06 September, 2023 11:42 AM IST | Mumbai | Shilpa Bhanushali
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વર્ષા ઋતુ અને શ્રાવણ એકમેક સાથે જોડાયેલા છે. શ્રાવણમાં મેઘ મલ્હાર થઈને વરસે છે તો તહેવારો પણ આ મહિનામાં સૌથી વધારે ઉજવાય છે. એવામાં જાતભાતની વાનગીઓ બનવી તો સહજ અને સામાન્ય છે. પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે શ્રાવણ મહિનામાં આવતા આ બધા જ તહેવારો દરમિયાન એવા પણ પરિવાર છે જેમના ઘરમાં `વઘાર કરવાની` પણ છૂટ નથી, ત્યારે આ બધા તહેવારો તે માત્ર બાફેલું ખાઈને કેવી રીતે ઊજવી લે છે? જાણો કેમ શ્રાવણના અમાસ કે એકમથી લઈને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સુધી આ પરિવાર માત્ર બાફેલું જ ખાય છે શું તેની પાછળનું મૂળ કારણ?
મોટાભાગે વરસાદ વરસતો હોય ત્યારે ગરમ ગરમ ભજીયાં, તીખા તમતમતાં વડાં, સમોસા જેવું ખાવાની ઇચ્છા દરેક મનુષ્યની થતી હોય છે. પણ, જો તમને કહી દેવામાં આવે કે આખો શ્રાવણ મહિનો તમારે માત્ર બાફેલું અને વઘાર વગરનું જ ખાવાનું છે તો તમને કેવું લાગશે. ખરેખર જમવાનું નહીં ભાવે, પણ આ જ રીત લગભગ મુંબઈના આવા ઘણાં પરિવાર વર્ષોથી અનુસરતા આવ્યા છે. તેમાંનો એક પરિવાર એટલે મુંબઈના સાકીનાકા વિસ્તારમાં આવેલા શેઠિયાનગરમાં રહેતો જમનાબહેનનો પરિવાર.
જમનાબહેનને જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે આ તેમના પરિવારને તેમના વડીલો પાસેથી મળેલી રીત છે પરંપરાગત રીતે તેઓ આ રીત અનુસરતા આવ્યા છીએ. તેમના પરિવાર સિવાય તેમની જ્ઞાતિમાં બીજા પરિવારો પણ છે જેમને આ પરંપરા અનુસરવાની આવે છે તો કેટલાક એવા પરિવાર છે જેમને આ `વઘાર ન કરવાની` બાધામાંથી મુક્તિ (છૂટ) પણ મળી ગઈ છે.
આ છૂટ કઈ રીતે મળે?
જમનાબહેન પોતે ભાનુશાલી છે અને ભાનુશાલી જ્ઞાતિમાં એવી ઘણી અટક (સરનેમ) છે જેમાંની એક તેમની પોતાની એટલે કે જોઇસર. લગભગ ઐડા, ભવાનીપુર અને જખૌ ગામના બધા જ જોઇસર પરિવારો આ શ્રાવણ માસ દરમિયાન બાફેલું એટલે વધાર ન કરેલું હોય તેવું ભોજન આરોગતા. પણ આમાંથી ઘણાંનાં ઘરે રાંધણ છઠ્ઠના દિવસે પુત્ર જન્મ થવાથી હવે તેમનો પરિવાર આ બાધામાંથી મુક્ત થયો છે અને તે આખું શ્રાવણ માસ તળેલું તેમજ વઘારેલું જમી શકે છે. `રાંધણ છઠ્ઠના દિવસે આ પરિવારોમાં પુત્રજન્મ થાય તો આ બંધનમાંથી મુક્તિ મળે.`
જો શ્રાવણમાસ દરમિયાન આ નિયમો ન પાળવામાં આવે તો?
આ વિશે જણાવતા જમનાબહેને કહ્યું કે, "અમારા જ એક નજીકના પરિવારમાં તેમના ઘરે રાંધણ છઠ્ઠના દિવસે પુત્રજન્મ થયો અને તેથી જ તેમને છૂટ મળી પરંતુ અમુક વર્ષો બાદ તેમના પુત્રનું મૃત્યુ થયું અને તેમને અનેક આર્થિક, પારિવારિક અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ હવે ફરી તેઓ આ નિયમ પાળવા માંડ્યા છે. એટલે જો આ નિયમ ન પાળવામાં આવે તો અમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેથી અમે આ નિયમ સ્વીકાર્યો છે અને હવે તો અમને ટેવ પણ પડી ગઈ છે. આમ કરવાથી અમને લાભ પણ થાય છે. અમને અમારા દેવો તરફથી પીઠબળ મળ્યું છે સામાન્ય રીતે કોઈકને ડર લાગતા પણ તાવ આવી જતો હોય છે આવું બધું અમારી સાથે નથી."
