28 October, 2024 07:42 AM IST | Mumbai | Mukesh Pandya
પ્રતીકાત્મક તસવીર
દિવાળીનું પર્વ એટલે બ્રહ્માંડમાંથી આવતી દૈવી શક્તિઓને ખુશીથી આવકારવાની મોસમ. ચોમાસામાં સૂર્ય-ચંદ્ર સહિત અનેક ગ્રહોની શક્તિ અને આશીર્વાદ વાદળોને કારણે આપણા સુધી યોગ્ય રીતે પહોંચી શકતાં નહોતાં એ હવે હસતાં-રમતાં આવશે. આની શરૂઆત બેશક વાઘબારસથી થાય છે.
જોકે ‘વાઘ’ શબ્દ પરથી આ પર્વ વિશે ઘણી માન્યતાઓ બંધાઈ છે, જેમ કે આદિવાસીઓ એ દિવસે વનના સૌથી શક્તિશાળી પ્રાણી વાઘની પૂજા કરે છે અને એનો આદર કરે છે. એટલે વાઘબારસ ઊજવાય છે. શબ્દકોશનું માનીએ તો વાઘ એટલે ગાય, બકરા કે ઘેટાનું ટોળું એવો અર્થ પણ થાય. એટલે આ દિવસે લોકો ગાયની પૂજા પણ કરે છે. એક માન્યતા એવી છે આસો વદ બારસના દિવસે વાઘ નામનો દૈત્ય હણાયો હતો એટલે આ બારસનું નામ વાઘબારસ પડી ગયું. અમુક વર્ગ એમ પણ માને છે કે વાઘ અર્થાત્ દેવું. આ દિવસે વેપાર ન કરતાં આગળ-પાછળનું દેવું પતાવી દેવું. હિસાબ ચોખ્ખા કરી દેવા અને નવા વર્ષથી નવો વેપાર શરૂ કરવો એવું ઘણા વેપારીઓ માને છે.
વાઘબારસ કે વાક્બારસ?
આટલી બધી માન્યતા વચ્ચે પણ સૌથી જૂની તાર્કિક અને શાસ્ત્રોક્ત રીતે ઊજવાય એ છે વાક્બારસ. પરંતુ કાળક્રમે ‘ક’નું અપભ્રંશ થઈને ‘ઘ’ થયું અને વાઘબારસ થઈ ગયું.
આ માન્યતા તર્કબદ્ધ છે. દિવાળીના દિવસોમાં જે દૈવી શક્તિઓ પૃથ્વી પર પધારતી હોય છે એમાં વાક્દેવી અર્થાત્ વાણીની દેવી સરસ્વતી પણ પધારતી હોય છે. આ દિવસે તેમની પૂજા કરી ઉત્તરોત્તર ધનતેરસે આરોગ્યની, કાળી ચૌદશે શક્તિની અને ત્યાર બાદ દિવાળીના દિવસે લક્ષ્મીજીની આગતાસ્વાગતા અને પૂજા કરવી જોઈએ.
દિવાળીનો પ્રકાશમય તહેવાર સરસ્વતીપૂજાથી શરૂ થાય એ પણ યથાયોગ્ય છે. વિદ્યાથી જ આપણો અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે. નાના બાળકના જીવનની શરૂઆત જ જ્ઞાનથી થાય છે. શરૂઆતનું જ્ઞાન તેને માબાપ પાસેથી મળે છે અને પછીનું જ્ઞાન શાળા-કૉલેજમાં ગુરુઓ પાસેથી મળે છે. યોગ્ય જ્ઞાનથી જ આપણે આરોગ્ય, શક્તિ અને ધનલક્ષ્મી મેળવી શકીએ છીએ. યોગ્ય જ્ઞાનથી જ આપણામાં શિસ્ત અને વિવેકબુદ્ધિ આવે છે. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી ડર, ચિંતા, વહેમ અને શંકામાં માણસ ફસાતો જાય છે. આપણે કોઈ અજાણ્યા સ્થળે પહેલી વાર જવું હોય અને એના વિશે પૂરતી માહિતી ન હોય ત્યારે અનેક જણને પૂછતાં-પૂછતાં જવું પડે છે. એ સ્થળે પહોંચતાં પહેલાં મનમાં અનેક પ્રકારના ઉચાટ સાથે પ્રવાસ કરવો પડે છે. એક વાર આ સ્થળે પહોંચવાનું પૂરું જ્ઞાન પ્રાપ્ત થાય પછી ત્યાં જવાનું સહજ બની જાય છે. મનમાં કોઈ શંકા હોતી નથી. બીજી વાર જવાનું થાય તો વિશ્વાસથી આગળ વધીએ છીએ, કારણ કે રસ્તો ખબર છે. મંજિલની ખબર છે.
જે જે સંતો કે અવતારોને જ્ઞાન પ્રાપ્ત થયું હોય એને માટે અંગ્રેજીમાં ‘એનલાઇટનમેન્ટ’ શબ્દ વપરાય છે. જ્ઞાન જ પ્રકાશ છે. આવું જ્ઞાન મેળવવા સરસ્વતીની કૃપા હોવી જરૂરી છે.
આથી વાક્બારસની રાતે માતા સરસ્વતીની પૂજા કરી નીચેનો મંત્ર ઓછામાં ઓછો ૧૦૮ વાર એકાગ્રતાપૂર્વક જપવો જોઈએ.
સરસ્વતી મંત્ર : ઓમ ઐમ સરસ્વત્યૈ નમ:|