30 October, 2024 07:26 AM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
કાળીચૌદશના દિવસે મહાકાળીની આરાધના કરવામાં આવે છે. કાળીચૌદશને રૂપચૌદશ કે ભૂત ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાકાળીની ખાસિયત છે, મહાકાળી પોતાના ભક્તો અને આરાધકોની રક્ષા કરે છે પણ સાથોસાથ તેમને હેરાન કરનારાઓને પોતાના દુશ્મન માનીને એ તેમના મનમાં રહેલી ભક્ત પ્રત્યેની નકારાત્મકતા પણ દૂર કરે છે અને તેમના મનમાં હકારાત્મકતાનું સિંચન કરે છે.
મહાકાળીની આરાધના માટે કાળીચૌદશના દિવસને સૌથી બેસ્ટ માનવામાં આવ્યો છે. મા મહાકાળીને આજના દિવસે કેવી રીતે પ્રસન્ન કરી શકાય અને કેવી રીતે જીવનમાં ચાલતા કકળાટથી મુક્તિ મેળવી શકાય એના સરળ રસ્તાઓ જાણવા જેવા છે.
કરો આજે અભ્યંગ સ્નાન
સૌથી પહેલાં આ અભ્યંગ સ્નાન શું છે એ જાણવું જોઈએ. હળદર, બેસન, દૂધ અને જે પ્રાપ્ત ન હોય એ તેજાના એટલે એલચી, તજ, લવિંગના પાઉડરને પાણી સાથે મિક્સ કરીને એ પાણીથી સ્નાન કરવાનું. સ્નાન પહેલાં શરીર પર તલના તેલનું માલિશ કરવાનું. જો તલના તેલમાં થોડી પીળી સરસવ એટલે કે રાઈ નાખી એને ગરમ કરવામાં આવ્યું
હોય તો ઉત્તમ. તેલ ઠંડું થઈ જાય એટલે શરીર પર જ્યાં પણ હાથ પહોંચે એ બધા ભાગમાં તેલ લગાડી થોડી વાર શરીર પર તેલ રહેવા દેવું અને એ પછી ઉપર કહ્યું એ પાણીથી સ્નાન કરવું, આ સ્નાનને અભ્યંગ સ્નાન કહેવામાં આવે છે. અભ્યંગ સ્નાન કરવાનો આદર્શ સમય સૂર્યાસ્ત કે સૂર્યોદયની આગળ-પાછળની પંદર મિનિટ ગણવામાં આવી છે. અભ્યંગ સ્નાન તમામ પ્રકારની મેલી નજરને વ્યક્તિથી દૂર કરે છે.
દર ત્રણ મહિને વદની ચૌદશના દિવસે અભ્યંગ સ્નાન કરવામાં આવે એ હિતાવહ છે. કાળીચૌદશને વર્ષની સૌથી મોટી ચૌદશ માનવામાં આવે છે.
આજે શ્રીફળ ચડાવો ખાસ
મહાકાળીના મંદિરે જઈને જો આજના દિવસે શ્રીફળ ચડાવવામાં આવે તો એનું શ્રેષ્ઠ પરિણામ મળે છે. ધારો કે મહાકાળીનું મંદિર ન મળે તો કોઈ પણ માતાજીના મંદિરે જઈ શકાય અને ધારો કે માતાજીનું મંદિર પણ ન મળે તો કોઈ પણ મહિલાએ શ્રીફળ આપી શકાય, પણ આજના દિવસે કોઈ શ્રીફળ સ્વીકારવા તૈયાર ન થાય એવી સંભાવના વધારે છે એટલે એવું કરવાને બદલે શ્રીફળ ઘરે જ વધેરીને એની પ્રસાદી કન્યાઓને ખવડાવવામાં આવે તો પણ એ જ પરિણામ મળે છે જે મહાકાળીના મંદિરે શ્રીફળ ચડાવ્યા પછી
મળતું હોય છે.
પહેલાંના સમયમાં આજના દિવસે મહાકાળીના મંદિર ભોગ તરીકે બકરો ચડાવવામાં આવતો પણ જીવહિંસાની બાબતમાં જાગૃતિ આવ્યા પછી શ્રીફળનું ચલણ શરૂ થયું. આજના દિવસે મહાકાળીની પૂજા માટે સ્મશાનમાં જવાની પણ કેટલાક પ્રથા પાળે છે પણ એ અનિવાર્ય નથી.
આજના દિવસે શૃંગારદાન
કાળીચૌદશના દિવસે જો શૃંગારદાન કરવામાં આવે તો મહાકાળી પ્રસન્ન થાય છે.જો શક્ય હોય તો આજના દિવસે દીકરીઓને શૃંગાર માટે કૉસ્મેટિક્સની ભેટ આપો, એ કૉસ્મેટિક્સ જો હળદર કે ઉબટનથી બનેલા હોય તો ઉત્તમ. અન્યથા તમે પણ કૉસ્મેટિક્સની સાથે હળદર કે ઉબટન અલગથી મૂકી શકો છો. આ ઉપરાંત આજના દિવસે જો દીકરીઓને ડાર્ક ચૉકલેટ આપવામાં આવે તો એનો પણ સરસ લાભ મળે છે. કાળીચૌદશના દિવસે ફરસાણનો નાસ્તો કરાવવો પણ લાભદાયી છે. અહીં એક સ્પષ્ટતા કરવાની કે નાસ્તો કરાવવાની વાત છે, નાસ્તો આપવાની વાત નથી કારણ કે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે ક્યારેય કોઈને ભેટમાં સૉલ્ટનો ઉપયોગ થયો હોય એવી કોઈ સામગ્રી આપવી નહીં.