આ નિયમ પાળવા પાછળનું મૂળ કારણ કે માન્યતા શું છે?
`વર્ષો જૂની કહેવાતી આવતી વાત છે એટલે આમાં કેટલું સાચું અને કેટલું ખોટું એ તો ખ્યાલ નથી પણ દરેકનો શ્રદ્ધાનો વિષય છે અને અમારા પૂર્વજોએ કહેલી વાત છે એટલે એ હું ચોક્કસ તમારી સાથે શૅર કરીશ.` એમ કહેતા જમનાબહેને વાતની શરૂઆત એમ કહેતા કરી કે, "અમે મૂળ તો ખેડૂત એટલે અમારા વડીલ ખેતરેથી પાછા ફરતા એક ઝાડ નીચે વિસામો ખાવા બેઠાં. તેમને સંતાન નહોતા પણ તે દિવસે એકાએક તેમને તે ઝાડ પાસે બાળક દેખાયો. પોતાને સંતાન ન હોવાથી અને આસપાસ બીજું કોઈ નહોતું તેથી તેમણે તે બાળકને પોતાની સાથે લઈ જવાનો નિર્ણય કર્યો એમણે જેમ ચાલવાની શરૂઆત કરી બાળક એકાએક મોટો થતો જતો હતો. આ જોઈ પૂર્વજ વડીલે તેના વાળની એક લટ કાપી ડબ્બીમાં ભરીને એ ડબ્બી ક્યાંક સંતાડી દીધી. હવે તે બાળક તેમની સાથે જ રહેવા લાગ્યો. બધા સુખેથી ખાતાં-પીતાં અને આનંદ માણતા હતા. આમ થતાં વર્ષો પછી ખેતરમાં બિયારણની જરૂર હોવાથી તેમણે આ બાળક જે હવે તરુણ થઈ ચૂક્યો હતો તેને ઘરે બિયારણ લેવા મોકલ્યો. ઘરે માતા રસોઈ કરતા હોવાથી તેમણે આંગળી ચિંધીને જણાવ્યું કે ત્યાં પડ્યું છે લઈ લે. આ દરમિયાન તે બાળકને પોતાના વાળની લટ (પોતાની વસ્તુ) મળી ગઈ તેથી તે જવા તૈયાર થયો. વડીલે રોકાવા કહ્યું પણ જે મૂળ કારણ હતું રોકાવાનું તે હવે રહ્યું ન હોવાથી તેઓ આ બાળકને રોકી શક્યા નહીં. બાળક પાસેથી એંધાણી સ્વરૂપે જખૌ ગામમાં ભૂતળા બાપાના નામે તળાવ બનાવેલું છે અને તે જ બાળક હવે ભૂતળા બાપાને નામે પૂજનીય છે. તેમના માનમાં તેમના કહ્યા પ્રમાણે જ હવે અમારો પરિવાર દર શ્રાવણ માસમાં માત્ર બાફેલું ખાઈને પોતાના તહેવારો ઉજવે છે."
આજના આ સમયમાં પણ હવે આ નિયમો કઈ રીતે પાળી શકો છો?
આ વિશે જમનાબહેન કહે છે કે, "અમે દરવર્ષે શ્રાવણ મહિનાની અમાસ પહેલા જો કોઇ વેફરના પડીકાં કે કંઇ પડ્યું હોય તો તે પૂરું કરી લઈએ છીએ અને નવું ખરીદતા નથી. અમારે ઘરમાં હવે બધાએ આ નિયમ સ્વીકાર્યો હોવાથી તેઓ પણ કોઈ જિદ કરતા નથી. પરિવારમાં થોડોક સમય પહેલા જ નાની બાળકીઓનાં જન્મ થયાં છે તેઓ નાની હતી ત્યારે પણ બને ત્યાં સુધી અમે તેમને આવું બધું આપવાનું ટાળતા હોવાથી હવે છોકરીઓ પણ જિદ નથી કરતી. આમ આ મહિનાના લગભગ 20-22 દિવસ પસાર થઈ જતાં અમે ગોકુળાષ્ટમીના દિવસે વઘાર કરીને ભાવતી વસ્તુઓ બનાવતા હોઈએ છીએ."