midday

દેવકીમા, યશોદા મૈયા, કૌશલ્યા માતા જેટલાં જ પૂજનીય છે રેણુકા માઈ

24 March, 2025 06:52 AM IST  |  Mumbai | Alpa Nirmal

કારણ કે તેઓ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર પરશુરામનાં જન્મદાત્રી છે. મહારાષ્ટ્રના માહુરના એક પહાડ પર દેવી માતાનું સુંદર મંદિર છે. માહુર દત્ત ભગવાનનું પણ જન્મસ્થળ છે તથા અત્રિ-અનસૂયાદેવી તેમ જ દત્તાત્રેયજીના સાધકો માટે તો મથુરા છે
રેણુકા માતાનું મંદિર

રેણુકા માતાનું મંદિર

સૂર્યદેવ તેમની પૂર્ણ કળાએ ખીલી ઊઠ્યા છે. તાપમાનનો પારો દરરોજ ઊંચો ચડતો જાય છે. એવામાં મહારાષ્ટ્રના વન ઑફ ધ હૉટેસ્ટ જિલ્લા નાંદેડ જવામાં જરાય ડહાપણ નથી. પણ આ તો ગયા વખતે તીર્થાટનમાં મહારાષ્ટ્રની સાડાત્રણ શક્તિપીઠની વાત કરી ત્યારથી તીર્થાટન પ્રેમીઓ પ્રેમાળ માગણી કરી રહ્યા છે કે આ સાડાત્રણમાંની એક માહુરની માનસ યાત્રા કરાવો.

સો, માઈભક્તો આજે ઊપડીએ મહારાષ્ટ્રની દક્ષિણ પૂર્વીય સીમા નજીક આવેલા માહુર ગામે.

દેવી ભાગવતમાં માતૃપુરા (માતાપુર) નામે ઉલ્લેખ પામેલું માહુર શક્તિપૂજાના મહત્ત્વપૂર્ણ સ્થાનમાંનું એક છે જેનો સંબંધ ભોલેનાથ, જમદગ્નિ, અત્રિ ઋષિ, શ્રી રામ અને પાંડવો સાથે છે. નજીકના કાળની વાત કરીએ તો ભારતની તવારીખમાં ૧૨મી સદીમાં અહીં ગોડ રાજાઓએ રાજ્ય કર્યાનું પ્રમાણ મળે છે. એ પછી ૧૬મી સેન્ચુરીમાં રાજમાતા જીજાબાઈના પિતા લખુજી જાદવરાવ સાથે માહુરના રાજે ઉદરામ દેશમુખે મિત્રતા કરી નિઝામશાહીનો વિરોધ કરી અહીં મરાઠા સામ્રાજ્યનું સ્થાપન કર્યાનો પણ ઉલ્લેખ છે. જોકે ૧૮મી સદીમાં જહાંગીરના વંશજોએ આખા પ્રદેશ પર પોતાનો પરચમ લહેરાવ્યો અને એ પછી આવ્યા અંગ્રેજો. ખેર, પછીની વાત કાંઈ વિશેષ નથી પણ એ રિમાર્કેબલ છે કે કટોકટીના કાળમુખા સમયમાં પણ માહુરનાં પવિત્ર સ્થાનો અકબંધ રહ્યાં, પૌરાણિક સ્થાનોની પવિત્રતા જળવાઈ રહી અને આ સ્થળનું સત્ સાબૂત રહ્યું. જોકે આ ભૂમિનું સત્ત્વ સલામત રહેવાનું જ હતું, કારણ કે આ માતા રેણુકાના સતીત્વથી અલંકૃત થયેલી ધરા છે ભક્તો!

વેલ, માતા રેણુકાના સમર્પણ ત્યાગ અને શક્તિની વાત આપણે તીર્થાટનમાં પૂર્વે કરી જ ગયા છીએ. છતાં એક શૉર્ટ રી-કૅપ લઈએ. રાજા રેણુએ કરાવેા યજ્ઞના આશીર્વાદથી પુત્રી પ્રાપ્ત થઈ રેણુકા. એ રાજકુમારીના વિવાહ થયા બ્રહ્માજીના વંશજ અને સપ્તર્ષિમાંના એક જમદગ્નિ સાથે. જમદગ્નિ તપસ્વી સાધક હતા અને રેણુકા દૈવીય શક્તિનો અંશ. પુરાણોમાં ઉલ્લેખ છે કે રેણુકાની ભક્તિ અને પતિવ્રતાપણું એટલું ગાઢ હતું કે તેઓ નદીની માટીમાંથી પાત્ર બનાવી એમાં પાણી ભરી પતિના અનુષ્ઠાન માટે લઈ આવતાં.

