ઑસમ આસામ

19 January, 2025 01:01 PM IST  |  Dispur | Laxmi Vanita

વૈશ્વિક સ્તરે ભારતના આ રાજ્યની ખાસિયતોનો સરસ ડંકો વાગી રહ્યો છે ત્યારે ભારતીય તરીકે આપણે આ રાજ્ય વિશે કેટલું જાણીએ છીએ? ચાલો, આસામની વર્ચ્યુઅલ સફરે

આસામનું મંદિર અને તળાવ

૨૦૨૫માં ફરવા જવા જેવી ‘ટૉપ 52 પ્લેસિસ’ની ‘ન્યુ યૉર્ક’ ટાઇમ્સે બહાર પાડેલી યાદીમાં આસામ રાજ્યને ચોથા નંબરે મૂક્યું છે. યુનેસ્કો હેરિટેજ લિસ્ટમાં સ્થાન પામી ચૂકેલા આસામના પિરામિડ તરીકે જાણીતા ચરાઈદેવ મૈદામ, એક શિંગડાવાળા રાયનોસરસ માટે જાણીતું કાઝીરંગા નૅશનલ પાર્ક, ગ્રીન ટી પ્લાન્ટેશન અને વાઇબ્રન્ટ કલ્ચર એમ સહેલાણીઓને લુભાવતી અનેક ખાસિયતોથી ભરપૂર છે આસામ. વૈશ્વિક સ્તરે ભારતના આ રાજ્યની ખાસિયતોનો સરસ ડંકો વાગી રહ્યો છે ત્યારે ભારતીય તરીકે આપણે આ રાજ્ય વિશે કેટલું જાણીએ છીએ? ચાલો, આસામની વર્ચ્યુઅલ સફરે

આસામની વાત આવે એટલે સૌથી પહેલાં ચાના બગીચા જ દેખાઈ આવે. આસામ ૧૯૫૦માં આધુનિક ભારતનું એક રાજ્ય બન્યું. ગાંધીજીએ અસહકાર અને સ્વદેશી ચળવળ માટે ભારતભ્રમણ કર્યું હતું એ દરમ્યાન ૧૯૨૧માં પહેલી વખત આસામની મુલાકાત લીધી હતી. આસામના દિબ્રુગઢ, ગુવાહાટી, જોરહટ, નાગાંવ, સિલચર, સિલહટ અને તેજપુર જેવાં શહેરોની મુલાકાતમાં હજારોની સંખ્યામાં લોકો ગાંધીજીને જોવા આવ્યા હતા. એ વખતે ગાંધીજીએ તેમના અંગ્રેજી સાપ્તાહિક મૅગેઝિન ‘યંગ ઇન્ડિયા’માં આસામને ‘લવલી આસામ’ તરીકે વર્ણવ્યું હતું. ત્યાર બાદ ગાંધીજીએ ૧૯૨૬, ૧૯૩૬ અને છેલ્લે ૧૯૪૬માં આસામની મુલાકાત લીધી હતી. ગાંધીજીએ વર્ણવેલા આ લવલી આસામની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની મુલાકાત એક વાર તો લેવી જ જોઈએ.

૫૧ શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ છે આસામનું કામાખ્યા મંદિર

માતાસતીએ યજ્ઞકુંડમાં આત્મદાહ કર્યો ત્યારે શિવજીએ માતાસતીના દેહને લઈને તાંડવ કરવાનું શરૂ કર્યું.  સૃષ્ટિના વિનાશને નાથવા ભગવાન વિષ્ણુએ સુદર્શનચક્ર વડે માતાસતીના શરીરના ટુકડેટુકડા કરી નાખ્યા હતા. જ્યાં-જ્યાં સતીના શરીરનાં અંગ પડ્યાં ત્યાં-ત્યાં શક્તિપીઠ બની ગયાં. કામાખ્યા શક્તિપીઠ પર માતાસતીની યોનિનો ભાગ પડ્યો હતો એટલે આ મંદિરમાં માતાની મૂર્તિની નહીં, પરંતુ યોનિની પૂજા થાય છે.

આસામની રાજધાની ગુવાહાટીથી લગભગ ૧૦ કિલોમીટરના અંતરે બ્રહ્મપુત્ર નદી પાસે નીલાંચલ પહાડ પર કામાખ્યામાતાનું મંદિર બનેલું છે જે ૫૧ શક્તિપીઠોમાંની એક છે. તમે શિવ-સતીની કથા અવારનવાર સાંભળી હશે. પૌરાણિક કથા કે દેવીપુરાણ અનુસાર માતાસતીએ પોતાના પિતાના યજ્ઞકુંડમાં જ આત્મદાહ કરી લીધો હતો. ત્યાર બાદ ભગવાન શિવે માતાનું શરીર ઉઠાવીને વિનાશનૃત્ય કરવાનું શરૂ કર્યું. શિવજીના આ તાંડવને કારણે દેવી-દેવતાઓને સૃષ્ટિના વિનાશનું સંકટ દેખાઈ રહ્યું હતું. ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શનચક્ર વડે માતાસતીના શરીરના ટુકડેટુકડા કરી દીધા હતા. જ્યાં-જ્યાં સતીના શરીરનાં અંગ પડ્યાં ત્યાં-ત્યાં શક્તિપીઠ બની ગયાં. કામાખ્યા શક્તિપીઠ પર માતાસતીની યોનિનો ભાગ પડ્યો હતો. આને કારણે કામાખ્યા મહાપીઠની ઉત્પત્તિ થઈ. આ મંદિરમાં માતાજીની મૂર્તિની નહીં પણ યોનિની પૂજા થાય છે તેમ જ અહીં દેવીનો યોનિભાગ હોવાથી વર્ષમાં એક વાર ત્રણ દિવસ માટે માતા રજસ્વલા થાય છે. એ દરમ્યાન અહીં અમ્બુવાચી મેળો ભરાય છે. દર વર્ષે જૂનમાં ભરાતા આ મેળામાં ત્રણ દિવસ મંદિર બંધ રાખવામાં આવે છે. ત્રણ દિવસ બાદ ખૂબ જ ઉત્સાહ સાથે મંદિર ખોલવામાં આવે છે.

પૌરાણિક કથા સિવાય પણ આ મંદિર અનેક રીતે મુલાકાત લેવા જેવું છે. મંદિરને ત્રણ ભાગમાં બનાવવામાં આવ્યું છે. પહેલો ભાગ ત્રિકોણાકાર છે અને વચ્ચેનો ભાગ ચોરસ આકારનો છે જેમાં નરનારાયણની છબિ છે અને ત્રીજો ભાગ પથ્થરનો છે જેનો આકાર યોનિ જેવો છે. એના એક પથ્થરમાંથી પાણી નીકળે છે. તાંત્રિક સાધના માટે જાણીતા આ મંદિરના બાંધકામમાં આસામીઝ અને મુગલ આર્કિટેક્ચરનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. મંદિરના મુખ્ય સ્ટ્રક્ચરને ગર્ભગૃહ કહેવામાં આવે છે. ગર્ભગૃહના ગુંબજનું સ્ટ્રક્ચર મધપૂડા જેવું છે જેમાં બહુ ઝીણવટભરી કોતરણી જોવા મળે છે.  મંદિરની દીવાલો પર ફૂલોની ભાત અને વિવિધ દેવી-દેવતાઓની કોતરણી પણ જોવા મળે છે.

કરેંગ ઘર, જેને ગઢગાંવ પૅલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે

આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ આ ઐતિહાસિક સાઇટને રીસ્ટોર કરી ત્યાર બાદ વધારે ટૂરિસ્ટ્સનું અહીં ધ્યાન ગયું. અહોમ સામ્રાજ્યના ઇતિહાસની ઝાંખી કરાવતા કરેંગ ઘર કે ગઢગાંવ પૅલેસની રચનામાં લાકડાં, પથ્થર અને યુનિક પ્રકારે ઈંટનો ઉપયોગ થયો હતો. લાકડાં અને ઈંટનું એવું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું જે લાંબો સમય ટકી રહે.

