10 November, 2024 07:39 AM IST | Mumbai | Mukesh Pandya
પ્રતીકાત્મક તસવીર
આજે અક્ષય નવમી છે, જેને આમળા નવમી પણ કહેવાય છે. એવી માન્યતા છે કે વિષ્ણુ ભગવાન કારતક સુદ નવમીથી પૂનમ સુધી આમળાના વૃક્ષ પર વાસ કરે છે. કારતક મહિનો શરૂ થતાં ઠંડી શરૂ થઈ જતી હોય છે. શિયાળામાં જ આમળાના વૃક્ષની પૂજાના વ્રત થકી ઋષિમુનિઓ કહેવા માગતા હતા કે અત્યારે આમળાંનું સેવન કરો અને વર્ષભર સ્વસ્થ રહો
આજે અક્ષય નવમી છે જે આમળા નવમી તરીકે પણ ઊજવાય છે. કારતક સુદ નોમના દિવસે આમળાના વૃક્ષની પૂજાનો અનેરો મહિમા છે. સાથે-સાથે આ ફળનું પ્રસાદ તરીકે સેવન અત્યંત લાભદાયી છે. પુરાણોની માન્યતા પ્રમાણે આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. વિષ્ણુનું કાર્ય છે પ્રજાનું પાલન અને સંવર્ધન કરવાનું. આમળાં આ ફરજ ખૂબ સારી રીતે નિભાવે છે.
ભારતીય સંસ્કૃતિમાં ઘણાં વૃક્ષો પૂજનીય છે અને આમળા પણ એમાંનું એક છે જે કદાચ ભાગ્યે જ કોઈ જાણતું હશે. અક્ષય નવમી પર આમળાના ઝાડની પૂજા કરવાનો અને એની નીચે બેસીને જમવાનું માહાત્મ્ય છે. એવું માનવામાં આવે છે કે આજે આમળાના વૃક્ષની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાન અને દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે.
વિવિધ માન્યતાઓ અનુસાર ભગવાન આમળાના ઝાડના મૂળમાં વિષ્ણુ, ઉપર બ્રહ્મા, સ્કંદમાં રુદ્ર, શાખાઓમાં મુનિગણ, પાંદડાંમાં વસુ, ફૂલોમાં પિતૃઓ અને ફળોમાં પ્રજાપતિનો વાસ છે. જે વ્યક્તિ એની પૂજા કરે છે તેને ધન, લગ્ન, સંતાન, દામ્પત્યજીવન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.આમળાંની પૂજા કરવાથી ગાયનું દાન કરવા જેવું જ પુણ્ય મળે છે. અક્ષય નવમીનો દિવસ સુખ-સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
આમળાંને અમરત્વનું ફળ પણ કહેવામાં આવે છે. એક એવી પણ માન્યતા છે કે આ દિવસે શિવ અને વિષ્ણુ બન્નેનું પૂજન કરવા લક્ષ્મીજીએ આમળાંની પસંદગી કરી હતી, કારણ કે આમળામાં વિષ્ણુને પ્રિય તુલસી અને શિવને પ્રિય બીલીપત્ર બન્નેના ગુણો સમાયેલા છે.
સંજીવની ફળ
ત્રણ વર્ષ પહેલાં કોરોના નામની મહામારીએ દુનિયાભરમાં હાહાકાર મચાવેલો ત્યારે ડૉક્ટરો રોગપ્રતિકારક શક્તિ વધારવા અને જાળવી રાખવા વિટામિન Cનો ઉપયોગ કરવાનું કહેતા હતા. આ સમયે લોકોએ લીંબુ-સંતરાનો ઉપયોગ વધાર્યો હતો. હવે જાણવા જેવી વાત એ છે કે આમળાંમાં લીંબુ કરતાં છગણું અને સંતરાં કરતાં વીસગણું વિટામિન C હોય છે.
સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે દરરોજ તાજાં આમળાં ખાવાં જોઈએ જે આ સીઝનમાં તમને ભરપૂર માત્રામાં મળી રહેશે. આમળાં અથવા ભારતીય ગૂઝબેરી સ્વાસ્થ્ય માટે સૌથી ફાયદાકારક ફળોમાંથી એક માનવામાં આવે છે.
આમળાંને આયુર્વેદમાં ‘અમૃત’ અને ‘સંજીવની’ એટલે કે જીવન બચાવનાર ઔષધ પણ કહેવામાં આવે છે.
આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા અનુસાર આમળાંને એક અદ્ભુત ખોરાક માનવામાં આવે છે. સવારે ખાલી પેટ એક આમળાંનું સેવન કરવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ત્વચા અને વાળ સ્વસ્થ અને સુંદર રહે છે અને આપણા શરીરને ઘણી બીમારીઓથી પણ બચાવે છે.