 કાચી માટીનું પાત્ર આમ તો ટકે જ નહીં અને જો ટકી પણ જાય તો એ બધું જળ શોષી લે. પરંતુ રેણુકાજીનું પતિ પ્રત્યેનું સર્મપણ એટલું ગાઢ હતું એ તેજના પ્રતાપે તેઓ આવું કરી શકતાં એટલું જ નહીં, તેઓ નદીકિનારેથી જીવંત સાપની ઈંઢોણી બનાવી, માથે મૂકી એ કાચી માટીનો પાણી ભરેલો ઘડો પતિનાં ધાર્મિક અનુષ્ઠાનો માટે લઈ આવતાં. આ યુગલને ૧ પુત્રી અને પાંચ પુત્રો થયાં જેમાંના સૌથી નાના પુત્ર હતા રામ ભાર્ગવ. રામ ભાર્ગવે શિવ-પાર્વતીની કઠિન સાધના કરી હતી અને ભોલેબાબાએ પ્રસન્ન થઈ તેને કુહાડી (પરશુ) આપી ત્યારથી તે પરશુરામ કહેવાયા. પરશુરામજીની કહાની પણ અનન્ય છે, પણ એ ફરી ક્યારેક.

 અત્યારે બૅક ટુ રેણુકામાતા કથા. એક દિવસ નદીએ પાણી ભરવા જતાં રેણુકામાતાએ એક રાજાને પોતાની રાણીઓ સાથે જળક્રીડા કરતાં જોયા. આ દૃશ્ય જોતાં તેઓ એક ક્ષણ માટે વિચલિત થઈ ગયાં અને રાજા પર મોહી પડ્યાં. એ દિવસે તેમનાથી માટીનો ઘડો ન બન્યો અને તેઓ પતિનાં યજ્ઞાદિક કાર્યો માટે સરિતાનું જળ ન લાવી શક્યાં. જમદગ્નિએ આ વાત જાણતાં અત્યંત ક્રોધિત થઈ ઊઠ્યા. તેમણે પત્નીને શ્રાપ આપી દીધો. પતિથી શાપિત થઈ રેણુકામાતા જંગલમાં જતાં રહ્યાં અને ત્યાં સાધના કરવા લાગ્યાં. અરણ્યમાં રેણુકાજીને‌ ઋષિઓ મળ્યા. તેમણે આખી ઘટના જાણી અને પરશુરામનાં માતાને માર્ગદર્શન આપ્યું. રેણુકામાએ એ પ્રમાણે શિવલિંગની વિશેષ પૂજા અને વિધિવિધાન કર્યાં આથી ઋષિમુનિઓએ રેણુકામાને તેઓ ચિરકાળ સુધી પુજાતાં રહેશે એવું વરદાન આપ્યું.

થોડા વખત બાદ રેણુકાદેવી‌ પરત જમદગ્નિ પાસે ગયાં પરંતુ પતિનો ક્રોધ હજી ઊતર્યો નહોતો. તેમણે તેમના પુત્રોને માનું મસ્તક ધડથી અલગ કરવાનો આદેશ આપ્યો, જે ચાર પુત્રોએ તો ન માન્યો પરંતુ પરશુરામજીએ પિતાની આજ્ઞા શિરોમાન્ય કરી માતાનો શિરચ્છેદ કર્યો. આથી  પિતા ખુશ થઈ ગયા અને પરશુરામે પિતા પાસે ફરીથી માતા અને ભાઈઓને જીવંત કરવાનું વરદાન મેળવી લીધું. પરશુરામની આ કથા પણ બહુ વિસ્તૃત છે. આજે આપણે એ વાત નહીં કરીએ પરંતુ તમારી જાણ ખાતર કે પરશુરામે અનેકાનેક મંદિરો બાંધ્યાં છે. મૂર્તિઓનું નિર્માણ કર્યું છે જેની માનસ યાત્રાઓ આપણે ઑલરેડી કરી છે અને આગામી સમયમાં કરીશું પણ ખરા. એટલે જ પ્રભુપ્રેમી ભાવિકો, આવા કાબેલ, પવિત્ર, પરાક્રમી પરશુરામનાં જન્મદાત્રી હોવાથી રેણુકામાઈ પણ દેવકીમા, યશોદામૈયા, કૌશલ્યા માતા જેટલાં જ પૂજનીય છે.