આસામની ઐતિહાસિક જગ્યાઓ જાણવા માટે અહોમ સામ્રાજ્યનો ઇતિહાસ જાણવો જરૂરી છે. અહોમ સામ્રાજ્યની સ્થાપના ૧૨૨૮ના વર્ષમાં થઈ હતી. એક તાઈ રાજકુમાર ચીનના એક પ્રાંતમાંથી પટકાઈને પર્વતમાળા ઓળંગીને બ્રહ્મપુત્ર વૅલીમાં આવ્યો અને એના માર્ગમાં આવતા સાથીઓને પણ પોતાની સાથે સામેલ કર્યા. આ રીતે ૯૦૦૦ જેટલા લોકો આસામમાં પ્રવેશ્યા હતા અને આસામના ચરાઈદેવમાં અહોમ સામ્રાજ્યની શરૂઆત થઈ. મોગલોના ભારતમાં આગમન બાદ પણ અહોમ સામ્રાજ્ય પોતાના પ્રદેશમાં સત્તા ટકાવવામાં ૬૦૦ વર્ષ સુધી સફળ રહ્યું હતું. એ સમયે ગઢગાંવ અહોમ સામ્રાજ્યના મિલિટરીનું મુખ્ય મથક હતું. હવે જાણીએ કરેંગ ઘર વિશે જેને ગઢગાંવ પૅલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અહોમ સામ્રાજ્યના ૧૫મા રાજાએ ૧૬મી સદીમાં ગઢગાંવ પૅલેસ કે કરેંગ ઘર બનાવ્યું હતું. આ મહેલની રચનામાં લાકડાં, પથ્થર અને યુનિક પ્રકારે ઈંટનો ઉપયોગ થયો હતો. લાકડાં અને ઈંટનું એવું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું જે લાંબા સમય સુધી ટકી રહે. એ બાંધકામ હંગામી ધોરણે બનાવવામાં આવ્યું હતું. જોકે હાલમાં જોવા મળતું ૭ માળનું કાયમી સ્ટ્રક્ચર ૧૮મી સદીની મધ્યમાં એ સમયના અહોમના રાજા સ્વર્ગદેવ રાજેશ્વર સિંહે બનાવ્યું હતું. આસામના શિવસાગરથી ૧૫ કિલોમીટર દૂર ગઢગાંવમાં આવેલા આ ઐતિહાસિક મૉન્યુમેન્ટમાં એવી તે શું નવાઈ છે? નવાઈ એ છે કે સ્થાપત્યકળાની દૃષ્ટિએ આ સ્ટ્રક્ચરને મહત્ત્વનું માનવામાં આવે છે. જ્યારે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આ ઐતિહાસિક સાઇટને રીસ્ટોર કરવામાં આવી ત્યારે વધુ ટૂરિસ્ટ્સનું અહીં ધ્યાન ગયું. આ સ્ટ્રક્ચર અહોમ સામ્રાજ્યના સમૃદ્ધ વારસાને દર્શાવે છે. સોશ્યલ મીડિયાને કારણે આ ઐતિહાસિક બિલ્ડિંગ વધારે લોકોના ધ્યાનમાં આવી રહ્યું છે એથી આસામના સાઇટસીનમાં આ જગ્યાનું સ્થાન હોય જ છે.

એશિયાનું જૂનું ઐતિહાસિક ઍમ્ફીથિયેટર રંગ ઘર

રંગ ઘરને એશિયાનું સૌથી જૂનામાં જૂનું અને ટકી રહેલું અહોમ સામ્રાજ્યની સ્થાપત્યકળા અને એના સાંસ્કૃતિક મહત્ત્વને ઉજાગર કરતું ઐતિહાસિક ઍમ્ફી થિયેટર માનવામાં આવે છે. રાજા અને રાજવીઓ અહીં બુલ-ફાઇટ, કૉક-ફાઈટ, હાથીઓની લડાઈ અને કુસ્તી જેવી રમતોને બેસીને માણતા હતા.

ગઢગાંવ પૅલેસ પછી શિવસાગરમાં અન્ય એક ઐતિહાસિક આકર્ષણ છે રંગ ઘર. અહોમ સામ્રાજ્યની સ્થાપત્યકળા અને એના સાંસ્કૃતિક મહત્ત્વને ઉજાગર કરતું ઐતિહાસિક ઍમ્ફીથિયેટર છે. આ થિયેટરને એશિયાનું સૌથી જૂનું ઍમ્ફીથિયેટર માનવામાં આવે છે. ૧૮મી સદીમાં આસામના રાજા સ્વર્ગદેવ પ્રમત્ત સિંહના શાસનકાળમાં એ બાંધવામાં આવ્યું હતું. રંગ ઘર અહોમ અને મુઘલ સ્થાપત્ય શૈલીનું અનોખું મિશ્રણ ધરાવે છે. ત્રિસ્તરીય મંડપ સ્વરૂપનું રંગ ઘર અષ્ટકોણ આકારમાં છે. એ મુખ્યત્વે વાંસ અને લાકડાના ફ્રેમવર્કથી બનેલું છે. એને લાકડાની કોતરણી અને શિલ્પોથી શણગારવામાં આવ્યું છે. આ રંગ ઘરનો ઉપયોગ અહોમના રાજાઓનું મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે. રાજા અને રાજવીઓ અહીં બુલ-ફાઇટ, કૉક-ફાઇટ, હાથીઓની લડાઈ અને કુસ્તી જેવી રમતોને બેસીને માણતા હતા. આ સ્થાનને બિહૂ નૃત્ય અને સંસ્કૃતિની જન્મભૂમિ પણ કહેવામાં આવે છે. આ સાઇટ પણ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા જાળવવામાં આવે છે. 

