14 May, 2024 09:08 AM IST | Mumbai | Dharmik Parmar
જીવદાની માતા મંદિર (વિરાર)
આજે આસ્થાના એડ્રેસ (Aasthanu Address)માં વાત કરવી છે મુંબઈનાં વિરાર રેલવે સ્ટેશનથી પૂર્વમાં ટેકરી પર સ્થિત જીવદાની માતા મંદિરની.
શું છે જીવદાની મંદિરનું પૌરાણિક મહાત્મ્ય?
એવી લોકવાયકા છે કે આ મંદિર પાંડવોએ પોતે તેમના વનવાસ દરમિયાન તૈયાર કર્યું હતું. વનવાસ દરમિયાન પાંચેય પાંડવોએ અહીં એક ગુફામાં દેવીને સ્થાપિત કર્યા હતાં. અને જે ટેકરિયાળા ભાગમાં માતાનું મંદિર આવેલું છે તે `પાંડવ ટેકરી`નાં નામે ઓળખાય છે.
જીવદાની માતા મંદિરનાં પગથિયાં વિષે શું લોકવાયકા છે?
ખાસ તો જીવદાની માતા મંદિર (Aasthanu Address) તેનાં ૧૪૦૦ પગથિયાં માટે પણ પ્રચલિત છે. એવું કહેવાય છે કે જીવદાની મંદિરનાં પગથિયાં સત્તરમી સદીમાં બનાવવામાં આવ્યા હતા. આજે પણ મંદિર સુધી પહોંચવા ૧૪૦૦ પગથિયાં ચઢીને જવું પડે છે. શરૂઆતમાં તો પ્રોપર ચઢવા માટે સીડીઓ નહોતી પરંતુ સમયની સાથે તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે અને તે ભક્તોની સુવિધા અનુસાર કરવામાં આવ્યા છે. એવી પણ વાયકા છે કે 1940થી 1956ની વચ્ચે બારકીબાઈ નામનાં એક ભકતાણી થઈ ગયાં. તેઓ દરરોજ આ ટેકરી પર જઈને દેવીની પૂજા કરતાં હતાં. આ તેમનો નિત્યક્રમ જ હતો. પછી 1956માં દેવીના ભક્તોએ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.
શું અહીં કોઈ કિલ્લો હતો?
એવું કહેવાય છે કે 17મી સદીમાં આ ટેકરી પર જીવધન નામનો કિલ્લો હતો. કિલ્લેબંધીની અંદર કેટલીક પ્રાચીન ગુફાઓ અને પાણીના કુંડ આવેલા હતા, જેમાંથી મોટા ભાગના હવે તો સુકાઈ ગયા છે.
સંતાન પ્રાપ્તિ માટે આશીર્વાદ બક્ષે છે જીવદાની માતા
જગદગુરુ શંકરાચાર્યનાં આગમન વખતે મહાર અથવા મિરાશી લોકો વિરારમાં રહેતા હતા જે મોટેભાગે ગામના ઢોર ચરાવતાં હતાં. તેઓ જગદગુરુ શંકરાચાર્ય પદ્મનાભ સ્વામીના દર્શન માટે આવ્યા હતા અને તેમને તેમના કુલદેવતાના દર્શન થાય એવી જગદગુરુ પાસે પ્રાર્થના કરી હતી. ત્યારે જગદગુરુએ તેઓને જીવદાની ટેકરીની તળેટીમાં ગૌ સેવા કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ આ લોકોએ ગામના ઢોરને ચારવાનું શરૂ કર્યું. તેમને એક જ આશા હતી કે તેમને તેમની કુળદેવીના દર્શન થાય. હવે રોજ જે ગાયોને તે ચરાવતો હતો તેમાંથી એક ગઈ એવી હતી કે તેનો માલિક આ લોકોને પૈસા આપતો નહોતો. એટલે આ ગાયનો આખરે માલિક છે કોણ? એ જાણવા તે ગાયના પાછળ પાછળ ગયો. ગાય જીવદાની ટેકરીની ટોચે પહોંચી.
