વસંત ૠતુમાં વૃક્ષ ફળ આપવાની અને સુકાળમાં નદી પાણી આપવાની ના પાડે?

17 July, 2024 07:24 AM IST  |  Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj

પૂર્ણિમાની રાતે ચંદ્ર પ્રકાશ ફેલાવવાનો ઇનકાર કરે છે? એ જ રીતે પુણ્યના ભાથા સાથે સંપત્તિનું દાન કરવાની પુણ્યાત્મા ના ન જ પાડે, બિલકુલ સમજાય એવી જ વાત છેને?

પ્રતીકાત્મક તસવીર

‘હોય નહીં.’

‘હોય શું નહીં? વાત સાવ સાચી છે.’

‘સાચે જ. ચમત્કાર લાગે છે.’ મુંબઈના ડૉક્ટરની મર્દાનગી, સંતોષવૃત્તિ, લાગણીશીલતાની વાત બે યુવકોએ જ્યારે કરી ત્યારે મારા મોઢામાંથી આ શબ્દો સરી પડ્યા.

‘મહારાજસાહેબ, ખબર નહીં. વર્ષોની ડૉક્ટરને પ્રૅક્ટિસ છતાં કોઈક પળે તેમના મનમાં વિચાર આવ્યો કે તેમણે બોર્ડ બનાવી પોતાના દવાખાનાની ઉપર લગાવડાવી દીધું. બોર્ડ પર લખ્યું હતું - આ દવાખાનામાં પૈસા આપવા ફરજિયાત નથી.’ હું કંઈ કહું, પૂછું એ પહેલાં તો એ યુવકે મને કહ્યું, ‘એટલું જ નહીં, ડૉક્ટરે એ પણ નક્કી કર્યું કે ધારો કે કોઈ પૈસા આપે તો પણ ફી ત્રણ રૂપિયાથી એક રૂપિયા વધારે કોઈ પાસેથી નહીં લેવાનો. દવાના આ ત્રણ રૂપિયા પણ કોઈ પાસે માગવાના નહીં. એ આપે તો જ લેવાના અને કોઈના ચહેરા પર લાગે કે આર્થિક સ્થિતિ સારી નથી તો આગળની ટ્રીટમેન્ટ માટે પોતાના ખિસ્સામાંથી ૨૫ રૂપિયા કાઢીને તેને આપી દેવાના.’

‘વાહ...’

‘હમણાં અનેક નામી-અનામી વ્યક્તિઓએ તેમને જે શાલ ઓઢાડી એ શાલનો આંકડો વિચારો તમે, કલ્પના કરો એનો?’

‘૫૦, ૫૨ કે પછી વધીને ૫પ...’

‘૪૫૦ શાલ...’ ફરી વાત આગળ વધી, ‘સાહેબ, એ બહુમાન સમારંભ રાતે ૧૦-૩૦ વાગ્યે પૂરો થયો અને પછી શું થયું એ સાંભળીને તો આપ સ્તબ્ધ થઈ જશો. એ તમામેતમામ ૪૫૦ શાલ તેમણે મુકાવી પોતાની મોટરમાં, પત્નીને લીધી તેમણે ગાડીમાં સાથે અને ગાડી લેવડાવી ડ્રાઇવર પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં. સવારે પાંચ વાગ્યા સુધીમાં એ તમામેતમામ શાલ ગરીબોને તેમણે ઓઢાડી દીધી અને સવારે ૬ વાગ્યે ઘરે આવીને શાંતિથી સૂઈ ગયા.’

આને કહેવાય રાખ્યું તે રાખ થયું, આપ્યું તે આપણું થયું.

આ ઉક્તિને ચરિતાર્થ કરનારા આત્માઓની આવી મર્દાનગી જ આ જગતને રહેવાલાયક બનાવતી હશે એવું નથી લાગતું તમને. તમે જુઓ, વસંત ૠતુમાં વૃક્ષ ફળ આપવાનો ઇનકાર ક્યાં કરે છે? સુકાળના સમયમાં બેકાંઠે છલકાતી નદી પાણી આપવાની ક્યાં ના પાડે છે? પૂર્ણિમાની રાતે ચંદ્ર પ્રકાશ ફેલાવવાનો ઇનકાર કરે છે? એ જ રીતે પુણ્યના ભાથા સાથે સંપત્તિનું દાન કરવાની પુણ્યાત્મા ના ન જ પાડે, બિલકુલ સમજાય એવી જ વાત છેને? બસ, આ જ વાતનું પાલન એક-એક આત્મા કરવા માંડે તો જગતમાં દુઃખ રહે નહીં અને ચોમેર સુખ જ સુખ હોય.

jain community culture news life and style columnists