કાઝીરંગા નૅશનલ પાર્કમાં વન હૉર્ન રાઇનોસરસ

કાઝીરંગાનો આ વિસ્તાર એક શિંગડાવાળા ગેંડાની સાઇટિંગ માટે જાણીતો હતો. એ સમયના ભારતના વાઇસરૉય લૉર્ડ કર્ઝન કૅન્ડલસ્ટનની પત્ની મૅરી કર્ઝનને ઘણા પ્રયાસ છતાં એક પણ ગેંડો દેખાયો નહીં એથી ચિંતિત થઈને મૅરી કર્ઝને પતિને આ જગ્યાને સંરક્ષિત વિસ્તારનું સ્ટેટસ અપાવવા ત્વરિત પગલાં લેવા માટે મનાવ્યા હતા. ૧૯૦૫થી આ જગ્યાના સંરક્ષણની શરૂઆત થઈ હતી અને ૧૯૮૫માં યુનેસ્કોએ કાઝીરંગા નૅશનલ પાર્કને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ કર્યું હતું. 

કાઝીરંગાને સંરક્ષિત વિસ્તાર બનાવવા પાછળ રસપ્રદ ઇતિહાસ છે. આ વિસ્તારના સંરક્ષણના પ્રયત્નની નોંધ ૧૯૦૪માં મળે છે. એ સમયના ભારતના વાઇસરૉય લૉર્ડ કર્ઝન કૅન્ડલસ્ટનની પત્ની મૅરી કર્ઝનને આ વિસ્તારમાં એક શિંગડાવાળો ગેંડો ઘણા પ્રયાસ પછી પણ નહોતો દેખાયો. તો ચિંતાની વાત એ હતી કે આ જગ્યા ગેંડા માટે જાણીતી હતી છતાં એ ન દેખાયો. એથી ચિંતિત થઈને મૅરી કર્ઝને તેના પતિને આ જગ્યાને સંરક્ષિત વિસ્તારનું સ્ટેટસ અપાવવા ત્વરિત પગલાં લેવા માટે મનાવ્યા. એથી ૧૯૦૫માં ૨૩૨ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારને સંરક્ષિત ફૉરેસ્ટ જાહેર કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો. યુનેસ્કો દ્વારા ૧૯૮૫માં કાઝીરંગા નૅશનલ પાર્કને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવ્યો.

આ તસવીરમાં બારસિંગા હરણનું ટોળું છે. આ પાર્કને બિગ ફાઇવ તરીકે પણ ઓળખવામાં આવે છે. બિગ ફાઇવ એટલા માટે કે ગેંડો, વાઇલ્ડ બફેલો, બારસિંગા (હરણ), હાથી અને વાઘ મળી કુલ પાંચ પ્રાણીઓ એકસાથે જોવા મળે એવો પાર્ક છે.

આજે અહીં ગેંડાની વસ્તી લાખોની સંખ્યામાં છે. ગેંડાનો શિકાર કોઈ બીજું પ્રાણી નથી કરી શકતું, આ પ્રાણી પૂર જેવી કુદરતી આફત કાં તો માનવો દ્વારા ગેરકાયદે થતા શિકારને કારણે જ મરે છે. આ એક શિંગડાવાળા ગેંડાને જોવા વિશ્વભરમાંથી લોકો આસામ આવે છે. જે રીતે સિંહ ગુજરાતની શાન છે એ રીતે ગેંડો આસામની શાન છે. એટલું જ નહીં, આ પાર્કમાં ‘બિગ ફાઇવ’ જોવા મળે છે એટલે કે ગેંડો, વાઇલ્ડ બફેલો, બારસિંગા (હરણ), હાથી અને વાઘ મળી કુલ પાંચ પ્રાણીઓ એકસાથે જોવા મળે એવું આ પાર્ક છે.

