24 December, 2024 10:48 AM IST | Mumbai | Dharmik Parmar
પાલઘર જિલ્લામાં આવેલું સદીઓ પુરાણું વજ્રેશ્વરી માતાનું મંદિર
આજે તમને જે આસ્થાના એડ્રેસ (Aastha Nu Address) પર લઈ જવા છે તે પાલઘર જિલ્લામાં આવેલા વસઈ અને નાલાસોપારા નજીક આવેલું વજ્રેશ્વરી માતાજીનું મંદિર છે.
તમે આ મંદિરનાં દર્શને જાવ તો નીચે ઊભા હોવ ત્યાંથી જ વજ્રેશ્વરી યોગિની દેવી સંસ્થાન એવું લખેલું વાંચવા મળે છે. મુંબઈથી આશરે 75 કિમી દૂર વસેલા વજ્રેશ્વરીમાં સ્થિત આ મંદિર અનેક લોકોની આસ્થાનું એડ્રેસ બન્યું છે. આ સ્થાન પહેલા વડવલી તરીકે ઓળખાતું હતું પણ હવે તે મંદિરની દેવી વજ્રેશ્વરીના નામે જ પ્રખ્યાત છે.
(ફોટો સૌજન્ય: વજ્રેશ્વરી મંદિરની ઓફિશિયલ વેબસાઇટ)
ટેકરી પર વસ્યાં છે મા વજ્રેશ્વરી
Aastha Nu Address: વજ્રેશ્વરી માતાજીનું આ સ્થાનક ટેકરાળ વિસ્તાર પર આવેલું છે. આ માતાજી વજ્રયોગિની અને વજ્રબાઈ તરીકે પણ જાણીતાં છે. કોઈક તેને પાર્વતીનો અવતાર તો કોઈ આદિમાયા અવતાર તરીકે પૂજે છે. વજ્રેશ્વરીની પોસ્ટ ઓફિસ નજીક મઢગિરી ટેકડી પર આ મંદિર આવેલું છે. ચારેબાજુથી તે કિલ્લાની સંરચના જેવું આ મંદિર જોતાં જ આને મંદિર કહેવું કે કિલ્લો તેમાં અટવાઈ જવાય.
માતા વજ્રેશ્વરીની કથા જાણો છો?
હવે આ મંદિરની કથા વિષે વાત કરું. વર્ષો પહેલાંની વાત છે. કાલિકટ નામનો એક રાક્ષસ વડવલી કહેવાતા વિસ્તારમાં રોફ જમાવતો હતો. તેણે ઋષિઓને પણ હેરાન કરવાનું શરૂ કર્યું. ત્યારે ઋષિઓએ ઋષિ વશિષ્ઠના માર્ગદર્શન હેઠળ યુદ્ધ કરવાનું નક્કી કર્યું. દેવીને પ્રસન્ન કરવા ત્રિચંડી યજ્ઞ કરવાનું નક્કી થયું. પણ વાત બની એમકે ઇન્દ્રને આહુતિ આપવા દેવામાં ન આવતા તેણે ક્રોધે ભરાઈને વજ્રને યજ્ઞમાં નાખ્યું. સૌ દેવીને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે દેવીએ વજ્રને ગળી લીધું અને રાક્ષસનો વિનાશ કર્યો. ત્યારથી વડવલી વિસ્તારમાં વજ્રેશ્વરી માતા તરીકે દેવીની પૂજા થવા લાગી.
વસઈનો કિલ્લો જીતીશ તો તારું દેવળ બાંધીશ
આ મંદિર (Aastha Nu Address) પાછળ એક લોકવાયકા છે છે કે વજ્રેશ્વરીને માતા પાર્વતીનું રૂપ માનવામાં આવે છે. ચિમાજી અપ્પા નામના પેશવાએ પોર્ટુગીઝોની વિરુદ્ધ વસઈનો કિલ્લો જીતવા માટે વજ્રેશ્વરી માતાની આરાધના કરી હતી. ચિમાજી અપ્પાએ ત્યારે વજ્રેશ્વરી માતાને પ્રાર્થના કરી હતી કે જો તે પોર્ટુગીઝો પાસેથી વસઈનો કિલ્લો જીતી જશે તો તે માતાજીનું મંદિર બંધાવશે. બન્યું પણ એવું જ કે વજ્રેશ્વરી માતાએ ચિમાજી અપ્પાને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કિલ્લો કેવી રીતે જીતી શકાય તેનું રહસ્ય સમજાવ્યું. બસ,પછી તો માતાજીના કહેવા પ્રમાણે પોર્ટુગીઝોને ભાગે પરાજય અને ચિમાજી અપ્પાની જીત થઈ. પછી આ પેશવાએ સૂબેદારને આદેશ આપીને વજ્રેશ્વરી મંદિર બંધાવવાનું શરૂ કર્યું.
કિલ્લાની પ્રતિકૃતિ જેવું જ મંદિર છે
આ મંદિરના પ્રવેશદ્વાર પર નગારખાનું છે. કોઈ કિલ્લાના પ્રવેશદ્વાર હોય એવો જ પ્રવેશદ્વાર મંદિરનો પણ છે. મંદિરે પણ કિલ્લાની ચારે બાજુ પથ્થરની ઊંચી દીવાલો છે. પથ્થરની ૫૨ જેટલી સીડીઓ ચઢ્યા બાદ આ મંદિરમાં પ્રવેશી શકાય છે. વચ્ચે સુવર્ણ કાચબો મૂકવામાં આવ્યો છે.
મુખ્ય ગર્ભગૃહ ઉપરાંત અન્ય એક ગર્ભગૃહ તેમ જ એક સ્તંભયુક્ત સભામંડપ આવેલો છે. ગર્ભગૃહ (Aastha Nu Address)માં વચ્ચે વજ્રેશ્વરી દેવીની અતિ મનોરમ્ય મૂર્તિ આવેલી છે. તલવાર અને ગદાધારી આ મૂર્તિની ડાબી તરફ મા રેણુકાની મૂર્તિ અને જમણી તરફ મહાલક્ષ્મીની મૂર્તિ સ્થાપિત છે. ગર્ભગૃહની જેમ બહાર નીકળીએ તેમ બહારના ભાગમાં ગણપતિ દાદા, ભૈરવ, હનુમાન અને ગિરિ ગોસાવી સંપ્રદાયનાં સંતોની મૂર્તિ છે.
(ફોટો સૌજન્ય: વજ્રેશ્વરી મંદિરની ઓફિશિયલ વેબસાઇટ)
આ મંદિરમાં ક્યારે ભીડ હોય છે?
આમ તો બરેમાસ આ મંદિર (Aastha Nu Address)માં ભક્તોની ભીડ હોય છે,પણ ચૈત્ર મહિનાની અમાવસ્યાએ વજ્રેશ્વરી દેવીના સન્માનમાં મેળો યોજાય છે ત્યારે માનવમહેરામણ ઊમટે છે. બીજા દિવસે દેવીની પાલખી સાથે મેળાવડો થાય છે. એ ઉપરાંત હિન્દુ તહેવારો જેવા કે શિવ ઉપાસના, કોજાગીરી પૂર્ણિમા, દિવાળી, હોળી, દત્ત જયંતિ, હનુમાન જયંતિ પણ ઉજવાય છે. મંદિરની સામે પૂજાપો અને ફૂલ-હારની અનેક દુકાનો આવેલી છે.