01 November, 2024 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સમગ્ર જીવનની પ્રતિપાદક ભારતીય સંસ્કૃતિની એક મૌલિક વિશેષતા છે એના પર્વ-તહેવારોની અવિરત શૃંખલા. અને પર્વોની આ અવિરત શૃંખલામાં મુકુટ મણિનું સ્થાન જો કોઈને પ્રાપ્ત થયું છે તો એ છે પ્રકાશપર્વ ‘દિવાળી’ને. દરેકના મનમાં રોમાંચ અને અનહદ ખુશીની ભાવના પેદા કરનારા આ તહેવાર પ્રસંગે સૌ એવી કામના રાખે છે કે તેમના જીવનમાં ભાગ્યોદયની સાથે-સાથે શુભ-લાભ પણ થાય. જ્યાં વિધિસર તેલ-ઘીના દીવડા ઝગમગતા હોય છે ત્યાં ધનની દેવી અર્થાત ‘શ્રી મહાલક્ષ્મી’નું શુભ આગમન થાય છે અને શુભ-લાભની વર્ષા થાય છે.
નૂતન વર્ષના દિવસે લોકો જૂનું વેરઝેર ભૂલીને પોતાના દુશ્મનને પણ બેસતા વર્ષનાં અભિનંદન આપીને તેના પ્રત્યે સારા સંકલ્પો કરવાની પ્રતિજ્ઞા કરે છે. ભાઈબીજ બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તાંતણો વધારે મજબૂત બનાવવાનો દિવસ છે. આ દિવસે બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ તથા સફળતા માટે પ્રભુ પાસે પ્રાર્થના કરે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘરે-ઘરે ફરીથી નાનકડા દીવડાઓ ઝગમગશે અને સાથે-સાથે રંગબીરંગી બલ્બનાં તોરણોથી સમગ્ર દેશ જાણે કે પ્રકાશમય થઈ જશે. કરોડો-અરબોના ફટાકડાની આતશબાજીમાં ફૂંકી નાખવામાં આવશે અને થશે શ્રી લક્ષ્મીજીનું આહ્વાન, પરંતુ શું આ બધું કર્યા બાદ પ્રકટશે કોઈનાં અંતરમનમાં દીપ? શું મટશે ગરીબી કોઈ ગરીબ પરિવારની? શું લહેરાશે ખુશીની રમઝટ એ ઘરઆંગણમાં કે જેને ધર્મ અને જાતિનાં નામ ઉપર લોહી વડે રંગવામાં આવ્યો હતો? અફસોસ કે ઉત્સવ ઊઉજવવાના ઉમંગમાં ભાગ્યે જ આપણામાંથી કોઈને આ વિષયમાં વિચારવાનું સૂઝે છે.
જો તમે આ વર્ષે કંઈક અલગ રીતે દિવાળી ઊજવવા માગતા હો તો ભલે દીપ જરૂર પ્રગટાવો, પરંતુ એની સાથે-સાથે સ્વયંની તેમ જ અન્ય આત્માઓની ‘આત્મજ્યોત’ પ્રગટાવવાનો પવિત્ર સંકલ્પ પણ અવશ્ય રાખો. અગર બીજાની પ્રત્યે તમારા મનના કોઈ ખૂણે થોડી પણ ઈર્ષ્યા, દ્વેષ અથવા તો ક્રોધની લાગણી છુપાવીને આપે રાખી હોય, જે તમને અને અન્યોને ભયભીત કરતી હોય તો એ લાગણીને પરમાત્મ-જ્યોતિને સમર્પણ કરીને સંપૂર્ણ સ્વાહા કરી દ્યો. કરોડો રૂપિયા આતશબાજીની આગમાં વેડફવાને બદલે આપણે કમથી કમ કોઈ અનાથ, ગરીબ અથવા જરૂરિયાતમંદના જીવનમાં જ્ઞાન-દીપ અને ખુશીનો દીપ પ્રગટાવીએ અને આપણી ઘણીબધી ખુશીમાંથી થોડી ખુશીનો લાભ તેમને પણ આપીએ. યાદ રાખો, જ્યારે પ્રગટશે આત્મદીપક ત્યારે એનાથી પ્રગટાશે અનેક દીપક. નર્કમય સંસારરૂપી નરકાસુરની બળશે જ્યારે અર્થી, રાવણનો થશે જયારે દરેક મનમાં અંત, નહીં રહે જ્યારે કોઈની અંદર કોઈના પ્રત્યે ઈર્ષ્યા, દ્વેષ કે તિરસ્કારની ભાવના, જ્યારે બનશે બધા સાચ્ચા સંત ત્યારે થશે ઘર-ઘરમાં ખુશી અને ઊજવાશે ઉમળકાભેર ઝગમગ-ઝગમગ શુભ દિવાળી.
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી