જગ ઘૂમિયા, થારે જૈસા ના કોઈ....

17 November, 2024 03:12 PM IST  |  Pushakr | Alpa Nirmal

આખાય જગતનાં સર્વે તીર્થોની યાત્રા કરી લો, પણ જો તીર્થરાજ પુષ્કર ન ગયા તો સઘળી યાત્રાઓ ઝીરો. જોકે આજે આપણે અહીંના વિશ્વવિખ્યાત, જગતપિતા બ્રહ્માજીના મંદિરે નહીં પણ તેમનાં ધર્મપત્ની સાવિત્રીમાતા તેમ જ ગાયત્રીમાતાના મઢે મથ્થા ટેકવા જઈશું

સાવિત્રીમાતા મંદિર પહોંચવા ગોંડોલાની સર્વિસ છે.

આપ સૌએ ગયા રવિવારે જ પવિત્ર તીર્થ પુષ્કર વિશે વાંચ્યું. કેટલાક ભાવિકો તો કાર્તિક પૂર્ણિમાના ધમાકેદાર મેળાના સાક્ષી બનવા મુંબઈથી ત્યાં ગયા પણ હશે, પરંતુ જે નથી જઈ શક્યા તેમને આજે પુષ્કરના સેકન્ડ મોસ્ટ ફેમસ સાવિત્રી મંદિર અને ગાયત્રી મંદિરનું તીર્થાટન કરાવીએ. કારણ કે અહીં આવીને સાવિત્રીમાતાના આશીર્વાદ ન લીધા તો પુષ્કરની યાત્રા જ અધૂરી લેખાય છે અને ગાયત્રીમાઈ તો પાપમોચિની માતા ગણાય છે.

પુષ્કર સનાતનધર્મીઓ માટેના પ્રાચીનતમ સ્થાનમાંનું એક તીર્થસ્થાન છે. રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લામાં આવેલા આ નગર વિશે પદ્‍મપુરાણમાં લખાયું છે, ‘એક વખત સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીને પોતે રચેલું પૃથ્વીલોક જોવાનું મન થયું. સ્વર્ગલોકથી તેઓ નીચે ઊતર્યા અને ભૂલોકનું ભ્રમણ કરતાં-કરતાં એક સુંદર જગ્યા તેમને દેખાઈ. મેરુભૂમિની પશ્ચાદભૂમાં પહોળી પહાડીઓની ગિરિમાળાઓ વચ્ચે લીલાંછમ વૃક્ષો અને હૃષ્ટપુષ્ટ તરુલતાઓથી સુશોભિત વનો, પવન સાથે વહેતો વિધવિધ પુષ્પોનો પમરાટ, પંખીઓનું પ્રસન્નતાથી ચહેકવુ. પ્રાણીઓનું નિર્ભય બની ફરવું... આહાહા, બ્રહ્માજી આ સ્થળ જોઈને મોહિત થઈ ગયા અને હજારો વર્ષ અહીં રહ્યા. એ દરમ્યાન તેમના હાથમાંથી એક કમળ પડ્યું (અથવા બ્રહ્માજીએ પાડ્યું) જે કારણે ધરતી કંપી ઊઠી ને દેવલોકમાં પણ હલચલ મચી ગઈ. બેઉ લોકમાં થયેલા આ કોલાહલનું કારણ હતું  બ્રહ્માજીએ પૃથ્વી પર રહેતા આંતકવાદી, અસુર વ્રજનાભને કમળના ફૂલ વડે હણી નાખ્યો હતો એથી આ હાહાકાર મચ્યો હતો. આ ભૂમિ પર સરોજનું ફૂલ પડ્યું એટલે ધરતીના આ વિસ્તારને નામ મળ્યું પુષ્કર.

અફકોર્સ, અન્ય ધાર્મિક માન્યતા પ્રમાણે ઉપરની સ્ટોરીમાં થોડા ફેરફાર છે, પરંતુ આપણે શું અને કયું સાચું એની પાછળ એનર્જી ન વેડફીએ અને પૂર્ણ શ્રદ્ધાથી આ પ્રભાવશાળી સ્થળની યાત્રા કરીએ.

