આજે જેની જરૂરિયાત મંદ નથી તે ચોક્કસપણે ભવિષ્યમાં જરૂરિયાતમંદ બને છે

19 November, 2024 03:40 PM IST  |  Mumbai | Jainacharya shree Udayvallabhasuri

આજનો મધ્યમવર્ગીય માણસ મંદી અને મોંઘવારી વચ્ચે સૅન્ડવિચ થાય છે. બજારમાં ધંધો કરવા જાય તો મંદી નડે, બજારમાં ખરીદી કરવા જાય તો મોંઘવારી નડે.

પ્રતીકાત્મક તસવીર

આજનો મધ્યમવર્ગીય માણસ મંદી અને મોંઘવારી વચ્ચે સૅન્ડવિચ થાય છે. બજારમાં ધંધો કરવા જાય તો મંદી નડે, બજારમાં ખરીદી કરવા જાય તો મોંઘવારી નડે. મહિનો શરૂ થતાં જ પૂરો થાય એટલી રકમ પત્નીના હાથમાં મૂકવાની ચિંતા સતત રહે. બાળકોની ફી ભરવાનો ભાર હોય.

શિક્ષણની જેમ જ આરોગ્યનો પ્રશ્ન પણ એટલો જ વિકટ! ઘરમાં કોઈ માંદું પડે ત્યારે માંદા માણસ કરતાંય ક્યારેક વધુ દયનીય દશા ઘરના અન્ય સભ્યોની થતી હોય છે. પહેલી ઇનિંગ્સની છ રનની સાવ મામૂલી લીડ જેટલી બચત હોય ત્યારે શું કરવું? વધેલી જરૂરિયાતો અને ઘટતી જતી આવકના બન્ને છેડા પ્રગટેલા છે. બે બાજુથી સળગતી મીણબત્તીનું નામ ‘માણસ’ છે.

જાજરમાન જોખમો વચ્ચે રહેવાનું માણસને હવે કોઠે પડી ગયું છે. લાઇનમાં ઊભા રહીને ચીજવસ્તુ લાવવાના દિવસો તો ભૂલી જાઓ! હવે તો ઑનલાઇન ઝિંદાબાદ! ખરીદી કરવા જવું, ભાવતાલ કરવા, પસંદગી કરવી, આવી બધી સોશ્યલ કળાઓનું અકાળે મરણ થયું છે. નાની દુકાનો, નાના ધંધાઓ પર અને એના દ્વારા લાખો લોકોના સ્વસ્થ જીવનનિર્વાહ સામે વિકરાળ પ્રશ્નાર્થ ખડો થયો છે. 

આજ કરતાં પણ આવતી કાલ વધુ ભયંકર હોઈ શકે છે. જે મંદ જરૂરિયાત નહીં રાખે તે જરૂરિયાતમંદ બનવાનો! રોજ સવાર પડતાં જ મોંઘવારી નવા વિક્રમો સર્જે છે અને પોતે જ પોતાના વિક્રમો તોડે છે. રોજ નવા પડકારો સાથે સૂર્ય ઊગે છે. આવક પૂરતી ન જણાય તો ઊંચા વ્યાજદરે પૈસા લાવીને પણ જરૂરિયાતો પૂરી કરી તો દીધી, પછી ચાલુ થતા વ્યાજના ચક્કરનું શું? સગવડ, શોખ અને મોજ માટે પણ બૅન્ક લોન તો પાસ કરાવી શકાશે, પછી દર મહિનાના એકાદશીના આકરા ઉપવાસ જેવા બૅન્કના હપ્તાનું શું?

પૈસાની વ્યવસ્થા દરેક વખતે કરતા રહેવું, સટ્ટા દ્વારા વગર મહેનતની આવકના સ્ત્રોતો ચકાસવા, આ બધું કાયમી ઉપાય નથી. જીવનધોરણ નીચે લાવવાનો પ્રયત્ન કેટલા કરે? વધુ પડતા ફૂલી ગયેલા શરીરને ઉતારવા માટે ડાયટિંગના કોર્સ કરી શકાય. વકરેલી (વિકસેલી નહીં) જીવનશૈલીની ચરબી ઉતારનાર ડાયટિશ્યન છે કોઈ?

સમય પાકી ગયો છે કે હવે ઉપદેશકો, ચિંતકો, લેખકો અને મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ બધા ભપકાદાર રીતે સાદગીનો મહિમા પ્રસ્તુત કરે. લક્ઝરીના પડદા પાછળના રાક્ષસનો ચહેરો ખચકાટ વગર બતાવવો પડશે. ક્રાન્તિ થઈ ગઈ, હવે એક પ્રચંડ પ્રતિ-ક્રાન્તિની જરૂર છે. આ આઉટડેટેડ નહીં, પણ આવનારા દાયકાની ઍડ્વાન્સડ ફૉર્મ્યુલા છે. શોપિંગ એક ‘મેનિયાક’ તરીકે ઘોષિત થાય અને સાદગી એ આદર્શ તરીકે રજૂ થાય એ દિવસો દૂર નથી. જીડીપી ગ્રોથ અને હૅપીનેસ ઇન્ડેક્સ વચ્ચે અત્યારે તો રસાકસીભર્યો જંગ ચાલે છે.

gdp culture news columnists health tips social media share market Education life and style