12 September, 2024 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રામચરિતમાનસમાં ૧૪ જણને જીવતા હોવા છતાં મૃત કહ્યા છે. રામચરિતમાનસમાં ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ આ ૧૪ પ્રકારના જીવને જીવતા હોવા છતાં તેમને મૃત માન્યા છે. ભલે તે જીવે પણ તેના જીવનનો કોઈ અર્થ નથી. સમજીએ એક સૂત્રની મદદથી...
कौल कामबस कृपिन बिमुढा ।
अति दरिद्र अजसी अतिबुढा ।।
सदा रोगबस संतत क्रोधी ।
बिश्नु बिमुख श्रुति संत बिरोधी ।।
तनु पोषक निंदक अघखानी ।
जीवत सव सम चौदह प्रानी ।।
ઉપરોક્ત જે સૂત્રો રામાયણે બતાવ્યાં છે, એ બધા માનવીય દોષો છે અને જેનામાં એ બધા જ છે તે દોષની ખાણ છે. ઉપરાંત જેની પાપવૃત્તિ અને મતિ પાપી છે તેવો પાપી પણ અધખાની કહેવાય. આજે આ ૧૪ લક્ષણોમાંથી સાત વિશે સમજીએ...
૧. कौल એટલે વામમાર્ગી. વામમાર્ગી એટલે ભૂત-પ્રેતને ભજનારો, માનનારો અને એમાં રચ્યોપચ્યો રહેનારો.
૨. कामबस એટલે કામી અથવા કામને વશ થયેલો માનસિક વિકૃતિવાળો, પરસ્ત્રીમાં માતૃબુદ્ધિ ન રાખનારો, જેનું મન જ્યાં-ત્યાં ભટકતું હોય એવો વ્યભિચારી.
૩. कृपिन જેની વૃત્તિ અને પ્રવૃત્તિમાં સદા લોભ દેખાયા કરે, જેના દિલમાં ક્યારેય ઉદારતા ન આવે. આવા લોભી સ્વભાવના કારણે તે આપ્તજનો સાથે પણ દ્વેષ કરી બેસે એવો લોભી.
૪. विमूढ़ એટલે મૂર્ખ. જે દરરોજ કલેશ કરનાર, સદૈવ નિદ્રાધીન, જેનો સમગ્ર સમય વ્યસનમાં અને ખોટી ખટપટમાં જતો રહેતો હોય. આવા ઘણા બધા અવગુણથી ભરેલો મૂર્ખ કહેવાય છે.
૫. अति दरिद्र એટલે જેનામાં પુરુષાર્થનો અભાવ અને આલસ્યનો પ્રભાવ હોય. જે માત્ર ને માત્ર પ્રારબ્ધવાદી હોય તેવા લોકોમાં જે દારિદ્ર હોય તે દરિદ્ર કહેવાય છે. ઉપરાંત દરિદ્રનો અર્થ મનનો રોગી, મનનો નિર્બળ, જેના વિચારો ઉત્સાહવિનાના છે અને નબળા છે આવો દરિદ્ર. દરિદ્રનો અર્થ નિર્ધન અને ભાગ્યહીન એવો ન થાય.
૬. अजसी એટલે જેને પોતાનાં કર્મો દ્વારા અપજશ મળ્યો છે. જેણે એવાં કાર્યો કર્યાં છે જેનાથી સમાજ, કુટુંબ કે પરિવાર સંતૃષ્ટ નથી અને જે કીર્તિભ્રષ્ટ થયો છે. આવી કીર્તિ વિનાની વ્યક્તિને અજસી કહેવાય છે
૭. अतिबुढा અતિબુઢાનો અર્થ જેણે અકાળે વૃદ્ધત્વને નિમંત્રિત કર્યું છે. સ્વાભાવિક વૃદ્ધત્વ તો વંદનીય છે, પરંતુ જે વ્યક્તિ અકાળે વૃદ્ધ જેવાં લક્ષણો ધરાવે છે તે અતિબુઢા છે. સંસારના વિષયોએ જેને શક્તિહીન બનાવ્યો છે. જે થાકવાનો અને હારવાનો સમય ન હોવા છતાં હારી ગયો છે, થાકી ગયો છે તેને વૃદ્ધ કહેવાય છે.
બાકીનાં સાત લક્ષણો કયાં છે એ આવતા પખવાડિયે જાણીશું.
- આશિષ વ્યાસ (શ્રીમદ ભાગવતના યુવા કથાકાર આશિષ વ્યાસ છેલ્લાં ૧૭ વર્ષથી યુવા પેઢીને સાચો માર્ગ ચીંધવાનું કામ કરી રહ્યા છે.)