Aasthanu Address: ત્યારે મહારને એક દૈવી લક્ષણોવાળી સુંદર સ્ત્રીનાં દર્શન થયા. ત્યારે મહારને જગદગુરુ શંકરાચાર્યના શબ્દો યાદ આવ્યા અને તરત બત્તી થઈ કે આ બીજું કોઈ નહીં પણ તેમની કુળદેવી મા જીવદાની છે. તેણે ખુશ થઈને માતાને પૂછ્યું "હે માતા! મેં તમારી ગાય ચરાવી છે, શું તમે મને તેના પશુપાલન માટે ચૂકવણી નહીં કરો?" ત્યારે દેવીએ સ્મિત આપ્યું. મહારે કહ્યું કે, "મને સ્પર્શ કરશો નહીં, હું મહાર છું." તે જાણીને દેવીએ વળતો સવાલ કર્યો કે, "હે! બાળક, તમે વર્ણાશ્રમ ધર્મ અને મોક્ષ ધર્મનું આ અનોખું જ્ઞાન ક્યાંથી શીખ્યા?" ત્યારે મહારે કહ્યું કે "જગદગુરુ શંકરાચાર્ય પાસેથી" આટલું સાંભળતા જ દેવી રાજી થયાં. તેમને કહ્યું, "જુઓ આ ગાય જે બીજું કોઈ નથી પણ કામધેનુએ તમારા પૂર્વજોને તેની જ પૂંછડી વડે વૈતારિણી પાર કરીને ઉચ્ચ સ્થાન આપ્યું હતું." ત્યારે મહારે ગાયને પહાડીની ટોચ પરથી કૂદતી જોઈ તેના બે પગની છાપ ટેકરી પર અને બીજા બે પગની છાપ સ્વર્ગમાં વૈતારિણી નદીની પેલે પાર જોઈ. ત્યારે દેવીએ કહ્યું, "તમે જે વસ્તુ માંગી હતી તે મોક્ષ છે."
આમ કહેતા જ મહારને મોક્ષ પ્રાપ્ત થયો. પછી દેવી ગુફામાં અલોપ થવાના હતા ત્યારે આ બધી દૈવી ઘટના જોઈને એક વાંઝણી સ્ત્રીએ બૂમ પાડીને સંતાન માટે પ્રાર્થના કરી. તેની પ્રાર્થનાથી દેવી પ્રસન્ન થયાં અને જગતની સર્વ સંતાન પ્રાપ્તિ માટે ઇચ્છુક સ્ત્રીઓને સંતાન આપવાનું વચન આપ્યું. ત્યારથી તેઓ ગુફાનાં એક છિદ્રમાં જઈને વસ્યાં. અને કહ્યું કે જે સ્ત્રીઓ મને પાન-સોપારી ચડાવશે. તેઓને સંતાન પ્રાપ્તિ થશે. એટલું કહીને દેવી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારથી સંતાન પ્રાપ્તિ માટે અનેક ભક્તો માતાને પ્રાર્થના કરવા આવે છે. અને માતા તેમને ફળ પણ આપે છે.
ખાસ આ દિવસોમાં વધુ ભીડ રહેતી હોય છે મંદિરમાં
આમ તો બારેય માસ અહીં (Aasthanu Address) પુષ્કળ ભીડ હોય છે. પણ નવરાત્રી ઉત્સવના નવ દિવસ દરમિયાન અહીં વધુ લોકો દર્શનાર્થે આવે છે. એ ઉપરાંત મંગળવાર અને રવિવારે ઘણા લોકો જીવદાની માતાના આશીર્વાદ માટે આવતા હોય છે. પહેલા આ મંદિરની નજીક રહેતા લોકો જ ત્યાં પ્રાર્થના કરવા જતા હતા. પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તે મુંબઈ અને અન્ય નજીકના સ્થળોથી પણ લોકો આવવા લાગ્યા અને આ જગ્યા લોકોના આસ્થાનું એડ્રેસ બની ગઈ.
આ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે
માતા જીવદાની દેવીના દર્શન સૌ શાંતિથી કરી શકે માટે ત્યાં સેવકો ખડેપગે હોય છે. વળી, મોટી ઉંમરનાં લોકો માટે રોપ-વે પણ બનાવવામાં આવ્યો છે. મંદિર (Aasthanu Address)ની અંદર જે મુખ્ય પૂજા સ્થળ છે, ત્યાં સફેદ આરસપહાણથી બનેલી દેવીની સુંદર પ્રતિમા છે. દર વર્ષે દશેરાના તહેવારમાં એક મેળો ભરાય છે જેમાં હજારો લોકો જાય છે. લોકો મંદિરના માર્ગ પર અને મંદિરની બહાર આવેલી નાની પૂજાની દુકાનો પર અગરબત્તી, બંગડીઓ, લાલ ચુંદડી, નારિયેળ, મીઠાઈઓ વગેરે પૂજાપાની સામગ્રી ખરીદી શકે છે. તો, તમેય ચોક્કસથી પહોંચી જજો આ આસ્થાના એડ્રેસ પર, હોંકે!