ભારતમાં માનસ નૅશનલ પાર્ક છે અને ભુતાનમાં રૉયલ માનસ નૅશનલ પાર્ક છે

૧૮૬૫ના દુઆર યુદ્ધ સુધી માનસ નૅશનલ પાર્ક ભુતાન રાજ્ય હેઠળ હતો. ત્યાર બાદ બ્રિટિશ ઇન્ડિયાનો ભાગ બન્યો. એથી ભારતમાં માનસ નૅશનલ પાર્ક અને ભુતાનમાં રૉયલ માનસ નૅશનલ પાર્ક છે.

માનસ નદી નૅશનલ પાર્ક વચ્ચેથી પસાર થતી હોવાથી માનસ નૅશનલ પાર્ક નામ મળ્યું છે. રસપ્રદ વાત એમ છે કે ૧૮૬૫ના દુઆરના યુદ્ધ સુધી આ પાર્ક ભુતાન રાજ્ય હેઠળ હતો. ત્યાર બાદ બ્રિટિશ ઇન્ડિયાનો ભાગ બન્યું એથી ભારતમાં માનસ નૅશનલ પાર્ક છે અને ભુતાનમાં રૉયલ માનસ નૅશનલ પાર્ક છે. માનસ નૅશનલ પાર્ક આસામ રુફ્ડ ટર્ટલ, હિસ્પિડ હેર, ગોલ્ડન લંગૂર અને પિગ્મી હૉગ માટે જાણીતું છે.

લુપ્ત થવાના આરે આવેલા પક્ષી બૅન્ગૉલ ફ્લોરિકનની સંખ્યા બહુ ઓછી છે. એટલી ઓછી છે કે એ ભાગ્યે દેખાઈ જાય તો ન્યુઝ બની જાય. આ પક્ષીની સૌથી વધારે માત્રા માનસ નૅશનલ પાર્કમાં જોવા મળે છે.

આ બધાં પ્રાણીઓ જે ક્રિટિકલી એન્ડેન્જર્ડ એટલે કે નાશ થવાના આરે છે એનું સ્વર્ગ છે. પિગ્મી હૉગ ભૂંડની એક પ્રજાતિ છે જે વિશ્વમાં માત્ર અહીં જોવા મળે છે. એ સિવાય લુપ્ત થવાના આરે આવેલા પક્ષી બેન્ગૉલ ફ્લોરિકનની સૌથી વધારે સંખ્યા પણ માત્ર આ જ નૅશનલ પાર્કમાં જોવા મળે છે. આ પક્ષીની સાઇટિંગ એટલી રૅર છે કે જો એક પણ દેખાય તો મોટા ન્યુઝ બની જાય. આ પાર્ક અસાધારણ બાયોડાયવર્સિટી અને રમણીય લૅન્ડસ્કેપ માટે જાણીતું છે. ૧૯૮૫માં યુનેસ્કોએ કાઝીરંગા સાથે માનસ નૅશનલ પાર્કને  પણ હેરિટેજ સાઇટમાં સામેલ કરી દીધું હતું.

મોઇદામ કે આસામના પિરામિડ - નામ જ નવાઈ પમાડે છે

ગયા વર્ષે ચરાઈદેવ સ્થિત આસામના પિરામિડ કે મોઇદામને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું. અહોમ સંસ્કૃતિ પ્રમાણે મૃત્યુ બાદ રાજ પરિવારના લોકોને મૃત્યુ બાદ મૂલ્યવાન જરૂરી વસ્તુઓ સાથે દફન કરવામાં આવતા હતા. ૧૮મી સદી બાદ અહોમ સામ્રાજ્યના લોકોએ હિન્દુઓની અગ્નિસંસ્કાર પદ્ધતિ અપનાવી લીધી હતી.

