15 November, 2024 07:38 AM IST | Mumbai | Mukesh Pandya
લંગર
‘સદાવ્રત’ના પ્રેરણાસ્રોત જલારામબાપાની જન્મજયંતી તાજેતરમાં જ ઊજવાઈ ગઈ અને આજે ‘લંગરપ્રથા’ના પ્રણેતા સિખ સંપ્રદાયના ગુરુ નાનક દેવની જયંતી ઊજવાઈ રહી છે. ભૂખ્યાને ભોજન કરાવવાની સદીઓ જૂની આ પરંપરા આજના સમયમાં પણ જળવાઈ રહી છે ત્યારે જાણીએ આ બન્ને પ્રથા કેમ જરૂરી છે અને સદાવ્રત કરવાના નિયમો શું છે. નવા વર્ષે ભૂખ્યાને ભોજન કરાવવાનો યથાશક્તિ સંકલ્પ લઈને દેવદિવાળીને સાર્થક કરી લઈએ
ગયા અઠવાડિયે આપણે ગુજરાતીઓએ જલારામજયંતી ધામધૂમથી ઊજવી. આજે ગુરુ નાનક જયંતી રંગેચંગે ઊજવાશે. જોગાનુજોગ એ છે કે શ્રી નાનકદેવનો જન્મદિવસ પ્રકાશ પર્વ તરીકે ઉજવાય છે તો દેવદિવાળીએ દીવા પ્રકટાવી આપણે પણ પ્રકાશ પર્વ ઊજવીએ છીએ. ભારતીય શાસ્ત્રો અનુસાર કારતક મહિનામાં દેવો જાગૃત થાય છે. આ મહિનાની અગિયારસ દેવઊઠી એકાદશી તરીકે ઊજવીએ છીએે. ખરેખર આ મહિનામાં જ દેવતુલ્ય આત્માઓ શ્રી જલારામ બાપા અને શ્રી ગુરુ નાનક દેવ જન્મ્યા હતા એ કેટલો મોટો સંયોગ કહેવાય.
આ બન્ને વિભૂતિઓ વચ્ચે બીજી સમાનતા એ હતી કે બન્નેએ ભૂખ્યાને અને જરૂરિયાતમંદોને ભોજન આપવાનો જે મહાયજ્ઞ શરૂ કર્યો હતો એ નિરંતર પ્રજ્વલિત રહ્યો છે ત્યારે તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા સદાવ્રત અને લંગર વિશે થોડું વધુ જાણીએ.
સદાવ્રત એટલે શું?
જલારામબાપાએ જે સદાવ્રત ખોલ્યું હતું એ ખરેખર અઘરામાં અઘરું વ્રત કહી શકાય. ઈશ્વરની મોટામાં મોટી અને કપરામાં કપરી કસોટી સહન કરવાની જેનામાં ક્ષમતા હોય એ જ આ મહાવ્રત કરી શકે.
કોઈને એક ટંક કે બે ટંક ખવડાવવું એ અલગ વાત છે અને રોજેરોજ આવતા-જતા વટેમાર્ગુ અને જરૂરતમંદોને રાંધેલાં ભોજન ભાવપૂર્વક જમાડવાં એ ખરેખર મુશ્કેલ કાર્ય છે. આજકાલ તો બે મહેમાન ઘરમાં આવવાના હોય તોય તેમને આપણે હોટેલમાં લઈ જઈએ છીએે ત્યારે જલાબાપા અને તેમની ધર્મપત્ની વીરબાઈમાં કેવા દૈવી ગુણો હશે કે દિવસ-રાત જોયા વગર રોજેરોજ માટીના ચૂલે ભરધુમાડે રોટલા બનાવ્યા હશે. એટલું તો ઠીક, સાધુસંતોને જમાડવામાં વીરબાઈએ ઘરેણાં સુધ્ધાં વેચી કાઢ્યાં હતાં. આજે ઘણા લોકો કે સંસ્થાઓ ભંડારો કરે છે. જોકે અમુક લોકો ફન્ડફાળો ઉઘરાવતા હોય છે અને પછી સાર્વજનિક ભંડારો કરે છે, જ્યારે જલારામ અને તેમની ધર્મપત્નીએ ગાંઠના પૈસે સદાવ્રત કર્યું. તેમની આજની પેઢીએ - વંશજોએ પણ કરોડોના દાનનો અસ્વીકાર કરીને સદાવ્રતની શ્રી જલાબાપાની જ્યોત અખંડ દીપકની માફક ઝળહળતી રાખી છે. આવી હામ અને આવી સદાવ્રતની ટેક આજે કોણ લઈ શકે? ત્યાગ અને અપરિગ્રહનું આથી મોટું કોઈ ઉદાહરણ હોઈ જ ન શકે. કવિ શ્રી કરસનદાસ માણેકની પ્રસિદ્ધ પંક્તિ અત્યારે યાદ આવે છે...
