23 November, 2023 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભગવાન વિષ્ણુની ફાઈલ તસ્વીર
દેવઊઠી એકાદશી (Dev Uthani Ekadashi 2023) દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવતી હોય છે. આ વર્ષે દેવઊઠી એકાદશી 23 નવેમ્બરે ઉજવવામાં આવશે. દેવઊઠી એકાદશી (Dev Uthani Ekadashi 2023)ને દેવ પ્રબોધિની એકાદશી અથવા દેવ ઉત્થાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુ તેમની ચાર મહિનાની યોગ નિંદ્રામાંથી જાગે છે, તેથી આ દિવસે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે.
ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ એકાદશી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જે પણ ભક્ત ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પૂજા સિવાય કેટલાક વિશેષ ઉપાય કરે છે, તેના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. તેની સાથે જ આર્થિક લાભની શક્યતાઓ પણ રહેલી છે, ચાલો, જાણીએ દેવઊઠી એકાદશીના ઉપાયો કે શું કરવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
દેવઊઠી એકાદશીનું શુભ મુહૂર્ત
હિંદુ કેલેન્ડર મુજબ કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી 22 નવેમ્બરે રાત્રે 9:12 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે 23 નવેમ્બરે રાત્રે 11:03 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં ઉદયા તિથિના આધારે દેવઊઠી એકાદશી 23 નવેમ્બરે છે.
પૂજાનો સમય સવારે 06:50થી 08:09 સુધી છે. આ દરમિયાન પૂજા કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકાય છે. આ સાથે જ રાત્રિ દરમિયાન પૂજાનો સમય સાંજે 05:25થી 08:46 સુધીનો છે. આ સાથે જ આ સમયે પારણા કરવા માટે 24મી નવેમ્બરના રોજ સવારે 06:51થી 08:57 વચ્ચે ગમે ત્યારે કરી શકાય છે.
હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે દેવઊઠી એકાદશી (Dev Uthani Ekadashi 2023) પર ઘણા બધા શુભ યોગ બની રહ્યા છે. દેવઊઠી એકાદશી પર રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ, સિદ્ધિ અને અમૃત સિદ્ધિ જેવા યોગનો સંયોગ થાય રહ્યો છે. તમને જણાવી દઈએ કે સિદ્ધિ યોગ સવારે 9.05 વાગ્યા સુધી છે. આ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ સૂર્યોદયથી સાંજના 4.01 વાગ્યા સુધી અને અમૃત સિદ્ધિ યોગ સવારે 6.50થી સાંજના 4.01 વાગ્યા સુધી છે. આ સિવાય રવિ યોગ સવારે 6.50થી સાંજે 5.16 સુધી છે.
કઈ રીતે તુલસીની પૂજા કરશો?
આ સાથે જ આજે તુલસી વિવાહનો પણ અવસર છે. દેવઊઠી એકાદશી (Dev Uthani Ekadashi 2023)ને દિવસે તુલસીની આસપાસ સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. આ સાથે જ તુલસીના છોડ પાસે શાલિગ્રામની સ્થાપના પણ કરવામાં આવે છે. આ દિવસે તુલસી અને શાલિગ્રામ બંનેને જળ અર્પણ કરવામાં આવે છે. તુલસી વિવાહ નિમિત્તે પૂજા માટે હળદર, દૂધ, કંકુ, ચોખા, ભોગ, ચુનરી વગેરેને ઉપયોગ કરવામાં આવે છે. તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવામાં આવે છે. તેમ જ કપૂર સળગાવીને આરતી પણ ઉતારવામાં આવે છે. આ રીતે તુલસી દેવીની પ્રાર્થના કરવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.