03 December, 2024 02:28 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર
ધર્મને ઝઘડાઓનું મૂળ ગણીને તેને ફૂટી નાખવાનો કેટલાકને શોખ હોય છે. ધર્મની ટીકા કરવા માટેનું એક કૉમન શસ્ત્ર એ છે કે વિશ્વમાં ધર્મના નામે અનેક સંઘર્ષો ચાલે છે. હકીકત એ છે કે ધર્મના કારણે થતા સંઘર્ષો કરતાં એના સમાપનની સંખ્યા ઘણી વધુ છે. જૈનોનું ‘મિચ્છામિ દુક્કડમ’ સ્વયં એક હાઈ કોર્ટ જેટલો કેસ નિકાલ દર વર્ષે કરી દે છે અને એ પણ કોઈ પણ જાતની સુનવણી વિના.
બીજી મહત્ત્વની વાત એ છે કે સૌથી વધુ ઝઘડાઓ દર દસમાં આઠની સરેરાશે પૈસાના મુદ્દા પર છે. પૈસાની વહેંચણી, જમીનના સોદા, વારસાઈના મુદ્દા, ચોરી વગેરે કારણે અનહદ લડાઈઓ ચાલે છે. આ તો થઈ વ્યક્તિગત બાબતો. દેશ-દેશાંતરો વચ્ચે સરહદના મુદ્દે થતી લડાઈઓ દાયકાઓ સુધી ચાલતી રહે છે. દરેક દેશ પહેલાં તો એક અને અખંડ હોય છે, પછી એના અનેક ખંડ તૈયાર થાય છે. ભારતમાંથી સિલોન છૂટું પડ્યું, પછી બર્મા, પછી નેપાલ અને ૧૯૪૭માં છેલ્લે પાકિસ્તાન. ૧૯૭૧માં પાકિસ્તાનના પણ બે ભાગલા પડ્યા.
આ જ રીતે વિયેટનામના ઉત્તર-દક્ષિણ ભાગ પડ્યા. કોરિયા પણ ઉત્તર-દક્ષિણ ભાગમાં વહેંચાયું. જર્મનીના પણ બે ભાગલા પડ્યા. એકમાંથી બે થાય પછી જે દુશ્મનાવટ રહે એ વધુ કટ્ટર હોય છે. જર્મનોમાં પણ આવી પ્રાદેશિક કટ્ટરતા રહેતી હતી.
એક વાર જર્મનીના બન્ને ભાગ વચ્ચે એક ઘટના બની. બે જર્મનીને વહેંચતી એક દીવાલ વચ્ચે હતી. એક બાજુવાળાએ આખા શહેરનો કચરો, પ્લાસ્ટિકની ખાલી બૉટલ્સ, તૂટેલાં સ્લિપર્સ, ફાટેલાં કપડાં, ભંગાર વગેરે કચરો દીવાલની પેલી બાજુએ નાખ્યો.
આ રીતનું અપમાન જોતાં ઉશ્કેરાયેલા લોકોએ નક્કી કર્યું અને જડબાતોડ જવાબ આપવાની ગણતરીથી ઘરોમાંથી કચરો ભેગો કરવા લાગ્યા. એક બુઝુર્ગ માણસે પરિસ્થિતિ સંભાળી લીધી. બધાને સમજાવ્યા. ઘરેથી ફૂડ પૅકેટ, કપડાં, રમકડાં વગેરે લાવીને દીવાલની પહેલી બાજુએ નાખ્યાં. દીવાલ પર એક નાનો નમણો બાળક બેઠો હતો. તેના હાથમાં એક પ્લૅકાર્ડ હતું, જેમાં એક ચોટદાર વાક્ય લખેલું હતુંઃ ‘અ પર્સન ગિવ્સ વૉટ હી હૅઝ’.
અર્થાત્ વ્યક્તિ એ જ આપે છે જે તેની પાસે હોય છે.
વ્યક્તિ લાગણી, હૂંફ, પ્રેમ આપી શકે જ્યારે તેની પાસે એ હોય. આપણી અંદર શું છે એ આપણા પ્રાસંગિક પ્રતિભાવોથી ખબર પડે છે. કમ્પ્યુટરના ડેટાને જેટલી સરળતાથી એડિટ કરી શકાય એટલી ઝડપથી મનના ડેટાનું એડિટિંગ શક્ય નથી. છતાં પ્રયત્ન જરૂરી છે. ચાલો, સ્વભાવમાં પરિવર્તન લાવીને આપણા પ્રતિભાવની દુનિયાને શણગારીએ.