વેલ, બ્રહ્માજીએ દાનવનો સંહાર કર્યા બાદ અન્ય દેવતાઓ, બ્રાહ્મણો સાથે પુષ્કરની ધરતી પર યજ્ઞ કરવાનું નક્કી કર્યું. કહેવાય છે કે આ યજ્ઞ વિનાવિઘ્ને પૂર્ણ થાય, રાક્ષસો હુમલો કે સંકટો પેદા ન કરે એ માટે બ્રહ્માજીએ આ સ્થાનની ચારેય બાજુ પહાડીઓનું નિર્માણ કર્યું. જે રત્નાગિરિ, નીલગિરિ, સંચુરા તેમ જ સૂર્યગિરિ તરીકે ઓળખાઈ. દેવગણો આ ગિરિશૃંખલા પર બેસી અહીં થનાર ધાર્મિક આયોજનની રખેવાળી કરી રહ્યા હતા અને બ્રાહ્મણો સઘળી તૈયારીઓ કરી રહ્યા હતા. યજ્ઞ શરૂ કરવાનો સમય થયો એટલે બ્રહ્માજીએ તેમનાં પત્ની સાવિત્રીદેવીને સ્વર્ગલોકમાંથી તેડી આવવા નારદજીને મોકલ્યા, કારણ કે યજ્ઞમાં આહુતિ આપવા યુગલ જ જોઈએ, પરંતુ માતા સાવિત્રી ત્યારે તપસાધનામાં મગ્ન હતાં એથી યજ્ઞમાં ન આવી શક્યાં. નારદઋષિ એકલા જ પાછા આવ્યા.

આ બાજુ ગ્રહોની ચાલ, દિશા, મુહૂર્ત અનુસાર યજ્ઞ તરત આરંભ કરવાનો હતો એથી બ્રહ્માજીએ સ્વર્ગના રાજા ઇન્દ્રને પત્ની પ્રદાન કરવાની વિનંતી કરી. અગેઇન, અહીં ભિન્ન મતો છે કે ઇન્દ્ર મહારાજાએ એ વખતે વેદોની જ્ઞાત અને ગુણવાન ગાયત્રીમાતા સાથે બ્રહ્માજીના વિવાહ કરાવ્યા અને બીજા મતે ઇન્દ્ર રાજાએ બ્રહ્માજીનાં પત્નીરૂપે એક ગોવાળિયાની દીકરીને નિયુક્ત કરી. નિયમ પ્રમાણે યજ્ઞમાં બ્રાહ્મણકુળની સ્ત્રી હોવી જરૂરી હતી એથી દેવોએ એ ગુજ્જર કન્યાને ગાયના માધ્યમથી પવિત્ર કરી અને એથી તેનું નામ પડ્યું ગાયત્રી.

બ્રહ્મા મંદિર

ગાયત્રીદેવી અને બ્રહ્માજીના શીઘ્ર વિવાહ કરાવાયા અને યુગલે રંગેચંગે વિરાટ યજ્ઞ સંપન્ન કર્યો. એ જ ઘડીએ બ્રહ્માજીનાં પ્રથમ પત્ની સાવિત્રીમાતા યજ્ઞસ્થળે આવ્યાં અને તેમણે જોયું કે પતિદેવે તેમની સંમતિ વિના બીજાં લગ્ન કરી લીધાં છે એથી ક્રોધિત થઈને એ લગ્નમાં સંકળાયેલા ઇન્દ્રદેવ, વિષ્ણુ ભગવાન, બ્રાહ્મણગણ, અગ્નિદેવ અને પોતાના પતિ બ્રહ્માજીને સુધ્ધાં શ્રાપ આપ્યા. સાવિત્રીદેવી પતિના આ કૃત્યથી એટલાં નારાજ હતાં કે તેમણે જગતપિતાને શ્રાપ આપ્યા કે તમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રિદેવમાંના મુખ્ય દેવ હોવા છતાં ક્યાંય તમારી પૂજા નહીં થાય. આવું આકરું ફરમાન કરી તેઓ રિસાઈને યજ્ઞવેદી પાસે આવેલી રત્નાગિરિ પહાડીની ટોચે જઈને તપમાં બેસી ગયાં.

