21 December, 2024 05:01 PM IST | Mumbai | Kajal Rampariya
મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર પથ્થરમાંથી કોતરણી કરીને બનાવાયું છે. દ્રાવિડિયન શૈલીના ગોપુરમમાં વિષ્ણુ ભગવાનના અવતાર અને તેમની લીલા જોઈ શકાય છે.
આંધ્ર પ્રદેશમાં સ્થાપિત થયેલા તિરુપતિ બાલાજીનો મહિમા ફક્ત દક્ષિણ ભારત જ નહીં પણ સમગ્ર દેશ-વિદેશમાં છે. જોકે તળ મુંબઈના ચર્ની રોડ વિસ્તારમાં આવેલી ફણસવાડીમાં ભગવાન વિષ્ણુના અવતાર બાલાજી ભગવાનનું ભવ્ય મંદિર આવેલું છે. મંદિરને જોતાં જ એવું લાગે જાણે આપણે તામિલનાડુમાં પહોંચી ગયા હોઈએ. મુંબઈના છોટા તિરુપતિના નામે પ્રસિદ્ધ બાલાજી મંદિરની ખાસિયત અને ઇતિહાસ પણ રસપ્રદ છે
આંધ્ર પ્રદેશમાં સ્થિત જગપ્રસિદ્ધ તિરુપતિ બાલાજીની ખ્યાતિ અને મહિમા ફક્ત દક્ષિણ ભારત સુધી સીમિત નથી. પશ્ચિમ અને ઉત્તર ભારતના લોકોની પણ આસ્થા બાલાજી ભગવાન સાથે જોડાયેલી છે. મુંબઈમાં પણ બાલાજી ભગવાનનું સાઉથ ઇન્ડિયન વાઇબ આપતું મંદિર છે. તળ મુંબઈના ચર્ની રોડ ખાતે આવેલા ફણસવાડી વિસ્તારના બાલાજી મંદિરમાં જશો તો તમને એવી પ્રતીતિ થશે જાણે તમે પળવારમાં તામિલ સંસ્કૃતિમાં પહોંચી ગયા હો. ભલે આ મંદિર છોટા તિરુપતિ બાલાજી તરીકે ઓળખાતું હોય, પણ અહીં તમને ચોમેર તામિલ સંસ્કૃતિ દૃશ્યમાન થશે. ૯૭ વર્ષ જૂના મંદિરની સ્થાપના અને એના રોચક ઇતિહાસ વિશે ઘણી બાબતો જાણવા જેવી છે.
મંદિર વિશે જાણવા જેવું
મુખ્ય મંદિરમાં ગર્ભગૃહમાં શ્રી વેન્કટેશ્વર બાલાજી ભગવાનની વિશાળ મૂર્તિની સાથે શ્રીદેવી અને ભૂદેવીની મૂર્તિની પણ પૂજા થાય છે. શ્રીદેવી લક્ષ્મી માતાનું સ્વરૂપ છે ત્યારે ભૂદેવી ધરતી માતા છે. મંદિરના પૂજારીએ જણાવ્યા અનુસાર બાલાજી ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા માટે કાંચીપુરમના વિષ્ણુ ભગવાનનું એક સ્વરૂપ ગણાતા યથોત્કારી ભગવાનના મંદિરમાંથી નાની મૂર્તિ અહીં લાવવી આવશ્યક હતી. તેથી કાંચીપુરમથી વાજતે ગાજતે ભગવાનની મૂર્તિ અહીં લાવવામાં આવી ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન થઈ હતી. ગર્ભગૃહમાં પૂજારી સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. ગર્ભગૃહની બહાર એક બાજુ કૃષ્ણ ભગવાન સાથે તેમનાં પહેલાં પત્ની રુક્ષ્મણિ અને ત્રીજાં પત્ની સત્યભામાની છબીની પૂજા થાય છે. કૃષ્ણ ભગવાનની સત્યભામા સાથે પૂજા થતી હોય એવું મુંબઈનું આ એકમાત્ર મંદિર હોવાનું માનવામાં આવે છે. બીજી બાજુ શ્રીરામ, લક્ષમણ અને જાનકી સહિત હનુમાનજીની તસવીર લગાવવામાં આવી છે.
મુખ્ય મંદિર ઉપરાંત અહીં ત્રણ નાનાં મંદિર પણ બનાવવામાં આવ્યાં છે. મંદિરમાં પ્રવેશતાંની સાથે ડાબી બાજુમાં રંગનાથ સ્વામી ભગવાનનું મંદિર છે. ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવતા રંગનાથ સ્વામીની તેમનાં પત્ની શ્રીદેવી અને ભૂદેવી સાથે પૂજા કરવામાં આવે છે. આ સાથે અહીં ભગવાન બાલાજીનાં પત્ની પદ્માવતીદેવીનું પણ નાનું મંદિર છે. આ મંદિરમાં પદ્માવતીદેવીની સાથે વિષ્ણુભક્ત અને દક્ષિણની મીરા કહેવાતાં ગોદાદેવીની પણ પૂજા થાય છે. મુખ્ય મંદિરની જમણી બાજુ વૈષ્ણવ સંપ્રદાયના પ્રચારક અને જગતગુરુ રામાનુજાચાર્યનું નાનું મંદિર બનાવવામાં આવ્યું છે. ભગવાનની સાથે તેમની પણ નિયમિતરૂપે પૂજા થાય છે. આખા મંદિરની પ્રહાર (પરિક્રમા) કરશો તો તમને સંગેમરમરના પથ્થરો પર અંકિત શ્રીમદ ભગવદ્ગીતાના શ્લોક શબ્દ અને ચિત્રરૂપે દેખાશે.
પારંપરિક રીતથી પૂજા
મંદિરમાં ખજાનચીનો પદભાર સંભાળતા વેન્કટેશ્વર પારીક મંદિરમાં ભગવાન બાલાજીની નિત્ય પૂજા વિશે જણાવે છે, ‘જ્યારે આ મંદિરની સ્થાપનાનો સંકલ્પ લેવાયો ત્યારે સ્વામી અનંતાચાર્યે એક પુસ્તક લખ્યું હતું એમાં તેમણે પૂજાના નિત્યક્રમ ઉપરાંત પ્રસાદમાં શું અને કેવી રીતે બનાવવું તથા ઉત્સવોની ઉજવણી કેવી રીતે કરવી એના વિશે વિગતવાર વિવરણ કર્યું હોવાથી આજ સુધી તેમના જણાવ્યા અનુસાર જ પૂજા થાય છે. આ ઉપરાંત કલ્યાણમ એટલે કે તામિલ રીતરિવાજથી થતાં લગ્ન પણ આ મંદિરમાં કરાવવામાં આવે છે. આ સાથે ભગવાનના કલ્યાણમને પણ ધામધૂમથી ઊજવાય છે. સવારે સાડાચાર વાગ્યે દક્ષિણ ભારતીય વાદ્ય નાદસ્વરમ (શરણાઈ) અને થવિલ (તબલાવાદ્ય) સાથે સ્નાન આરતી અને પૂજા થાય છે. નૈવેદ્યમ એટલે બપોરે ભગવાનને ભોગ ધરાવતી વખતે પણ આ પારંપરિક વાદ્ય વગાડવામાં આવે છે. ભોગ ધરાવાઈ જાય પછી ત્યાં હાજર ભક્તોને પણ જમાડવામાં આવે છે. નિત્ય પંચકાળ પૂજા સહિત આખા વર્ષમાં ચાલતા ઉત્સવ વૈષ્ણવ સંપ્રદાયની પંચરાત્ર અગમ પદ્ધતિ અનુસાર થાય છે.’
મંદિરમાં પ્રવેશ કર્યા બાદ સામે જ સ્વર્ણ ગરુડસ્તંભ કે ધ્વજસ્તંભ છે જે ભગવાન વિષ્ણુના વાહન ગરુડ દેવતાનું પ્રતીક માનવામાં આવે છે.