૨૦૨૪ની ૨૬ જુલાઈએ ચરાઈદેવ સ્થિત આસામના પિરામિડ કે મોઇદામને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આસામના પિરામિડ શું છે? તો એ સમયે ચરાઈદેવ અહોમ સામ્રાજ્યની રાજધાની હતી. એની સંસ્કૃતિ પ્રમાણે મૃત્યુ બાદ રાજ પરિવારના લોકોને અગ્નિદાહ નહોતો અપાતો, તેમને દફનાવવામાં આવતા હતા. આ દફનવિધિ ઇજિપ્શિયન સંસ્કૃતિને મળતી આવે છે. મૃત્યુ બાદ વ્યક્તિ સાથે તેમની જરૂરી વસ્તુઓને પણ દફનાવવામાં આવતી. આ મોઇદામનું નિર્માણ ૧૩થી ૧૮મી સદીમાં થયું હતું. અહોમ સમુદાયના પિરામિડ પથ્થરના નહીં પરંતુ ઘાસના પહાડની જેમ બનાવવામાં આવે છે. એ કબરોની ઉપર ફૂલોની ડિઝાઇન પણ બનાવવામાં આવી છે જે એ સમયના કારીગરોની સર્જનાત્મક કળા દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે આજે પણ આ મોઇદામની નીચે મૂલ્યવાન વસ્તુઓ અને તેમના પૂર્વજોના અવશેષો સચવાયેલા છે. ૧૮મી સદી બાદ અહોમ સામ્રાજ્યના લોકોએ હિન્દુઓની અગ્નિસંસ્કાર પદ્ધતિને અપનાવી લીધી એટલે આજે મોઇદામ ઇતિહાસ અને સંસ્કૃતિનો ભાગ બની ગયું છે. આપણે મોઇદામને ગર્વથી ભારતના એકમાત્ર પિરામિડ કહી શકીએ.

માજુલી રિવર આઇલૅન્ડ વિશે જાણો

માજુલી આઇલૅન્ડ વિશ્વના મોટા રિવર આઇલૅન્ડ કે એમાંનો એક માનવામાં આવે છે. આ ટાપુના યુનિક ભૌગોલિક સ્થાન અને અતિ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને કારણે માજુલી આઇલૅન્ડનું નામ પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજના ટેન્ટેટિવ લિસ્ટમાં છે. હાલમાં આ ટાપુ પર નાના-મોટા મળીને ૨૪૩ ગામના અંદાજે ૧,૬૭,૦૦૦ લોકો રહે છે.

માજુલી આઇલૅન્ડને વિશ્વના મોટા રિવર આઇલૅન્ડમાંનો એક માનવામાં આવે છે. ભૂગોળ-વિજ્ઞાનની વ્યાખ્યા પ્રમાણે ટાપુ એટલે એ સાગર કે મહાસાગરની વચ્ચે હોય. રિવર આઇલૅન્ડ અસામાન્ય શબ્દ એટલા છે કે મોટી નદીઓની વચ્ચે જગ્યા તો હોય છે પરંતુ ત્યાં લોકો વસવાટ ન કરતા હોય. આસામનો માજુલી આઇલૅન્ડ બ્રહ્મપુત્ર નદીની વચ્ચે ૧૨૫૦ વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે તેમ જ આ ટાપુ આસામની સાંસ્કૃતિક રાજધાની તરીકે જાણીતો છે. હાલમાં આ ટાપુ પર નાના-મોટા મળીને ૨૪૩ ગામના અંદાજે ૧,૬૭,૦૦૦ લોકો રહે છે. એટલે લોકો અને સંસ્કૃતિથી ધમધમતા આ ટાપુ વિશે એવી આગાહી કરવામાં આવે છે કે બ્રહ્મપુત્ર નદીના પાણીમાં ટાપુની જમીન ધોવાતી જાય છે એથી એવો પણ ડર છે કે ભવિષ્યમાં આ ટાપુ પાણીમાં ગરકાવ થઈ જશે, પરંતુ આ ટાપુના યુનિક ભૌગોલિક સ્થાન અને અતિ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને કારણે માજુલી આઇલૅન્ડનું નામ પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજના ટેન્ટેટિવ લિસ્ટમાં છે. સમયની વાત છે કે માજુલી આઇલૅન્ડ અદૃશ્ય થઈ જશે કે વિશ્વમાં આસામના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યુનેસ્કોની યાદીમાં સામેલ થઈ જશે.

બિહૂ તહેવાર 

આસામમાં ત્રણ પ્રકારનાં બિહૂ ઊજવાય છે જેમાં રોંગાલી સૌથી મહત્ત્વનો છે, કારણ કે એ વાવણીનો તહેવાર માનવામાં આવે છે. સાથે જ આસામી લોકોનું નવું વર્ષ છે. લોકો પારંપરિક વસ્ત્રોમાં નૃત્ય કરીને વિવિધ વાનગીઓ બનાવીને ઉજાણી કરે છે.

