જેમના હૈયે હિત છે તેમના તરફથી અનુશાસન અનુગ્રહનો જ એક પ્રકાર છે

17 December, 2024 04:02 PM IST  |  Mumbai | Jainacharya shree Udayvallabhasuri

પ્રાણીસૃષ્ટિની જીવનશૈલીમાં કેટલીક વાર અદ્ભુત જીવનમૂલ્યો વહેતાં જોવા મળે છે. જિરાફ માત્ર પોતાની લાંબી ડોકને કારણે જાણીતું છે. એના જીવન-ઉછેર અંગેની એક હકીકત વર્તમાન સંદર્ભમાં ઘણી સૂચક છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રાણીસૃષ્ટિની જીવનશૈલીમાં કેટલીક વાર અદ્ભુત જીવનમૂલ્યો વહેતાં જોવા મળે છે. જિરાફ માત્ર પોતાની લાંબી ડોકને કારણે જાણીતું છે. એના જીવન-ઉછેર અંગેની એક હકીકત વર્તમાન સંદર્ભમાં ઘણી સૂચક છે.

માદા જિરાફ જ્યારે બચ્ચાને જન્મ આપે છે ત્યારે બચ્ચું પ્રસવ પામીને ખાસ્સી ઊંચાઈએથી સીધું જ જમીન પર પડે છે. આ ક્ષણથી જ એના ઉછેર અને તાલીમ અંગેનાં કડક સત્રો ચાલુ થઈ જાય છે. થોડી મિનિટોમાં બચ્ચું નાના-નાના કૂદકા મારતું, જમીન પર ઢસડાતું અને ચાલતું થઈ જાય ત્યારે જિરાફ એ બચ્ચાની બરાબર પાછળ પોઝિશન લે છે. એ પોતાના આગલા પગથી બચ્ચાને કમર નીચે એક હળવી કિક મારે છે. બચ્ચું ઊભું ન થાય તો બે-ચાર-પાંચ વાર કિક મારે. ક્યારેક જરૂર લાગે તો જોરથી પણ પ્રહાર કરે. છેવટે બચ્ચું પોતાના પગ પર ઊભું થાય અને થોડું ચાલે. પાછું બેસી જાય તો ફરી આ જ ટ્રીટમેન્ટ થાય.

આ મારપીટ નથી પણ કેળવણીનો એક અગત્યનો મુદ્દો છે. જંગલમાં અનેક જનાવરો અને જોખમો વચ્ચે જેણે જીવન વિતાવવાનું હોય એને પગભર બનાવીને સેલ્ફ-પ્રોટેક્ટેડ બનાવવું જરૂરી છે. બચ્ચાને લાત પડે એ એને નહીં જ ગમતું હોય, પણ એના ગમા-અણગમાની કોઈ ચિંતા કર્યા વગર માતા બાળ-સંસ્કરણનો આ પ્રયોગ ચાલુ રાખે છે. બચ્ચું કદાચ નાછૂટકે આ સ્વીકારતું હશે. છતાં એનાં મીઠા ફળ એ જરૂર પામે છે. અનુશાસન એ ઉછેર અને પ્રગતિનું એક અગત્યનું પરિબળ છે.

વર્તમાન સમયમાં કાયદાકીય દૃષ્ટિએ વ્યક્તિગત સ્વાતંત્ર્યના નામે સંતાનને બાળપણથી વધુ પડતી છૂટ મળી રહે છે તો બીજી તરફ બાળકને વધુ પડતાં લાડ લડાવવાં પણ એટલું જ જોખમી બની શકે છે. બાળકોને અનુશાસન ખપતું ન હોય તો એ પણ સેલ્ફ ગોલ સાબિત થઈ શકે છે.

મોબાઇલના વધુ પડતા વપરાશ અંગે, મોડી રાત સુધીની રખડપટ્ટી, બેફામ ખર્ચ, સટ્ટાખોરી, નશાખોરી જેવાં દૂષણો સામે મા-બાપ ચિંતિત હોવા છતાં કડકાઈ રાખી ન શકે એ આજની કડવી અને નરી વાસ્તવિકતા છે. દીકરીને બહાર જવાની કે પર્સનલ મોબાઇલ આપવા માટે આનાકાની કરનારાં મા-બાપ એક કૉમન પ્રશ્ન ફેસ કરે છે, ‘ભયલુને બધી છૂટ મળે તો મને કેમ નહીં?’ એક રીતે વાત સાચી પણ છે. છતાં અહીં એવો વિવેક પણ જરૂરી છે કે કાળજીથી થતા સૂચનને કાયદાની દૃષ્ટિએ મૂલવવું ન જોઈએ. જેમના હૈયે આપણું હિત વસ્યું છે તેમના તરફથી અનુશાસન એટલે અનુગ્રહનો જ એક પ્રકાર છે.

કોઈ પણ પ્રકારની સુરક્ષાવ્યવસ્થા છેવટે બંધનરૂપ રહેવાની. છતાં એનો સ્વીકાર જેમ કરાય છે એમ અનુશાસનને સંસ્કરણના અંગ તરીકે મૂલવવું જોઈએ. જીવનમૂલ્યનો વીમો ઉતારવા ઇચ્છનારે અનુશાસનનું પ્રીમિયમ ભરવું જ પડે.

wildlife culture news life and style columnists mumbai gujarati mid-day