પાણીથી શરીરનું, ભક્તિથી મનનું અને સત્સંગથી બુદ્ધિનું સ્નાન થાય

27 June, 2024 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈ સત્સંગી યુવાનનું જીવન સંસ્કારની સૌરભથી મહેક્યું હોય. નિયમિતતાથી સમય બચે અને સંયમથી શક્તિ બચે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આપણે વાત કરતા હતા સાચી સંપત્તિની. ક્ષણને સાચવે તે વિદ્વાન બને અને કણને સાચવે તે ધનવાન બને. વીતેલો સમય કદી પાછો આવતો નથી. જે સમયને સાચવે તેને સમય પણ સાચવે છે. સમય હોય કે સંપત્તિ, સંપત્તિ વાપરવી એ એક વાત અને વેડફવી એ બીજી વાત. ઉદારતા અને ઉડાઉપણા વચ્ચેનો ભેદ સમજાઈ જાય તો માણસ સચેત થઈ જાય.

આપણે એ સમજવું જરૂરી છે કે જો શક્તિ ભોગમાં વેડફાઈ જાય તો માણસના જીવનવિકાસમાં એ ઉપયોગી થઈ શકતી નથી. વધુ પડતા ભોગ ભોગવવાનું સુખ ક્ષણિક છે, પણ એ ભોગો જ આપણને લાંબા ગાળે ક્ષીણ બનાવે છે. બીજી તરફ જોઈએ તો વધુ પડતો ત્યાગ જીવનને નીરસ બનાવી દે છે. જીવનમાં તેજ પ્રગટે છે માત્ર સત્સંગની સાધનાથી.

કોઈ સત્સંગી યુવાનનું જીવન સંસ્કારની સૌરભથી મહેક્યું હોય. નિયમિતતાથી સમય બચે અને સંયમથી શક્તિ બચે. આ બચેલા સમય અને શક્તિ જીવનવિકાસ માટે ઉપયુક્ત થઈ શકે.

ગાંડીતુર બનેલી નદી સેંકડો ગામને ધ્વસ્ત કરી નાખે છે એમ બેકાબૂ યુવાની પણ જીવનને અસ્વસ્થ કરી નાખે છે. તોફાની નદી પર જો બંધ બાંધવામાં આવે તો એ જ નદી હજારો ગામોને ‘સુજલામ્-સુફલામ્’ બનાવી શકે છે. એમ યુવાનીના ધસમસતા પ્રવાહ પર જો સત્સંગનો બંધ બાંધવામાં આવે તો એ જ યુવાશક્તિ સમગ્ર સૃષ્ટિને નંદનવનમાં પલટી નાખવા સમર્થ થઈ શકે છે.

માનવ માત્ર વિકાસ ઝંખે છે; ભૌતિક, નૈતિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક - એમ ચતુર્વિધ વિકાસ માનવીને સાચી સાર્થકતા બક્ષે છે. શરીર, મન અને બુદ્ધિ દરેકનો સમતોલ વિકાસ થવો જોઈએ. પાણીથી શરીરનું સ્નાન, ભક્તિથી મનનું સ્નાન અને સત્સંગથી બુદ્ધિનું સ્નાન એમ ત્રિવેણી સ્નાનનું જીવનમાં મહત્ત્વ છે.

સત્સંગના આકાશ નીચે અને સદ્ગુણોના અજવાળામાં બેસીને સમગ્ર સૃષ્ટિને પાઠશાળા ગણીને જે માણસ જીવનવિકાસનો પાઠ શીખતો રહે તે જ સાચો સત્સંગી છે.

સત્સંગની લગની લાગેલા જીવનયાત્રીને વહેતી સરિતા ગતિના પાઠ શીખવે છે તો ધૂંધવાતો સાગર તેના જીવનમાં સંગીત ભરે છે. અડગ રહેલો પહાડ એને સ્થિરતા શીખવે છે, તો વૃક્ષ તપસ્વી જીવનનું મહત્ત્વ બતાવે છે. ચંદ્ર એને શીતળતાની ભેટ ધરે છે, તો સૂર્ય તેજસ્વિતા પ્રદાન કરે છે અને પુષ્પ એને સુગંધી જીવનનો મહિમા સમજાવે છે. જીવન અને જગત તરફ જોવાની આવી અલૌકિક દૃષ્ટિ જો પ્રાપ્ત થાય તો જ સાચા અર્થમાં સત્સંગ કર્યો કહેવાય.

સત્સંગ અજ્ઞાનને જ્ઞાનથી, વહેમને વિજ્ઞાનથી, અંધશ્રદ્ધાને શ્રદ્ધાથી, જડતાને ચેતનાથી તેમ જ કુસંસ્કારોને સચ્ચરિત્રથી દૂર કરવાનો સબળ પ્રયાસ કરે છે.

 

- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય  દ્વારકેશલાલજી મહારાજશ્રી (લેખક શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ-ચંપારણ્યના ગૃહાધિપતિ તથા કાંદિવલીની દ્વારકાધીશજી હવેલીના ગાદીપતિ છે.)

culture news life and style columnists