સાઉથ ઇન્ડિયન સ્ટ્રક્ચર
મંદિર જેટલું યુનિક છે એટલું જ યુનિક એનું સ્ટ્રક્ચર પણ છે. મંદિરના પ્રમુખ પ્રવેશદ્વારને ગોપુરમ કહેવાય છે. ૧૯૨૦માં આ મંદિરનો પાયો નાખવામાં આવ્યો હતો અને એને બનતાં સાત વર્ષનો સમય લાગ્યો. પથ્થરમાંથી કોતરણી કરીને બનાવવામાં આવેલાં મંદિરનાં પ્રવેશદ્વાર અને સ્તંભ દક્ષિણ ભારતીય સંસ્કૃતિને આગવી રીતે દર્શાવે છે. મંદિરના ગોપુરમને દ્રવિડિયન શૈલીથી બનાવવામાં આવ્યું છે. લાલ પથ્થરથી બનેલા આ ગોપુરમ પર ભગવાન વિષ્ણુનાં અલગ-અલગ અવતારો અને લીલાઓને દર્શાવવામાં આવ્યાં છે. એમાં ટોચ પર બાલાજી ભગવાનને લગાવાતા તિલકને પણ હાઇલાઇટ કરવામાં આવ્યું છે. મંદિરની અંદર પ્રવેશતાં જ એવું લાગશે જાણે આપણે તામિલનાડુના કોઈ મંદિરમાં આવી ગયા હોઈએ. મુખ્ય મંદિરની સામે સ્વર્ણ ધ્વજસ્તંભ (ગરુડસ્તંભ) સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સાથે ભગવાનની સન્મુખ વિષ્ણુ ભગવાનના વાહન ગરુડ દેવતા બિરાજમાન છે. મંદિરના સ્તંભને સંગેમરમરથી બનાવવામાં આવ્યા છે અને એમાં તામિલનાડુમાં વિષ્ણુ ભગવાને લીધેલા અવતારોને દર્શાવવામાં આવ્યા છે.
બ્રહ્મોત્સવ વિશે જાણવા જેવું
આખા વર્ષમાં સૌથી લાંબા ચાલતા બ્રહ્મોત્સવની અનોખી વિશેષતા છે. જેમ તિરુપતિ બાલાજી મંદિરમાં આ ઉત્સવની ઉજવણી થાય છે એ જ રીતે અહીં પણ ધામધૂમથી ઊજવાય છે. સપ્ટેમ્બર-ઑક્ટોબર મહિનામાં નવ દિવસ સુધી ચાલતા આ ઉત્સવનું નામ ભગવાન બ્રહ્માના નામ પરથી રાખવામાં આવ્યું છે. માન્યતા અનુસાર બ્રહ્મા ભગવાને આ ઉત્સવની શરૂઆત તિરુપતિ મંદિરમાં કરી હતી તેથી એને બ્રહ્મોત્સવમ એટલે કે બ્રહ્માનો તહેવાર કહેવામાં આવે છે. મંદિરમાં વર્ષ દરમિયાન ઊજવાતા તમામ તહેવારોમાંથી આ તહેવારને સૌથી પવિત્ર માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર બ્રહ્મા ભગવાને તિરુમાલાસ્થિત બાલાજી મંદિરની લગોલગ આવેલી પુષ્કારિણી નદીના કિનારે માનવજાતને બચાવવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતાં વેન્કટેશ્વર ભગવાનની પૂજા કરી હતી ત્યારથી આ ઉત્સવને ધામધૂમથી ઊજવવામાં આવે છે. એમાં વેન્કટેશ્વરની મૂર્તિને સવાર-સાંજ શેષનાગ અને ગરુડ જેવાં અલગ-અલગ વાહનો પર બેસાડીને શોભાયાત્રા કાઢવામાં આવે છે અને આ દરમિયાન સેંકડો શ્રદ્ધાળુઓ આશીર્વાદ લેવા આવે છે. તામિલ અને કન્નડા લોકો આ ઉત્સવને ‘વૈકુંઠ અનુભવ’ માને છે. આ ઉત્સવમાં દક્ષિણ ભારતના સાધુ-સંતો સહભાગી થાય છે અને આ સાથે ઉત્તર ભારતના વિદ્વાનો પણ અહીં આવીને વેદપાઠ કરે છે. ઉત્સવ પૂર્વે ભગવાન શ્રી વેન્કટેશ્વરના મંદિરની ધાર્મિક ગ્રંથોમાં આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર સફાઈ કરવામાં આવે છે. મંદિર પરિસરને ફૂલ અને આંબાનાં પાનથી શણગારવામાં આવે છે. આ પ્રક્રિયાને આલય શુદ્ધિ અને અલંકારમ (શણગાર) કહેવાય છે.