ભૂખ્યા કાજે ભોજન બનજો,
તરસ્યાનું જળ થાજો
દીન દુખિયાનાં આંસુ લોતા
અંતર કદી નવ ધરાજો
મારું જીવન અંજલિ થાજો...
આખેઆખું જીવન જે અન્ય માટે ખપાવી શકે એ દેવ. આવા ભગવાન સ્વરૂપ જલારામબાપાને શત-શત વંદન કર્યા પછી આજે શ્રી ગુરુ નાનકજીના જન્મદિને તેમની સદાવ્રત જેવી જ એક સેવા આજે યાદ કરી લઈએ.
વિશ્વપ્રસિદ્ધ લંગર પ્રથા
લંગ૨ પ્રથા આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જલાબાપાના જન્મદિવસનાં ત્રણસોને ત્રીસ વર્ષ પહેલાં જન્મેલા સિખ ધર્મના સ્થાપક ગુર નાનક દેવે પણ જરૂરિયાતવાળા અને ગુરુદ્વારાની મુલાકાત લેનારને ભોજન મળી રહે એ માટેની વ્યવસ્થા શરૂ કરી હતી એ વિશ્વભરમાં લંગરના નામે પ્રસિદ્ધ છે. દુનિયાભરના ગુરુદ્વારાનાં લંગરોમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક વર્ગના આગંતુકોને પ્રેમપૂર્વક ભોજન પીરસાય છે. કારતક સુદ પૂર્ણિમાને દેવદિવાળીના દિવસે જન્મેલા ગુરુ નાનક દેવે સિખ ધર્મની સ્થાપના કરી.
સિખ સમુદાયમાં સેવા આપવાની પ્રથા ઘણી વધારે છે. ગુરુદ્વારામાં લોકો ચંપલઘરથી લઈને લંગરની રસોઈ સુધી સેવા આપી રહ્યા છે. અહીં સિખ સમુદાયના દરેક વર્ગના લોકો આ કાર્યો દ્વારા ગુરુની સેવામાં લાગેલા રહે છે. સિખ સમુદાયમાં લંગરનું અનેરું મહત્ત્વ છે. નાનાં-મોટાં ગુરુદ્વારાઓમાં લંગરની વિશેષ વ્યવસ્થા હોય છે. આ લંગરોમાં જરૂરિયાતમંદો અને ગુરુદ્વારા આવતા લોકો માટે દરરોજ ભોજન તૈયાર કરવામાં આવે છે.
લંગરનો ઇતિહાસ
એવું કહેવાય છે કે એક વાર ગુરુ નાનક દેવજીને તેમના પિતાએ વેપાર કરવા માટે કેટલાક પૈસા આપ્યા હતા. નાનકદેવે આ પૈસાનો વેપારમાં ઉપયોગ કરવાને બદલે સાધુ-સંતોને જમાડ્યા અને ધાબળા પણ આપ્યા. નાનકજીના પિતા આ નિર્ણયથી ખૂબ નારાજ થયા, જેના ઉત્તરમાં નાનક દેવે જણાવ્યું કે સાચો લાભ સેવામાં છે. આ ઘટના પછી લંગર પીરસવાની પરંપરા શરૂ થઈ.
લંગરનું મહત્ત્વ
આજે લગભગ દરેક ગુરુદ્વારામાં લંગર પીરસવામાં આવે છે, જેમાં લોકો નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે. લંગર દરમિયાન તમામ વર્ગના લોકો જમીન પર એકસાથે બેસીને ભોજન કરે છે. અહીં કોઈ પણ પ્રકારના ધર્મ કે જાતિનું બંધન નથી.
ગુરુ નાનક દેવનું ગુજરાત કનેક્શન
ગુરુ નાનક દેવે જીવનમાં બે વાર ગુજરાતનો પ્રવાસ ખેડેલો. અધિકૃત સ્રોતો અનુસાર ગુરુ નાનક દેવે ચાર ધર્મયાત્રાઓ કરેલી, જે સિખ ધર્મમાં ‘ઉદાસી’ તરીકે ઓળખાય છે. ચોથી ઉદાસી સમયે ગુરુશ્રીએ ઇસ્લામમાં પવિત્ર મનાતા મક્કા-મદીના, યહૂદી તથા ખ્રિસ્તી ધર્મમાં પવિત્ર ગણાતા જેરુસલેમની યાત્રા કરી હતી.
આ દરિયાઈ યાત્રાનો પ્રારંભ તેમણે એ સમયના ખૂબ જ પ્રસિદ્ધ કચ્છ-ગુજરાતના લખપત બંદરેથી શરૂ કરી હતી. પંદરમી અને સોળમી સદીમાં લખપત બંદરનો શ્રેષ્ઠ સમય ચાલતો હતો. આ બંદર પર એક લાખ કોરી (એ સમયનું ચલણ)નો વેપાર થતો હોવાથી આ બંદરનું નામ લખપત પડ્યું હતું. લખપત એ સમયે ખરા અર્થમાં ‘ગેટવે ઑફ ઇન્ડિયા’ હતું.
સદાવ્રતમાં નિયમો
ભોજન કરાવવામાં પણ અમુક નિયમો અચૂક પાળવા જોઈએ. એક કથામાં મોરારીબાપુએ સદાવ્રત પાળવા બાબતે શું ધ્યાન રાખવું એ સરસ રીતે સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જમાડનારને અહંકાર ન હોવો જોઈએ અને અસમાનતાની ભાવના ન હોવી જોઈએ. આજે કોઈ શ્રીમંત વ્યક્તિ સામાજિક ફંક્શનોમાં એક ટંક જમાડે તોય પોતાનું નામ સ્ટેજ પરથી બોલાય એવો આગ્રહ રાખતી હોય છે. જમાડનારમાં અહંકાર આવી જાય તો કર્યા પર પાણી ફરી વળે છે. જલારામ રામને નામે ભોજન કરાવતા તો ગુરુ નાનક તો કહેતા કે રામ કી ચિડિયા, રામ કા ખેત.
ખાનારાને લાચાર નહીં પણ ભગવાન સમજે અને ખવડાવનાર પોતે નહીં પણ ભગવાન જ છે એવું માનનાર જ દૈવી કક્ષાએ પહોંચી શકે. જે દૈવી કક્ષાએ પહોંચ્યા છે તેમનામાં અસમાનતાની કે ભેદભાવની ભાવના નથી હોતી. સૂર્યદેવ કે ચંદ્રદેવ બધાને પોતાનાં કિરણોનો લાભ આપે છે. વરુણદેવ ગરીબના ખેતરમાં પણ વરસે છે. જો આપણામાં પણ આવી અભિમાનરહિત અને સમાનતાના ભાવવાળી દૈવી શક્તિ જાગ્રત થાય તો જ સાચા અર્થમાં દેવદિવાળી ઊજવી ગણાશે.
સનાતન ધર્મમાં ભંડારો કરવાની પ્રથા પુરાણકાળથી પ્રચલિત છે
ભંડારો કરવો એટલે એક પ્રકારે ખાદ્ય ચીજવસ્તુઓનું દાન કરવું. અન્નદાન શ્રેષ્ઠ દાન છે. પૌરાણિક શાસ્ત્રો મુજબ આપણે જે ચીજવસ્તુઓનું દાન કરીએ છીએ અને જેટલી માત્રામાં દાન કરીએ છીએ એનાથી આત્માને ઉચ્ચ ગતિ પ્રાપ્ત થાય છે. પદ્મપુરાણમાં એક કથા આવે છે એ મુજબ રાજા સ્વેત મૃત્યુ બાદ જ્યારે સ્વર્ગલોક સિધાવ્યા તો તેમને ભોજન મળ્યું નહોતું. સ્વર્ગમાં માગવા છતાં ખાવા મળ્યું નહોતું. આખરે થાકીને રાજા બ્રહ્મા પાસે પહોંચ્યા અને કારણ પૂછ્યું. બ્રહ્માજી બોલ્યા: ક્યારેય કોઈને ભોજન કરાવ્યું નહોતું, અન્નનું દાન કર્યું નહોતું, આથી તમને મૃત્યુ બાદ ભોજન મળ્યું નથી. રાજાએ ભૂલ સુધારી અને ભાવિ પેઢીઓને અન્નદાનનું મહત્ત્વ સમજાવ્યું. ભંડારો કરવાથી પુણ્ય મળે છે. ભૂખ્યાને ભોજન કરાવવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
અન્ન આપો, પૈસા નહીં
રોજેરોજ જેમ પક્ષીઓને ચણ આપીએ છીએ, ગાયને ઘાસ અને ફૂતરાને રોટલા આપીએ છીએે એમ ભિક્ષુકોને ખાદ્ય પદાર્થો જ આપવા જોઈએ. પૈસાની આદત ન પાડવી જોઈએ. પૈસાનો મોટે ભાગે જુગાર રમવામાં કે અન્ય વ્યસનો પાછળ દુરુપયોગ થતો હોય છે. ઘણા કારધારકો પોતાની કારમાં બિસ્કિટ કે નમકીનનાં પૅકેટ રાખે છે એ યોગ્ય જ છે. ખરેખર ભૂખ્યા હશે તે અન્નદાનથી રાજી થશે અને હોંશે-હોંશે ખાશે.