આયુર્વેદ મુજબ આમળાં
આમળાંને આયુર્વેદમાં અમૃતફળ અથવા ધત્રી ફળ કહેવામાં આવે છે. જેનો વૈદિક કાળથી ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવમાં આયુર્વેદમાં, આમળાંનો ઉપયોગ `કષ્ટૌષધી` (વૃક્ષો અને છોડમાંથી બનેલી દવાઓ), `રસૌષધી` (ધાતુઓ અને ખનિજોમાંથી બનેલી દવાઓ) અને ઘણા મિશ્રિત રસાયણોમાં વિવિધ ઉપચારોમાં થાય છે.
આયુર્વેદના જૂના વિશ્વસનીય ગ્રંથ ચરક સંહિતામાં જણાવ્યા પ્રમાણે આમળાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારો કરે છે. ચયાપચયમાં સુધારો કરી શકે છે. આંખોને સ્વસ્થ રાખી શકે છે. પાચનશક્તિ વધારે છે. એનિમિયાથી બચાવે છે. લોહીનું શુદ્ધિકરણ કરે છે. ડાયાબિટીઝ, હાઈ બ્લડ-પ્રેશર અને હૃદયના રોગોને અટકાવે છે.
‘સુશ્રુત સંહિતા’માં જણાવ્યા
પ્રમાણે આમળાં શરીરના ત્રણેય દોષો – વાત, પિત્ત અને કફને સંતુલિત અને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આથી ત્રિદોષશામક છે.
ઉત્તમ અને સ્વાદિષ્ટ રસાયન
આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા દર્શાવેલી છે : (1) બીમાર શરીરમાં એકઠા થયેલા રોગનાં કારણો-દોષોને દૂર કરી, શરીરને નીરોગી બનાવવું એ, દોષ-નિવૃત્તિ (2) જે માણસ સ્વસ્થ છે, એના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું, જેના દ્વારા ભવિષ્યમાં રોગો થવાની શક્યતા ઓછી રહે, એ દીર્ઘાયુષ, ઉત્તમ બુદ્ધિ, સ્મૃતિ, મેધા, તેજ અને સુદૃઢ શરીર તેમ જ સુંદર વર્ણ અને ચિર યૌવન પ્રાપ્ત કરે એવી ચિકિત્સા એ રસાયન ચિકિત્સા. એમ સમજોને કે આવી ચિકિત્સાથી પૂરો કાયાકલ્પ શક્ય બને છે. શરીરના નાનામાં નાના કોષ સુધી શક્તિનો સંચાર ભરનાર ઔષધો આ પ્રકારની ચિકિત્સા-પદ્ધતિમાં સમાવિષ્ટ થાય છે જેમાં આમળાં મુખ્ય છે.
રસાયન માટે અંગ્રેજી રિજુવિનેશન થેરપી અથવા તો કાયાકલ્પ ચિકિત્સા શબ્દપ્રયોગ વાપરી શકાય.
આમલકી રસાયન ઉત્તમ રસાયન
સૂકાં આમળાંના ચૂર્ણને ખરલમાં નાખી લીલાં આમળાંના સ્વરસની ૨૧ ભાવના આપીને સૂકવી ચાળીને બાટલીમાં ભરી લેવામાં આવે છે. આ આમલકી રસાયન ૩થી ૫ ગ્રામની માત્રામાં પાણી અગર મધ સાથે લેવાથી તનમનને ખૂબ જ ફાયદા થાય છે. અન્ય રસાયનોની સરખામણીમાં આમળાં સ્વાદમાં ખાટાં-તૂરાં હોવાથી સ્વાદિષ્ટ રસાયન તરીકે ખૂબ લોકપ્રિય બન્યાં છે.
એકલાં આમળાં ન ભાવે તો આમળાની કૅન્ડી અને મુરબ્બા બનાવીને બારેમાસ ખાઈ શકાય છે. ચ્યવન ઋષિએ આમળાંમાં વિવિધ ઉપયોગી દ્રવ્યો નાખીને ચ્યવનપ્રાશ બનાવેલો એ પણ શિયાળામાં ખાવાથી અને બાળકોને ખવડાવવાથી ખૂબ ફાયદો થાય છે.