બ્રહ્મોત્સવ શરૂ થવાના એક દિવસ પહેલાં મૃતસંગ્રહણમ (માટી એકત્ર કરવાની પ્રક્રિયા) કરવામાં આવે છે. એમાં ૯ પ્રકારનાં અનાજ વાવવામાં આવે છે જે સમૃદ્ધિ, ફળદ્રુપતા અને વિપુલતાનું પ્રતીક ગણાય છે. મંદિરના અધિકારી વિશ્વકસેન, અનંત, સુદર્શન અને ગરુડ જેવા દેવતાઓની સાથે ભૂદેવીનું અનુષ્ઠાન થાય છે. બ્રહ્મોત્સવની શરૂઆત ધ્વજારોહણમ સાથે થાય છે. મંદિરના અધિકારીઓ પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગરુડની છબીવાળો ધ્વજ ફરકાવે છે. એવું કહેવાય છે કે બ્રહ્મા, ઇન્દ્ર, યમ, અગ્નિ, કુબેર અને વાયુદેવ જેવા દેવતાઓ તથા વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા ઋષિઓને આમંત્રણ આપવા માટે ગરુડ દેવલોકમાં જાય છે. શોભાયાત્રા દરમિયાન લાગેલા થાકને દૂર કરવા માટે ભગવાનને હર્બલ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. ઉત્સવના અંતિમ દિવસે ભગવાન બ્રહ્માનો આભાર માનવામાં આવે છે અને મંદિરના પૂજારીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવે છે. બ્રહ્મોત્સવના અંતિમ દિવસે સાંજે ધ્વજ નીચે ઉતારવામાં આવે છે.
પ્રાયશ્ચિત્ત માટે પવિત્રોત્સવ
તિરુપતિ બાલાજી મંદિરમાં પવિત્રોત્સવનું આગવું મહત્ત્વ છે અને ત્યાંની જેમ અહીં પણ ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં તિથિ મુજબ ઊજવાતો પવિત્રોત્સવ પશ્ચાત્તાપની સાથે પ્રાયશ્ચિત્ત કરવાનો છે. આ ઉત્સવનો મુખ્ય હેતુ આખા વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓના પ્રદર્શનમાં થયેલી ભૂલોને કારણે થતા અનિષ્ટથી મુક્તિ મેળવવાનો અને માફી માગવાનો છે. સવાર-સાંજ ચાર કુંડમાં હવન થાય છે. બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરીને ભગવાનને આહુતિ અર્પણ કરે છે અને વર્ષ દરમિયાન થતી પૂજાઅર્ચનામાં કોઈ ચૂક થઈ હોય કે કમી રહી ગઈ હોય તો માફી માગે છે. સાત દિવસ સુધી સવાર-સાંજ ચાલતા પવિત્રોત્સવમાં ભાગ લેવા શ્રદ્ધાળુઓ દૂર-દૂરથી આવે છે. આ દરમિયાન ઉત્તર ભારતના સાધુસંતો પણ અહીં સહભાગી થાય છે.
વૈષ્ણવ સંપ્રદાયના સ્વામી બાલાજી
વેન્કટેશ્વર મંદિરના એક પૂજારી મંદિરની સ્થાપના વિશે વાત કરતાં જણાવે છે, ‘વૈષ્ણવ સંપ્રદાયના પ્રચારક અને અને ભગવાન વિષ્ણુના સૌથી મોટા ઉપાસક જગતગુરુ રામાનુજાચાર્યના શિષ્ય અનંતાચાર્યના સપનામાં બાલાજી વેન્કટેશ્વર આવ્યા હતા અને તેમણે મુંબઈમાં મંદિર બનાવીને મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. અનંતાચાર્યે ૧૯૨૦માં શિષ્યો અને અનુયાયીઓને ભેગા કરીને મંદિર નિર્માણનો સંકલ્પ કર્યો, ભંડોળ ભેગું કરાવ્યું અને મંદિરનું નિર્માણ કરાવ્યું. વૈષ્ણવ સંપ્રદાયના આદિ ગુરુ સ્વયં ભગવાન વિષ્ણુ છે અને બીજાં ગુરુ લક્ષ્મીદેવીને માનવામાં આવે છે.’