બિહૂ એ માત્ર નૃત્ય નથી, પરંતુ આસામની બહુ મોટી સંસ્કૃતિનો ભાગ છે. લોકવાયકા મુજબ બોર્ડોઇસિલા ધરતીમાતાની પુત્રી હતી. તેણે દૂરના વરરાજા સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષમાં એક વાર બોર્ડોઇસિલા તેના પિયર આવે છે એટલે બિહૂની શરૂઆત સૂચવે છે અને થોડા દિવસ પછી નીકળી જાય જે બિહૂનો અંત સૂચવે છે. એટલે જ્યારે જોરદાર પવન ફૂંકાય તો એ બિહૂ આવવાના ચિહ્‍ન છે અને વિદાય પછી ફરી એક જોરદાર તોફાન થાય છે. બોર્ડોઇસિલાનો અર્થ તોફાની છોકરી એવો થાય છે. આસામમાં બિહૂનું ખૂબ મહત્ત્વ છે અને તેમનો સૌથી મોટો તહેવાર છે. આસામમાં ત્રણ પ્રકારનાં બિહૂ ઊજવાય છે. રોંગાલી અથવા બોહાગ બિહૂ એપ્રિલમાં મનાવવામાં આવે છે. કોંગાલી અથવા કટી બિહૂ ઑક્ટોબર અથવા નવેમ્બરમાં જોવા મળે છે અને ભોગાલી અથવા માઘ બિહૂ જાન્યુઆરીમાં મનાવવામાં આવે છે.

ત્રણેય બિહૂના તહેવાર ખેતીના પાક સાથે જોડાયેલા છે. એમાં રોંગાલી સૌથી મહત્ત્વનો છે, કારણ કે એ વાવણીનો તહેવાર માનવામાં આવે છે.  સાથે જ આસામી લોકોનું નવું વર્ષ છે. કટી બિહૂ એ પાક સંરક્ષણ તેમ જ છોડ અને પાકની પૂજા સાથે સંકળાયેલું છે, જ્યારે માઘ બિહૂ એટલે લણણીનો તહેવાર. સાદી ભાષામાં નવા પાકની સીઝન શરૂ થાય છે. લોકો પારંપરિક વસ્ત્રોમાં નૃત્ય કરીને વિવિધ વાનગીઓ બનાવીને ઉજાણી કરે છે. આસામી ભોજનમાં મુખ્યત્વે નૉન-વેજ વાનગીઓ પ્રખ્યાત છે.

બ્રિટિશ ઇન્ડિયા કંપનીએ વાવ્યો હતો ચાનો છોડ

૧૯મી સદીની શરૂઆતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માર્ગદર્શન હેઠળ આસામમાં ચાબુઆ વિસ્તારમાં ચાનો પહેલો છોડ વાવવામાં આવ્યો હતો. આ રીતે ભારતમાં ચાની ખેતી શરૂ થઈ હતી. આજે ચાની ખેતી આસામની ઓળખ છે.

ચાની જાહેરાતમાં પણ ચાના બગીચાનું પિક્ચર મનને પ્રફુલ્લિત કરી દેતું હોય છે. જ્યારે વેકેશન પર જઈએ ત્યારે જો એ સ્થળે ચાના બગીચા હોય તો ત્યાં જવાનું નક્કી જ હોય. આસામ એવું રાજ્ય છે જ્યાં ભારતની સૌથી વધારે ચાનું ઉત્પાદન થાય છે. ૧૯મી સદીની શરૂઆતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માર્ગદર્શન હેઠળ આસામમાં ચાબુઆ વિસ્તારમાં ચાનો પહેલો છોડ વાવવામાં આવ્યો હતો. આ રીતે ભારતમાં ચાની ખેતી શરૂ થઈ હતી. આજે ચાની ખેતી આસામની સંસ્કૃતિ અને અર્થતંત્રનું અભિન્ન અંગ બની ગઈ છે. આસામ અંદાજે ભારતના કુલ ચાના ઉત્પાદનમાં બાવન ટકા ફાળો આપે છે. આસામના ચાના બગીચા માણવા હોય તો દિબ્રુગઢ શહેર સૌથી ઉત્તમ છે. અહીં અંદાજે ૧૪૪ જેટલા ચાના બગીચા છે. એથી કોઈ પણ બાજુ ઊભા રહીને ફોટો ક્લિક કરો તો બૅકગ્રાઉન્ડ હરિયાળું જ આવશે.