ઍન્ડ, ધિસ... યસ, ધિસ ઇઝ અવર ટુડે’ઝ ફર્સ્ટ તીર્થાટન પ્લેસ. સમુદ્રતળથી લગભગ સાડાસાતસો ફુટ ઊંચે આવેલું સાવિત્રીમાતાનું મંદિર દેશનાં મહત્ત્વપૂર્ણ મંદિરોમાંનું એક ટેમ્પલ છે. પુષ્કર આવતા દરેક ભાવિકો આ માતાનાં દર્શને આવે જ છે, પરંતુ વિશેષ કરીને મહિલાઓને આ માતાજી પર વિશેષ શ્રદ્ધા છે. રાજસ્થાની કૅલેન્ડર અનુસાર ભાદરવા સુદની સાતમ એટલે આપણી શ્રાવણ વદ સાતમે અહીં પરિણીત સ્ત્રીઓ પોતાના સુહાગની રક્ષાની કામના સાથે તેમ જ કુંવારી યુવતીઓ સારો ભરથાર મળે એની અરજી લઈ માતાને મથ્થા ટેકવા આવે છે.

એ આખી રાત અહીં ભજનની રમઝટ બોલાવાય છે તેમ જ ડુંગરની તળેટીમાં મેળો ભરાય છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે અને સેંકડો યાત્રીઓ એમાં ભાગ લે છે. ૨૦૧૬માં અહીં રોપવે બન્યા બાદ વૃદ્ધ અને અશક્ત ભાવિકો સહિત હજારો ભક્તો માતાને પાય લાગવા આવે છે. જોકે એ સિવાય પણ પુષ્કરની યાત્રાએ આવતા મોટા ભાગના દર્શનાર્થીઓ રોપવેની સગવડ થઈ હોવાથી સાવિત્રીમાતાના આશીર્વાદ લેવા આવે છે. મંદિરે પહોંચવા ૯૭૦ પગથિયાં ચડવાનાં રહે છે. જે મૅક્સિમમ એક કલાકમાં ચડી જવાય છે અને ગોડોલાની સેવા (પેઇડ) હોવા છતાં અનેક શ્રદ્ધાળુઓ માતા પરની આસ્થાને કારણે હજી દાદરા ચડીને જાય છે.

કહેવાય છે કે અહીં મંદિર તો ૧૧મી સદી પૂર્વે બન્યું હતું, પણ પહેલાં પેલા અફઘાની ક્રૂર મોહમ્મદ ઘોરીએ તીર્થરાજ પુષ્કરને લૂંટ્યું અને ત્યાર બાદ ૫૦૦ વર્ષ સુધી મોગલ શાસકોએ અવારનવાર અહીં તબાહી મચાવી હતી. અંતે શાહજહાંના નપાવટ દીકરા ઔરંગઝેબે તો પુષ્કરને સાવ તહસનહસ કરી નાખ્યું હતું. મુખ્ય બ્રહ્મા મંદિર, પુષ્કર સરોવરની આજુબાજુના પવિત્ર ઘાટ, આ ઘાટની ઉપર બનેલાં સેંકડો પ્રાચીન મંદિરો, ઈવન સાવિત્રી મંદિર અને ગાયત્રી મંદિરને પણ તેણે ધ્વસ્ત કરી નાખ્યાં હતાં.

મુગલકાળ અસ્ત થયો અને ફરી આ વિસ્તાર રાઠોડવંશના રાજવીઓ હસ્તક આવ્યો અને એ કાળ દરમ્યાન અહીંના રાજવીઓ, વેપારીઓ, શહુકારોએ ફરીથી મંદિરોનું નિર્માણ કરાવ્યું. મરમ્મત કરાવી. હાલ રત્નાગિરિની ટોચે ઊભેલું સાવિત્રી મંદિર જોધપુરના પુરોહિતોએ રીસ્ટોર કરાવ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં સાવિત્રીમાતા તેમજ સરસ્વતીદેવીની સુંદર મૂર્તિઓ છે. અહીં માતા ભલે રુસણે બેઠાં હોય, પણ તેમની પ્રતિમા હસમુખી છે. ગુલાબી ગેટની અંદર પ્રવેશો એટલે સામું જ માતાનું મંદિર છે જે પ્રમાણમા નાનું છે, પરંતુ એની ફરતે મોટો, ખુલ્લો પરિસર છે. આ પરિસર પરથી આખા પુષ્કરનાં ૧૮૦ ડિગ્રીએ દર્શન થાય છે. ખાસ કરીને ભક્તો અહીંના કેસરિયા સૂર્યોદયના સાક્ષી બનવાનો આગ્રહ રાખે છે આથી વહેલી સવારે જ પહાડી ચડવાનો આરંભ કરી દે છે.