મંદિરના ટ્રસ્ટી રામનારાયણ સોમાણી આ વિશે વધુમાં કહે છે, ‘મંદિરના સંસ્થાપક અનંતાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના પ્રચાર માટે ઠેર ઠેર ફરતા હતા ત્યારે તેઓ ફણસવાડીમાં પણ આવતા હતા. આ વિસ્તારમાં મોટા ભાગે ગુજરાતી અને મારવાડી લોકો રહેતા હતા અને અનંતાચાર્યને માનતા હતા. તેથી પહેલેથી જ મંદિરના ટ્રસ્ટમાં મારવાડી અને ગુજરાતીઓ હોય છે. જોકે મંદિર બાલાજી ભગવાનનું હોવાથી પૂજાઅર્ચના તામિલ બ્રાહ્મણો જ કરે છે અને રીતરિવાજ અને વિધિથી થતી પૂજામાં કોઈ પણ જાતની બાંધછોડ થતી નથી. અનંતાચાર્યના વૈકુંઠવાસ બાદ તેમના સુપુત્ર શ્રીમદ્ કૃષ્ણમાચાર્યે તેમનો પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ હાલમાં શ્રીમદ શ્રીનિવાસાચાર્યની અધ્યક્ષતામાં ટ્રસ્ટ દ્વારા મંદિરનું સંચાલન થઈ રહ્યું છે.’
વાળના દાનનો મહિમા અહીં પણ છે
જે રીતે તિરુપતિમાં બિરાજમાન શ્રી વેન્કટેશ્વર બાલાજી ભગવાનની જે પદ્ધતિથી જેવી પૂજા થાય છે એવી જ પૂજા અને પરંપરાનું અનુસરણ ફણસવાડીના બાલાજી મંદિરમાં કરવામાં આવે છે. તિરુપતિમાં જેમ વાળ દાન કરવાનું મહત્ત્વ છે એવી જ રીતે અહીં પણ લોકો પોતાના વાળ દાન કરે છે. દંતકથા અનુસાર ભગવાન બાલાજીના વિગ્રહ એટલે કે શરીર પર કીડીઓનો પહાડ બન્યો હતો અને ત્યાં ગાય આવીને દૂધ આપતી હતી. આ જોઈને ગાયનો માલિક નારાજ થતાં ગાયને કુહાડીથી મારી નાખી અને હુમલા દરમિયાન બાલાજીના માથા પર ઈજા પહોંચી અને માથાના વાળ ખરી ગયા. એ સમયે તેમનાં માતા નીલાદેવીએ પોતાના વાળ કાપીને બાલાજીના માથે લગાવી દીધા. ત્યારે નારાયણે પ્રસન્ન થતાં કહ્યું હતું કે વાળ શરીરની સુંદરતાને વધારે છે. એનો ત્યાગ કરશે તેની મનોકામના પૂરી થશે. ત્યારથી બાલાજીના મંદિરમાં વાળના દાનનો મહિમા છે.
શા માટે કહેવાય છે છોટા તિરુપતિ?
ફણસવાડીના વેન્કટેશ્વર દેવસ્થાનને છોટા તિરુપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિશે વાત કરતાં મંદિરના ટ્રસ્ટી રામનારાયણ સોમાણી જણાવે છે, ‘એક વખત ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ આ મંદિરની મુલાકાત લીધી હતી અને બાલાજી ભગવાનનાં દર્શન કર્યાં હતાં. એ દરમિયાન તેમને એવું લાગ્યું જાણે તેઓ મુંબઈમાં નહીં પણ તિરુમાલાના તિરુપતિમાં જ બાલાજી ભગવાનનાં દર્શન કરી રહ્યા છે અને ત્યારે તેમણે કહ્યું હતું કે આ તો છોટા તિરુપતિ છે. ત્યારથી આ જ નામે પ્રખ્યાત છે.’