પરશુરામજીનું મંદિર

નાઓ, લેટ્સ ગો ટુ માઈચા દેવળ. ઍક્ચ્યુઅલી, માતાનાં બેસણાં એક ડુંગર પર છે જેની તળેટી માહુર શહેરથી પાંચ કિલોમીટર દૂર છે. તળેટી સુધી વાહનો જાય છે અને થોડે દૂર વાહન પાર્ક કરવાની સુવિધા પણ છે. ‘આઈ રેણુકા માતાચા ઉદો ઉદો’નો જયકારો કરી ભક્તો ગઢ ચડવાનું શરૂ કરે છે અને ફક્ત ૨૪૦ સીડીઓ એટલે ઑલમોસ્ટ ૧૫થી ૧૭ માળની ચડાઈ કરી માતાના દ્વારે પહોંચી જવાય છે. આ દાદરા સાવ સહેલા છે અને ચડાઈ સરળ. શ્રેણી ચડી થોડે આગળ જતાં બે ફાંટા પડે છે. હા, બેઉ મંદિર તરફ જ જાય છે. પરંતુ એક જૂનો માર્ગ છે જેના દાદરા થોડા ઊંચા છે જ્યારે નવા માર્ગની સીડીઓની હાઇટ ઓછી છે. કુલ ૧૦થી ૨૦ મિનિટની ચડાઈ કરી પર્વતના શિખરે પહોંચી જવાય છે અને કિલ્લાની દીવાલ જેવી ઊંચી દીવાલ જેવું પ્રવેશદ્વાર તમારું સ્વાગત કરે છે. માતાને ચડાવાતો પાન-ચોખાને ભોગ ખંડાવી, આગળ વધતાં જ કેસરી સિંદૂરથી ઓપિત મોટી પવિત્ર પિંડી નજરે ચડે છે. એ જ છે આઈ યેલમ્મા (રેણુકામાતાનું એક નામ). માતાજીની મેસ્મરાઇઝ કરતી આંખોમાં નજર પરોવોને તો રેણુકામાતાનું આ સ્વરૂપ ક્યારેય ભુલાય નહીં. પૂજારીઓ માતાના ખુલ્લા મુખમાં પાન-તાંદુલનો થોડો ભોગ ચડાવે છે અને બાકીનો તમને પ્રસાદરૂપે પાછો આપે છે. આમ તો રજાના દિવસોમાં તહેવારો દરમિયાન અહીં હજારો ભક્તોની ભીડ હોય છે પરંતુ માતાજીની કૃપા હોય તો ક્યારેક જરાય ગિરદી નથી હોતી અને આ જગદંબા સ્વરૂપનો સરસ સાક્ષાત્કાર કરી શકાય છે.

તમને પંચગનીનું ટેબલ લૅન્ડ ખબર છેને? બેઝિકલી પર્વતની ટોચ પર આવેલો વિશાળ મેદાન પ્રદેશ. માતાજીનાં બેસણાં આવા જ સ્થાને છે. મંદિરની આજુબાજુનો એરિયા પતરાના રૂફથી ક્વર્ડ છે એટલે મંદિર કે એનું શિખર દેખાતું નથી. પરંતુ એ છાપરાની બહાર નાની દેરીઓમાં ગજાનન, હનુમાનજી આદિ
દેવતાઓને બિરાજમાન કરવામાં આવ્યા છે. આ ટોચના ભાગથી બીજા ડુંગર પર આવેલું દત્તાત્રેય શિખર અને એની પછીતે અનસૂયા શિખરનાં પણ દર્શન થાય છે. તો બીજી બાજુથી નાહર ગડ ફોર્ટ, પાંડવ લેની (ગુફા) પણ નજરે ચડે છે. ચારે બાજુનું વિહંગાવલોકન કર્યા બાદ એક રસ્તો નીચે તરફ જતો દેખાય છે જ્યાં છે વિષ્ણુજીના છઠ્ઠા અવતાર પરશુરામજીનું મંદિર. ફક્ત ૧૪૦ દાદરાઓ (અગેઇન સરળ) ઊતરો એટલે શ્યામ પથ્થરમાંથી નિર્મિત ભગવાન પરશુરામનાં દર્શન કરી શકાય છે. પ્રભુનાં પાયલાગણ કર્યા બાદ ફરી એટલી સીડીઓ ચડી ઉપર પધારો. માતાનાં મુખદર્શનનો લાભ લો અને નીચે તળેટીએ પરત ફરો એટલે યાત્રા પૂર્ણ.