બ્રહ્મા મંદિરની પાછળની પહાડીએ બિરાજેલાં આ માતાને ભક્તો મેંદી, ચૂડી, ચૂંદડી, કંકુ વગેરે ચડાવે છે અને માતાની અમીદૃષ્ટિ રહે એ માટે પ્રાર્થના કરે છે. કહેવાય છે કે બ્રહ્માજી ખુદ, તેમનાં ભાર્યાને મનાવવા આ પહાડી પર આવ્યા હતા અને પત્નીને મનાવીને એ બેઉએ આ સ્થાને યજ્ઞ સહિત અનેક તપ કર્યાં હતાં. એ પછી માતાનો ગુસ્સો ઓસર્યો અને તેમણે બ્રહ્માજીનો શ્રાપ હળવો કર્યો અને એ અનુસાર ફક્ત પુષ્કરમાં બ્રહ્માજીની પૂજા થાય છે. આ સાવિત્રીમાતાએ જ પુષ્કરને તીર્થરાજ (દરેક તીર્થમાં સર્વોત્તમ) ઠેરવ્યું છે.

જોકે અન્ય માન્યતા પ્રમાણે હવનમાં બેસી અનેક શક્તિઓથી સંપન્ન થયેલાં બ્રહ્માજીનાં બીજાં પત્ની ગાયત્રીમાતાએ સાવિત્રીદેવીએ પતિને તેમ જ અન્યોને આપેલા શ્રાપ હળવા કર્યા હતા. (કદાચ એ જ કારણે તેમને પાપમોચિનીનું બિરુદ મળ્યું હશે?)

વેલ, એનું પ્રમાણ નથી, પરંતુ અહીંના પંડિતો અને સ્થાનિક લોકો માને છે કે ગાયત્રીમાતા જાતકના પાપનું મોચન કરે છે. એક કિંવદંતી અનુસાર શ્રીરામ અને લક્ષ્મણજીએ પણ રાવણની હત્યાના પાપથી મુક્તિ મેળવવા અહીં આવી ગાયત્રીમાતાનાં દર્શન કર્યાં હતાં. એ જ રીતે મહાભારતના હીરો અશ્વત્થામાએ પણ આ માતાના ચરણે આવી મોક્ષકામના કરી હતી. ઍન્ડ આ છે આપણી આજની બીજી પ્લેસ.

ગાયત્રીમાતાનું મંદિર પણ ઊંચાઈએ આવેલું છે, પણ અહીં ગોંડોલાની વ્યવસ્થા ન હોવાથી ઓછા ભક્તો જાય છે.

નીલગિરિ પહાડીની ટોચે ઊભેલું નાનું ચોરસ ગાયત્રી મંદિર દેખાવમાં બહુ ભવ્ય નથી એ જ રીતે અહીં સુધી પહોંચવા માટે રોપવે કે પાકી સીડીઓ કે કેડીઓ પણ નથી, એથી ભક્તોનું આવાગમન બહુ ઓછું હોય છે, પરંતુ જો આ બેઉ મુદ્દા ઇગ્નૉર કરી એ ઊંચે-નીચે રાસ્તે પર ફક્ત ૧૦થી ૨૦ મિનિટનું ચડાણ ચડો એટલે મંજિલે (માતાના મઢે) પહોંચો. આ સ્થાન પર આવનાર દરેકને અહીં દૈવીશક્તિનો અનુભવ ચોક્કસ થાય છે (હા, શરત એટલી કે દિલ શ્રદ્ધાથી તરબતર હોવું જોઈએ). અહીં પણ ગાયત્રીમાતાની મૂર્તિ અને પદચિહ્‍ન છે જેનાં દર્શન તો આસ્થાળુઓને થાય જ છે, પણ સાથે પુષ્કર શહેરની વિશાળનાંના વિહંગ દૃશ્યો પણ નજરે ચડે છે. ભક્તો અહીંથી પણ સૂર્યોદય અથવા સોનેરી સૂર્યાસ્તના વિટનેસ બની શકે છે.