આસામનું નાનું સુઆલકુચી વિશ્વનું સૌથી વધુ સિલ્ક ઉત્પાદન કરતું શહેર છે

આસામનું નાનકડું સુઆલકુચી વિશ્વનું સૌથી વધારે સિલ્ક ઉત્પાદન કરવા માટે જાણીતું છે. આ ગામ એક્સ્પીરિયન્શિયલ ટૂરિઝમ એટલે અનુભવ કરી શકો એવો પ્રવાસનો ભાગ છે. સાદી ભાષામાં કહીએ તો પ્રવાસીઓ અહીં આવીને સ્થાનિક લોકો પાસેથી સિલ્કનું વણાટકામ શીખી શકે છે.

આસામ મુગા સિલ્ક, વાઇટ પટ સિલ્ક અને ઇરી સિલ્કના ઉત્પાદન માટે જાણીતું છે. એમાં પણ આસામનું નાનકડું સુઆલકુચી વિશ્વમાં સૌથી વધારે સિલ્ક ઉત્પાદન માટે જાણીતું છે. આસામના સૌથી જાણીતા મુગા સિલ્કની શરૂઆત અહોમ સામ્રાજ્યથી થઈ હોવાનું માનવામાં આવે છે. અહોમ શાસકોએ સિલ્કના વણાટકામને પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ તેમના ભંડારમાં આ ફૅબ્રિક સાચવી રાખતા હતા અને વિદેશી દરબારમાં કે મહેમાનોને બતાવતા હતા. ફૅબ્રિકની માગને કારણે અહીંના લોકો વણાટકામને વધુ ને વધુ ચીવટથી કરવા માંડ્યા હતા જેને કારણે ફૅબ્રિકમાં પર્ફેક્શન આવવા માંડ્યું. મહિલાઓ અને પુરુષો બન્ને સિલ્કના વીવિંગમાં હોય છે. ૨૦મી સદીની શરૂઆતમાં આસામની મુલાકાતમાં ગાંધીજીએ વણાટકામમાં ઓતપ્રોત મહિલાઓને સ્વદેશી ચળવળમાં સાથ આપવા માટે કહ્યું હતું અને તેમની કલાનાં વખાણ કર્યાં હતાં.

ગયા વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ નૅશનલ અવૉર્ડ પુરસ્કૃત આસામની અભિનેત્રી ઍમી બરુઆએ આસામી મુગા સિલ્કની સાડી સાથે પારંપરિક ગામોસા હાથમાં રાખ્યું હતું. 

સુઆલકુચી ગામની વાત કરીએ તો અહીં મોટા ભાગના હૅન્ડલૂમ પારિવારિક છે. આજે આ ગામ એક્સ્પીરિયન્શિયલ ટૂરિઝમ એટલે અનુભવ કરી શકો એવા પ્રવાસનો ભાગ છે. સાદી ભાષામાં કહીએ તો પ્રવાસીઓ અહીં આવીને સ્થાનિક લોકો પાસેથી સિલ્ક વણાટકામ શીખી શકે છે. આસામના સિલ્ક સિવાય ‘ગામોસા’ને પારંપરિક માનવામાં આવે છે અને એ આસામના પોશાકની ઓળખ છે.  ગામોસાને લોકો ગમછા પણ કહે છે. જોકે આસામના ગામોસાને ૨૦૨૨માં જ્યૉગ્રાફિકલ આઇડેન્ટિફિકેશન (GI)નો ટૅગ આપવામાં આવ્યો છે. આ ટૅગ મુખ્યત્વે ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાંથી ઉત્પન્ન થતી કૃષિપેદાશો, કુદરતી અથવા કૃત્રિમ ઉત્પાદન, હસ્તકલા અને ઔદ્યોગિક માલસામાન માટે આપવામાં આવે છે. સફેદ કે મરૂન બૉર્ડર ધરાવતું સફેદ કૉટનનું આ કપડું ગળામાં પહેરવામાં આવે છે. ગયા વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ નૅશનલ અવૉર્ડ પુરસ્કૃત આસામની અભિનેત્રી ઍમી બરુઆએ આસામી મુગા સિલ્કની સાડી સાથે પારંપરિક ગમછા હાથમાં રાખ્યો હતો. પોતાની સંસ્કૃતિના ગૌરવને વ્યક્ત કરવા માટે આ સ્ટાઇલમાં પોઝ આપીને તેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

assam culture news life and style gujarati mid-day columnists unesco environment wildlife religious places