માહુર યાત્રાધામ તરીકે વિકસિત હોવાથી તળેટીથી પાંચ-છ કિલોમીટરના અંતરે દરેક બજેટની હોટેલ્સ, ગેસ્ટ હાઉસ વગેરે છે. એમ તો રેણુકાદેવી સંસ્થાન તરફથી પણ રહેણ્યાચી ઉત્તમ સોઈ ધરાવતી ધર્મશાળા છે જે મોટા ભાગે બુક્ડ હોય છે. કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા તેમ જ સમસ્ત મહારાષ્ટ્રના લાખો ભક્તો માઈનાં દર્શને આવતા હોવાથી શહેરમાં રહેવાની સુવિધા સાથે જમવા માટે પણ સારી રેસ્ટોરાંઓ છે. મુંબઈથી ૬૪૩ કિલોમીટરના અંતરે આવેલા આ શ્રીક્ષેત્ર જવા માટે છત્રપતિ શિવાજી ટર્મિનસથી ટ્રેનો ઊપડે છે જે ૧૫ કલાકની જર્ની પછી કિનવટ સ્ટેશને પહોંચાડે છે. નંદીગ્રામ એક્સપ્રેસ તો રોજ જાય છે ને તાડોબા એક્સપ્રેસ ઓન્લી ફ્રાઇડે. કિનવટથી માહુરનું ડિસ્ટન્સ ૫૦ કિલોમીટર છે જે સરકારી બસો, પ્રાઇવેટ વાહનો દ્વારા કવર કરી શકાય. એમ તો મહારાષ્ટ્રના શહેર યવતમાળ, વર્ધા, ચંદ્રપુર, આકોલા માહુરથી ૧૦૦-૧૫૦ કિલોમીટરના પરિઘમાં છે અને આકોલા માટે તો મુંબઈથી અનેક રેલવે સર્વિસ પણ છે. ઍક્ચ્યુઅલી, માહુર ફરવા માટે મિનિમમ બે દિવસ જોઈએ. અહીં રેણુકા માતા મંદિર ઉપરાંત ભગવાન દત્તાત્રેય, અત્રીમાતા દેવસ્થાન, દેવદેવેશ્વર મંદિર (દત્તાત્રેયજીનું નિદ્રાસ્થાન), માતૃતીર્થ, ભાનુતીર્થ, માહુર ગડ કિલ્લામાં મહાકાલી મંદિર જેવાં પવિત્ર દેવાલયો છે તો રાજે ઉદરામ મહેલ, માહુર મ્યુઝિયમ, હાથી દરવાજા ઉપરાંત અન્ય ટૂરિસ્ટ પ્લેસ પણ છે.

રેણુકામાતા ટ્રાન્સજેન્ડર સમુદાયનાં અધિષ્ઠાત્રી દેવી પણ ગણાય છે. આથી ભક્તો પણ મોટા પ્રમાણમાં અહીં દર્શનાર્થે આવે છે

 માતાને શણગાર, ફૂલોની માળા, સાડી તેમ જ નાગરવેલનાં પાન અને કાચા ચોખા સાથે વાટેલો માવો ચડે છે. પાન અને ચોખા વાટવાની સુવિધા મુખ્ય મંદિરની બહાર છે.

 નવરાત્રિ, દિવાળી તેમ જ અન્ય તહેવારો દરમિયાન અહીં વિશેષ ઉત્સવો યોજાય છે.

 તળેટીથી ઉપર ચડવા ડોળીની વ્યવસ્થા છે પરંતુ બહુ લિમિટેડ પ્રમાણમાં જોકે લેટેસ્ટ અપડેટ કહે છે કે અહીં રોપવે સર્વિસ શરૂ થવાની છે.

 શક્તિપીઠની અધિકૃત વેબસાઇટ અનુસાર દરેક યાત્રાળુએ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. પરંતુ હકીકતે એની કોઈ જરૂર નથી પડતી. હા, ભીડ વખતે માતાનાં દર્શને લાઇનમાં ઊભા રહેવાની તૈયારી રાખવાની પણ એમાંય અડધો કલાકમાં તો નંબર આવી જાય છે.

 આટલું ચડી થાકી ગયા, પાછા કોણ આટલા બધા દાદરા ઊતરે ને પાછા ચડે. એ વિચારે શ્રી પરશુરામજીના મંદિરે નહીં જાઓ તો વિષ્ણુ ભગવાનના આ શક્તિશાળી અવતારનાં દર્શન કરવાનું ચૂકી જવાશે.

 મંદિર સવારે ૬થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. પર્વતની તળેટીથી છેક મંદિર સુધી પતરાનું છાપરું લાગેલું છે આથી ભરતડકેય ડુંગર ચડો તોય તડકો લાગતો નથી. એ ઉપરાંત મંદિર તરફથી પીવાનું પાણી, સૅનિટેશન, જૂતા સ્ટૅન્ડની ફ્રી સુવિધા છે. તો પહાડની બેઉ બાજુ પ્રસાદ સાથે ચા-પાણી, નાસ્તો વેચતી અનેક હાટડીઓ છે જેમાં રમકડાંથી લઈ ટોપી, શરબત, નાસ્તો બધું મળી રહે છે.

maharashtra culture news religion religious places mahabharat indian mythology hinduism mumbai gujarati mid-day life and style columnists alpa nirmal