કાચાં આમળાં ખાવાના ફાયદા
કાચાં આમળાંને નિયમિત રીતે ખાવાથી અથવા એનો રસ પીવાથી મુખનું આરોગ્ય જળવાઈ રહે છે. પેઢાં સ્વસ્થ રહે છે અને શ્વાસની દુર્ગંધની સમસ્યા પણ ઓછી થાય છે. આમળા એક રેસાયુક્ત ફળ છે, તેથી એ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. તંદુરસ્ત પાચનતંત્ર ચયાપચયની ક્રિયાને ઝડપી અને મજબૂત બનાવે છે. એ તમારા શરીરને અનેક રોગોથી બચવામાં મદદ કરે છે અને તમારું વજન નિયંત્રણમાં રાખે છે. આમળાંના રસનું સેવન કરવાથી અન્ય ખાદ્યપદાર્થોમાં રહેલાં પોષક તત્ત્વોને સારી રીતે શોષી લેવામાં મદદ મળે છે. એના નિયમિત સેવનથી કૉલેસ્ટરોલ અને હૃદયની બીમારીઓથી રાહત મળે છે. આમળાં શરીરમાં રહેલાં વિષદ્રવ્યો અને હાનિકારક પદાર્થોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આમળાંમાં કૅલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. એના સેવનથી હાડકાં મજબૂત બને છે અને ઑસ્ટિયોપોરોસિસ, આર્થ્રાઇટિસ અને સાંધાના દુખાવાની સ્થિતિમાં રાહત મળે છે. આમળાંમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે જે તમારી ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે અને ત્વચાના નુકસાન પામેલા કોષોને રિપેર કરે છે. આમળાં બ્લડ પ્યુરિફાયર તરીકે પણ કામ કરે છે અને ખીલ મટાડે છે.
આમ કે આમ, ગુટલી કે દામ
આમળાંનાં બીજ કે ઠળિયા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આમળાંનાં બીજમાં પોટૅશિયમ, કૅલ્શિયમ, વિટામિન-B કૉમ્પ્લેક્સ, કેરાટીન, આયર્ન અને ફાઇબર જેવાં ઘણાં પોષક તત્ત્વો હોય છે અને એનું સેવન તમારા માટે અત્યંત ફાયદાકારક રહેશે. ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવાની સાથે એ પાચનક્રિયાને પણ યોગ્ય રાખે છે.
આમળાંનાં બીજને તડકામાં સૂકવીને એનો પાઉડર તૈયાર કરો. એતેનું નિયમિત પાણી સાથે સેવન કરો. આ સિવાય એનો ઉપયોગ અન્ય ઘણી રીતે પણ કરી શકાય છે.
ત્વચાને લગતી સમસ્યાઓ દૂર થાય છે. નારિયેળના તેલમાં સૂકાં આમળાંનાં બીની પેસ્ટ બનાવો અને એને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. એનાથી ખૂબ ફાયદો થશે. કબજિયાતની સમસ્યામાં આમળાંનાં બીજનું સેવન ફાયદાકારક રહેશે. એના પાઉડરનું ગરમ પાણી સાથે સેવન કરવાથી ઘણી રાહત થાય છે. જો વારંવાર હેડકી આવવાની સમસ્યા હોય તો આમળાંનાં બીજનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. આ માટે આમળાંનાં બીનો પાઉડર બનાવીને મધ સાથે સેવન કરો. નાકમાંથી લોહી નીકળવાની સમસ્યામાં પણ આમળાંનાં બીજનું સેવન તમારા માટે ફાયદાકારક રહેશે. એનાં બીજને પીસીને પેસ્ટ બનાવો અને એને કપાળ પર લગાવો અને સૂઈ જાઓ. એનાથી શરીરમાં ઠંડક આવશે અને આરામ મળશે.
આમળાનું સેવન કેવી રીતે કરવું?
સવારે ખાલી પેટે એક કે બે આમળાંનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે પરંતુ એક દિવસમાં બે કરતાં વધુ તાજાં આમળાંનું સેવન કરવાનું ટાળવું જોઈએ, નહીં તો એ તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે. આ સિવાય જો તાજાં આમળાંનું સેવન કરવામાં આવે તો દિવસભર પાણી પીતા રહેવું જરૂરી છે. આમળાના વધુપડતા સેવનથી લો બ્લડ-શુગર, કબજિયાત, હાઈ બ્લડ-પ્રેશર, લિવરની સમસ્યાઓ અને પેશાબ કરતી વખતે બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. હાઇપર ઍસિડિટી હોય, બ્લડ-ડિસઑર્ડર હોય, સગર્ભા કે સ્તનપાન કરાવતી સ્ત્રીઓ હોય અથવા કોઈ પણ પ્રકારની સર્જરી થઈ હોય તેવા અને ડાયાબિટીઝની સારવાર કરાવતા લોકોએ આમળાંનું સેવન ડૉક્ટરની સલાહ લીધા પછી જ કરવું જોઈએ.