30 October, 2024 07:29 AM IST | Mumbai | Mukesh Pandya
પ્રતીકાત્મક તસવીર
આમ તો કાળીચૌદશ સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો એટલે નરકચતુર્દશી તરીકે પણ ઓળખાય છે. કાળીચૌદશનો દિવસ તાંત્રિકો માટે સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ છે. જે લોકો અનોખી શક્તિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માગે છે તેઓ આ શુભ દિવસે મહાકાળીની પૂજા કરે છે. સાથે હનુમાનજીની પણ ઉપાસના કરે છે. કાળીચૌદશનો મંત્ર છે : ક્રીં કાલિકાયે સ્વાહા.
ઘરનો કંકાસ દૂર કરવા તેલથી તળેલી વસ્તુઓ (ભજિયાં કે વડાં) બનાવીને એમાં ઘરના મલિન વાતાવરણને શોષી બહાર મૂકી આવવાનો રિવાજ છે. હનુમાનજી અને શનિમહારાજને તેલ ચડે છે, કારણ કે બન્નેનો વાયુ સાથે સંબંધ છે. હનુમાનજી વાયુપુત્ર છે તો શનિ વાયુકારક ગ્રહ છે. વાયુ ગતિશીલ છે અને અવાજ કકળાટ ઉત્પન્ન કરે છે. જેમ સૂર્યને પ્રસન્ન કરવા પાણીની અંજલિ અપાય છે એમ વાયુને પ્રસન્ન કરવા તેલ ચડાવાય છે. આથી જ આપણે ત્યાં હનુમાનજીને તેલ ચડાવવાની પ્રથા પડી છે. દિવાળીમાં રોજ ધીના દીવા થાય, પણ કાળીચૌદશે તેલના દીવાને પણ મહત્ત્વ અપાયું છે. આ દિવસે તેલનું સ્નાન કરવાનો રિવાજ પણ છે અને તેલનાં ભજિયાં બનાવવાનો પણ રિવાજ છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આ વાત બંધ બેસે છે. શરીરમાંના વાયુને કારણે થતા રોગોને તેલમાલિશ કે તેલના સ્નાન દ્વારા નિયંત્રણમાં રાખી શકાય છે.
મિત્રો, આપણા ઘરના હીંચકા કે દરવાજા કિચૂડ-કિચૂડ અવાજ કરતા હોય તો એમાં તેલ પૂરવાથી એ તરત કકળાટ કરતા બંધ થઈ જાય છે. એ જ રીતે કારખાનાનાં યંત્રોમાં તેલ પૂરતાં એમાંથી ઉત્પન્ન થતો કર્કશ અવાજ શોષી શકાય છે. આ જ થિયરી પર ઘરના સભ્યો વચ્ચે થતો કકળાટ કાઢવા તેલનો ઉપયોગ થાય એ પણ તર્કબદ્ધ છે.
દિવાળી કૌટુંબિક તહેવાર છે. આ દિવસોમાં ઘરના બધા સભ્યો પ્રેમથી રહે અને હળેમળે એ જરૂરી છે. ઘી અને તેલને સ્નેહ દ્રવ્ય પણ કહેવાય છે. આથી જ દિવાળીના દિવસોમાં ફરસાણ બનાવવાનો રિવાજ છે. ભજિયાં કે અડદની દાળનાં વડાં ઉપરાંત સેવ, ગાંઠિયા, ચકરી, મઠિયાં જેવી તળેલી ચીજો બનાવવામાં આવે છે. આવી ચીજોથી કજિયા ઓછા થાય છે અને પ્રેમભાવ વધે છે. ઘરમાં જ્યારે કોઈ વાનગી તળાતી હોય ત્યારે ઉત્પન્ન થતી તેલની વરાળમાં અને વાનગીમાં કકળાટ સહિતની અનેક નકારાત્મક શક્તિ શોષાઈ જાય છે. આવી વાનગી કે ભજિયાંને ઘરની બહાર ત્રિભેટે છોડી દેવાય એ જ કકળાટ કાઢવાનો આશય હોય છે. તેલની વરાળ નાકમાં જવાથી અને તેલની વાનગી પેટમાં જવાથી મનનો ઉચાટ કે કકળાટ પણ શમે છે. પરસ્પરનો પ્રેમભાવ વધે છે. તનમનને હેરાન કરતા વાયુકારી રોગોથી પણ મુક્તિ મળે છે એ નફામાં.
દર શનિવારે હનુમાનજી અને શનિ ગ્રહને તેલ ચડે છે એની પાછળ આ જ કારણ છે. ઘણાના ઘરે આ જ કારણસર શનિવારે સાંજે તેલમાં તળીને બનાવેલાં ભજિયાં ખવાતાં હોય છે. જ્યારે-જ્યારે સમય મળે ત્યારે શનિવારની સાંજે તેલમાલિશ કે તેલસ્નાન અવશ્ય કરવું જોઈએ. દિવાળી પછી ઠંડીના દિવસો આવશે ત્યારે વાયુને કારણે શરીરના દુખાવા વધતા હોય છે અને એટલે જ તો ઉત્તરાયણમાં તેલ જેમાં પુષ્કળ પ્રમાણમાં હોય એવા તલની ચિક્કી ખાવાનો પણ સુંદર રિવાજ છે.
ખરેખર આપણા તહેવારો એ ઋતુએ-ઋતુએ બદલાતા સંજોગો સામે આપણા તનમનને સ્વસ્થ રાખતા વહેવારો જ છે એવું નથી લાગતું?
ધન્ય છે સનાતન સંસ્કૃતિને.