સ્પષ્ટ થયો, પણ તો પછી હોમ-હવન, ક્રિયાકાંડ એ બધું આવશ્યક છે કે નહીં? એવું આજનો ભણેલોગણેલો, બુદ્ધિમાન માણસ પૂછે અને સવાલ કરે કે હવનમાં વસ્તુઓ, સામગ્રીઓ હોમી દઈએ છીએ એને બદલે કોઈ ભૂખ્યા જનનો જઠરાગ્નિ ન ઠારીએ?

નિશ્ચિતપણે. 

ભગવાન શ્રીકૃષ્ણએ ઇન્દ્રને આવેલા અભિમાનને દૂર કરવા માટે ઇન્દ્રના યજ્ઞને બંધ કરાવ્યો હતો. પ્રભુએ લીલા કરી અને વ્રજવાસીઓને નવા પ્રકારના ત્રણ યજ્ઞ કરવા માટે પ્રેરણા કરી. એ ત્રણ યજ્ઞની તમને વાત કહું. એ ત્રણ યજ્ઞમાંથી પહેલો યજ્ઞ છે ગોવર્ધનનો યજ્ઞ. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે આ શ્રી ગોવર્ધનની પૂજા કરો, એને અન્નકૂટનો ભોગ લગાવો, ઘરે-ઘરે સામગ્રી બનાવો. જે માણસ જેવી શક્તિ છે એ મુજબની સામગ્રી લઈને આવે, પણ ખાલી હાથ ન આવે અને એ ગોવર્ધનને ભોગ લગાવ્યા પછી પ્રસાદ બધાને વહેંચો. કૂતરાથી માંડી પશુથી માંડી, પ્રાણીથી માંડીને જીવ માત્રમાં એ પ્રસાદ વહેંચો. કોઈ પણ પ્રસાદ વગર બાકી ન રહે. 

આવો એક યજ્ઞ, પ્રથમ યજ્ઞ ભગવાન શ્રીકૃષ્ણએ કરાવ્યો અને એ યજ્ઞ દ્વારા ભગવાને સમાજમાં જે સામાજિક અને આર્થિક વિષમતા છે એને દૂર કરી સમાનતા અને સમરસતાને લાવવા માટેનું મોટું કામ કર્યું. જે માણસ ઘરેથી ખાટી છાશ લાવ્યો એ પ્રસાદ લેવા જ્યારે બેઠો ત્યારે તેની પતરાવળીમાં પણ ૫૦ આઇટમ હતી અને જે માણસ પોતાના ઘરેથી ઘીના લાડુ બનાવીને લાવ્યો હતો તેને પણ ૫૦ વસ્તુઓ મળી. કેટલી સરસ વાત, કેવું સરસ દૃષ્ટાંત. માત્ર ભેગું કરીને ખાઈએ એના કરતાં ભેગા મળીને ખાઈ 
ત્યારે પાંચને બદલે પચાસ વસ્તુનો આનંદ લઈ શકીએ છીએ. એક પંક્તિમાં બધા બેસીને જમે ત્યારે ઊંચનીચના બધા ભેદ દૂર-સમાપ્ત થઈ જાય છે. 

Have અને Have notનો જે ફરક છે, જે ભેદ છે એ મટી જાય છે અને અહીં આપનારામાં અભિમાન નથી અને લેનારામાં લઘુતાનો અનુભવ નથી. કારણ કે આપનારો આપીને એમ માને છે કે આ ભગવાનનું છે અને હું ભગવાનને અર્પણ કરું છું, તો લેનારો ‘આ ભીખ નથી, આ પ્રભુનો પ્રસાદ છે’ એવા ભાવથી લે છે એટલે પ્રસાદ મેળવીને ધન્યતાનો અનુભવ કરે છે એટલે કહેવાનો ભાવાર્થ એ જ કે સમરસતા અને સમાનતા આ યજ્ઞ દ્વારા સિદ્ધ થઈ શકે છે. ગૌવર્ધનના હવન દ્વારા પર્વતની પૂજા, વૃક્ષોની પૂજા, પ્રકૃતિની પૂજા અને એના દ્વારા પર્યાવરણની રક્ષાનો સંદેશ જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણએ આપ્યો. 

ભગવાન શ્રી કૃષ્ણએ બીજો કયો યજ્ઞ કરવાનું કહ્યું એની વાત હવે પછી કરીશું.

- ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

culture news religion mumbai life and style hinduism