midday

દુનિયામાં દરેક ધર્મ એના ખોટા અનુયાયીઓને કારણે વગોવાયો છે

07 April, 2025 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તપશ્ચર્યા અને અહિંસાના ઉચ્ચ કોટિના સિધ્ધાંતોને કારણે સામાન્ય માણસ (જો યોગ્ય માર્ગદર્શન ન મળે તો) સાધનાનાં કેટલાંક પગથિયાં ચૂકી જાય એવી સંભાવના રહેલી છે.
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

અણસમજથી અધૂરું આચરણ કરનાર કેટલાક મનુષ્યોને લીધે ધર્મ વગોવાય છે. દુનિયામાં કોઈ પણ ધર્મને સદાકાળ માટે સર્વ અનુયાયીઓ સાચા, શુદ્ધ અને પરિપૂર્ણ મળી રહે એવું બની શકે નહીં. ધર્મને પોતાની સમજણ અનુસાર જીવનમાં પ્રામાણિકપણે ઉતારવાનો પ્રયત્ન કરનાર અનુયાયીઓમાં પણ અનેક કક્ષા હોઈ શકે છે. અજ્ઞાન કે અધૂરી સમજણથી ધર્માચરણ કરનારા માણસોનો વર્ગ સામાન્ય રીતે મોટો રહેવાનો. અણસમજથી અધૂરું આચરણ કરનાર કેટલાક મનુષ્યોના ખોટા દાખલાથી ધર્મ વગોવાય છે. તો બીજી બાજુ ધર્મનાં સાચાં તત્ત્વો કે રહસ્યોને સમજ્યા વગર કે એનો અભ્યાસ કર્યા વગર ધાર્મિક માણસોની ટીકા કરનારાઓનો પણ એક વર્ગ હોય છે. સદાચારની કોઈ નાની પ્રવૃત્તિથી માંડીને ઊંડી આત્મખોજ સુધી ધર્મનું ક્ષેત્ર વિસ્તરેલું છે. એ પૂર્ણપણે પામવું એ કોઈક વિરલ વ્યક્તિ માટે જ શક્ય છે. સામાન્ય માણસો તો દુરાચાર કરતા અટકે અને સદાચારી બની રહે એ પણ ઘણી મોટી વાત કહેવાય, પરંતુ ધર્મની સીમા ત્યાં આવી ગઈ એમ માનીને જેઓ અટકી જાય છે તેઓ પોતે શાનાથી વંચિત રહી જાય છે એ તેઓ જાણતા નથી હોતા.

જ્ઞાની માણસમાં સતત કંઈક નવું જાણવાની જિજ્ઞાસા હોય છે. દુનિયામાં દરેક ધર્મ એના ખોટા અનુયાયીઓને કારણે વગોવાયો છે. તપશ્ચર્યા અને અહિંસાના ઉચ્ચ કોટિના સિધ્ધાંતોને કારણે સામાન્ય માણસ (જો યોગ્ય માર્ગદર્શન ન મળે તો) સાધનાનાં કેટલાંક પગથિયાં ચૂકી જાય એવી સંભાવના રહેલી છે. ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષો પહેલાં અહિંસાનો જે ઉપદેશ આપ્યો એ ઊંચી કોટિનો છે જ. સમગ્ર વિશ્વમાં સુખ-શાંતિ માટે ઉપરાંત વ્યક્તિની આધ્યાત્મિક સાધના માટે પણ ઉપયોગી છે. ‘દરેકને જીવવું ગમે છે અને કોઈને મરવું ગમતું નથી એટલે કોઈ જીવને મારવો નહીં.’ પરંતુ બધા જીવો એકસરખા નથી. માણસ, ગાય, પશુ, પંખી, વાંદો, કીડી, મચ્છર એ દરેકને મારવાનું પાપ એકસરખું ન હોઈ શકે કારણ કે ઇન્દ્રિયો અને ચિત્તનો વિકાસ બધાંમાં એકસરખો નથી હોતો. કેટલાક વિદ્યાર્થીઓ જેમ આગળ ભણે અને પાછળનું ભૂલી જાય એમ કેટલાક માણસો અહિંસાની ભાવના નાનામાં નાના જીવો પ્રતિ રાખે, પરંતુ મોટા જીવોને ભૂલી જાય. કીડીને બચાવે, પણ ગરીબ કે લાચાર માણસનું ક્રૂર શોષણ કરતાં જરા પણ ન અચકાય. આવા માણસોના સ્વાર્થી વ્યવહારથી અહિંસા વિશે સામાન્ય લોકોમાં ગેરસમજ પ્રવર્તતી હોય છે. મહાવીર ભગવાને અહિંસાની ભાવનાને માનવદયા પૂરતી સીમિત ન કરતાં સમગ્ર વિશ્વના તમામ જીવો સુધી વિસ્તારી. ધર્મની સાચી સમજણ પ્રાપ્ત થાય અને એ પ્રમાણે આચરણ પણ થાય તો આત્મશાંતિ અને વિશ્વશાંતિ બન્નેને સાધી શકાય. બાકી તો જગતના તમામ મનુષ્યોને સર્વકાળ માટે સર્વ રીતે સુખી રાખી શકાય એવું આ માયાવી સંસારનું સ્વરૂપ જ નથી.

- હેમંત ઠક્કર

life and style culture news columnists