પુષ્કર શહેર ફક્ત ભારતીયોમાં જ નહીં, ફિરંગીઓમાં પણ કૅમલ ફેરને કારણે પ્રખ્યાત છે. ભારતનાં દરેક મોટાં શહેરોથી અજમેર આવવા રેલવે સર્વિસ છે. અરે, એ કહેવાનું રહી ગયું કે પુષ્કર અજમેરથી ફક્ત ૧૦ કિલોમીટર જ દૂર છે. માટે ટ્રેનથી આવો કે પ્લેનથી અજમેર જ ઊતરવું પડે છે. પુષ્કરમાં રહેવા-જમવાની સગવડની વાત કરીએ તો બૅકપૅકર્સ માટે હૉસ્ટેલથી લઈ ડેઝર્ટમાં લક્ઝરી ટેન્ટ જેવી બધા જ બજેટની સુવિધા અહીં મળતી રહે છે. એ જ પ્રમાણે ક્વિઝીનમાં પણ દુનિયાભરની વરાઇટી અવેલેબલ છે.`

પૉઇન્ટ ટુ બી નોટેડ

પુષ્કરમાં સાવિત્રીમાતા મંદિર, ગાયત્રીમાતા મંદિર સાથે મુખ્ય બ્રહ્માજી ટેમ્પલ તો ખરું જ અને રંગાજી મંદિર, વરાહ મંદિર તેમ જ આપ્તેશ્વર શિવાલય પણ વેરી ઇમ્પોર્ટન્ટ ઍન્ડ મસ્ટ વિઝિટ છે અને હા, પવિત્ર પુષ્કર સરોવરમાં ડૂબકી લેવાનું ન ભુલાય.

કહેવાય છે કે ઋષિ વિશ્વામિત્રએ આ ભૂમિ પર કઠિન તપસ્યા વડે ગાયત્રી મંત્રને સિદ્ધ કર્યો હતો જેથી ઇન્દ્રનું સિંહાસન સંકટમાં આવી પડ્યું હતું. આ સંકટ દૂર કરવા ઇન્દ્રએ નારદમુનિના માધ્યમથી અપ્સરા મેનકાને વિશ્વામિત્ર પાસે મોકલી હતી એથી વિશ્વામિત્રએ નારદમુનિને તો શ્રાપ આપ્યો અને સાથે એ પણ વિદિત કર્યું કે કોઈ પણ સાધકને પુષ્કરમાં તપો-સાધના કરવી અતિકઠિન બનશે છતાં આજે પણ અનેક સાધુ, મંહતો, સંન્યાસીઓ ગાયત્રી મંત્રના આલંબને આ ક્ષેત્રમાં રહી કઠિન સાધના કરે છે, કારણ કે ‘જગ ઘૂમ્યા થારે જૈસા ન કોઈ...’

પુષ્કરથી પાંચ કિલોમીટરના અંતરે ગાયત્રી પર્વત પર મણિદેવિકા શક્તિપીઠ છે અને ગાયત્રીમાતાનું મંદિર પણ છે. કહેવાય છે કે આ સ્થળે સતીમાતાના મણિબંધ પડ્યાં હતાં. એ સ્થળ પણ દર્શનીય છે, પરંતુ ઓરિજિનલ પાપમોચિની ગાયત્રીમાતાનું મંદિર અલગ છે એથી ત્યાં જવું હોય ત્યારે ગાયત્રીમાતા સાથે પાપમોચિની જરૂર બોલવું. તો જ રાઇટ મંદિરે પહોંચાશે. બેઉ દેવીમંદિર મળસકે છ-સાડાછથી મધ્યાહ્‍ને ૧૨ વાગ્યા સુધી અને બપોરે ૩થી રાતે ૯ વાગ્યા દરમ્યાન ખુલ્લાં હોય છે.

ખાલસાપંથીઓ માટે પણ પુષ્કર વડ્ડા તીર્થ હૈ. અહીં આવેલાં ગુરુદ્વારા જાજરમાન છે.

rajasthan culture news religion religious places life and style national news columnists alpa nirmal gujarati mid-day