15 November, 2024 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આપણામાંના મોટા ભાગના લોકો કર્મ કરે છે અને ભૂલી જાય છે, પરંતુ વિધિનાં વિધાન આપણા કરેલાં કર્મને ક્યારેય ભૂલતાં નથી અને સમયસર એ ચોક્કસપણે ફળ આપે જ છે. કોઈ વ્યક્તિ કેટલો પણ મહાન કે તુચ્છ કેમ ન હોય, પરંતુ કરેલાં કર્મોનાં ફળ તો દરેકે ભોગવવાં જ પડે છે. કર્મ અને એનાં ફળ પાકવાની વચ્ચેના સમયમાં ઘણા પ્રકારનાં પરિવર્તન આવે છે જે આપણા મન, વાણી અને કર્મ પર આધારિત હોય છે. સમજો કે આપણે બૅન્કમાં અમુક પૈસા ૧૦ વર્ષ માટે જમા કરાવ્યા જે બમણા થઈને મળશે, પરંતુ ૧૦ વર્ષના એ સમયગાળા દરમ્યાન આપણે એ પૈસા પર લોન પણ લઈ શકીએ છીએ અથવા તો અધવચ્ચેથી એ રકમ બૅન્કમાંથી ઉપાડી પણ શકીએ છીએ. આપણા પુરુષાર્થમાં પણ એવી શક્તિ છે કે આપણે પૂર્વમાં કરેલાં કર્મોનું ફળ સામે આવવા સુધીના સમયકાળમાં, એનાથી પ્રાપ્ત થનારાં દુઃખ કે સુખને વધારવા અથવા ઘટાડવાનાં પગલાં લઈ શકીએ છીએ, પરંતુ એને માટે આપણે કર્મના ફળમાં વધ-ઘટ કે પરિવર્તન કેવી રીતે થાય છે એ સમજવું જરૂરી છે.
માની લો કે આપણે કોઈની મદદ કરીને પુણ્યનું એક કાર્ય કર્યું, જેનું ફળ આપણને અમુક વર્ષો બાદ મળશે, પરંતુ જો એ દરમ્યાન લોકો દ્વારા કરેલી મહિમાને કારણે આપણને અભિમાન આવી જાય તો પછી એ કરેલા પુણ્યનું બીજ નબળું થઈ જાય છે અને એના પરિણામે જે પુણ્યનું ફળ આપણને અમુક વર્ષો બાદ અનેકગણું થઈને મળવું જોઈએ એ ઘણું ઓછું થઈને મળે છે. કર્મ પાક્યા બાદ આપણું વર્તન કેવું હોય છે એનું પણ ખૂબ મહત્ત્વ છે. કારણ કે કર્મનું ફળ સામે આવ્યા બાદ જો આપણે એના દ્વારા પ્રાપ્ત સુખ કે દુઃખમાં પોતાના મનને લિપ્ત કરી દઈએ છીએ તો એના પુનરાવર્તનની સંભાવના વધી જાય છે. દાખલા તરીકે જો કર્મનાં ફળથી સુખ પ્રાપ્ત થયું અને આપણે એની અંદર એટલા ઉન્મત્ત બની જઈએ કે લોક, પરલોક, કર્તવ્ય, અકર્તવ્ય એ બધું ભૂલી જઈએ તો આપણા વિચારો પણ તમોગુણી બની જાય. તો એ સુખ તરત જ દુઃખમાં પરિવર્તિત થઈ જાય છે. એવી જ રીતે દુઃખની પરિસ્થિતિમાં જો આપણે અધીરા થઈને એને ટાળવા માટે આસુરી અવગુણોનો સહારો લેવા માંડીશું, પોતાનાં કર્મોનાં ફળનો દોષ બીજાને માથે નાખીને નવા નવા વેર બાંધવા માંડીશું, અહંકારનું પ્રદર્શન કરીશું તો કર્મફળ પ્રત્યેની આવી આસક્તિ પુનઃ બંધનનું કારણ બની શકે છે. માટે ઋષિ-મુનિઓએ કહ્યું છે કે નિંદા-સ્તુતિ, હાનિ-લાભ, દુઃખ-સુખમાં મનની સ્થિતિ અચલ અને સ્થિર રાખો. કોઈ પણ સંજોગોમાં તટસ્થ રહેશો તો દુઃખ આવીને ચાલી જશે, ફરી આવશે નહીં, પણ જો એને મહેમાન બનાવશો તો પછી એ વારંવાર આવ્યા કરશે અને હેરાન કર્યા કરશે.
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી