કોઈને અસુવિધા કે અગવડ આપવી એ પણ અધર્મનો જ એક પ્રકાર છે

08 January, 2025 03:41 PM IST  |  Mumbai | Swami Satchidananda

ઘણાને એવું લાગે કે તમારી વાતોમાં ધર્મની તો ચર્ચા હોતી નથી. પહેલાં પણ આ ફરિયાદ મેં ખૂબ સાંભળી છે અને આજે પણ એવું સાંભળવા મળે, પણ મને હંમેશાં લાગ્યું છે કે રાષ્ટ્રધર્મ અને માનવધર્મથી વિશેષ કોઈ ધર્મ હોઈ જ ન શકે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ઘણાને એવું લાગે કે તમારી વાતોમાં ધર્મની તો ચર્ચા હોતી નથી. પહેલાં પણ આ ફરિયાદ મેં ખૂબ સાંભળી છે અને આજે પણ એવું સાંભળવા મળે, પણ મને હંમેશાં લાગ્યું છે કે રાષ્ટ્રધર્મ અને માનવધર્મથી વિશેષ કોઈ ધર્મ હોઈ જ ન શકે. આ વાત કહેવાનો હું હકદાર છું, કારણ કે મેં ધર્મને પામવા માટે દસકાઓની યાત્રા કરી છે અને એ યાત્રા દરમ્યાન થયેલા અનુભવે મને સમજાવ્યું છે કે માનવધર્મ વિના સમાજ સંભવ નથી અને રાષ્ટ્રધર્મ વિના સમાજ સંભવ નથી. મૂર્તિ કે પછી યજ્ઞ-હોમ-હવન વિના પણ ધર્મ સંભવ છે. મંત્રો વિના પણ જીવન સંભવ છે, પણ કોઈને તકલીફ આપીને કે પછી કોઈનું અહિત કરીને ક્યારેય ધર્મ સંભવી શકે નહીં. આપણે કોઈને અગવડ આપીએ તો એ પણ એક પ્રકારનો અધર્મ જ છે પણ આપણા મનમાં ઠસાવી દેવામાં આવ્યું છે કે ભગવાનને ભજો એટલે જીવન સુખમય રહે એટલે બસ, ભગવાનને ભજવાની ક્ર‌િયા યંત્રવત્ રીતે લોકો કર્યા કરે છે.

અગવડને જ તમે જુઓ, લોકો દિવસ દરમ્યાન કેટલા લોકોને અગવડ આપ્યા કરતા હો છો. બાજુવાળાને કોણી મારીને લોકલમાં ચડવાથી માંડીને ‘માન ન માન, મૈં તેરા મેહમાન’ની જેમ ગમે ત્યાં ગમે ત્યારે ધામા નાખી દેવા એ સમાજજીવનની દૃષ્ટ‌િએ તો અધર્મ જ છે. કામસર મુંબઈ આવતા લોકોને હોટેલ કે ધર્મશાળાનાં ભાડાં પોસાતાં નહીં હોવાના કારણે કે પછી વધારે ટ્રાવેલિંગ ન કરવું પડે એવા ભાવથી ઓળખીતા-પાળખીતાને ત્યાં ઉતારો કરી નાખે પણ એવું ન વિચારે કે તેમના આવવાથી સામેવાળાને કષ્ટ પડશે કે કેમ. બહુ વખત આવા મહેમાનો જોયા હોય એટલે મુંબઈવાસીઓને પણ કોઈને ત્યાં ઊતરવામાં સંકોચ નથી થતો હોતો એ સહજ રીતે જોવા મળે છે. નાનાં ગામો કે શહેરમાં ઘર મોટાં હોય એટલે કોઈને તકલીફ ઓછી પડે એવું બની શકે, પણ એનો અર્થ એવો નથી કે અગવડ ન પડે. અગવડ અને અસુવિધા ધ્યાનમાં રાખીને દિવસનું આયોજન કરવામાં આવે એનાથી મોટો આજના સમયમાં કોઈ ધર્મ નથી.

પ્રસંગોપાત્ત કોઈને ત્યાં ઊતરવું પડે એ સમજી શકવા જેવું છે, પણ આગ્રહની રાહ જોયા વિના આંગણે આવી ગયેલો મહેમાન દરેક વખતે મનમાં રાજીપો કરાવે એવું બને નહીં. ભગવાનને આરતી પણ એના સમયે જ કરીએ છીએ અને એ વાત શાસ્ત્રોમાં કહી છે એટલે સૌકોઈ માનવા તૈયાર છે, પણ શિષ્ટાચાર વિશે શાસ્ત્રોમાં કહેવાયું નથી એટલે ધામા નાખવાનું અને પછી એને પ્રેમ અને લાગણીનું નામ આપીને લોકો યજમાનને અસુવિધા આપીને અધર્મ કરે છે. લોકો જો આવા અધર્મમાંથી બહાર નીકળતા થાય તો જ શાસ્ત્રોક્ત ધર્મની વાત મન સુધી પહોંચે અને એ વાત લેખે લાગી કહેવાય.

culture news life and style gujarati mid-day swami sachchidananda mumbai columnists