જે બીજાની ભૂલોને ભૂલતા નથી, જગત તેને ભૂલી જાય છે

19 September, 2023 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કહી દો આજે એ બધાને કે ભૂલ તારી હતી કે ભૂલ મારી હતી, મારે બધી ભૂલોને ભૂલી જવી છે. મારે મારી અગાઉની બધી યાદોને, બધી ઘટનાઓને, બધી સ્મૃતિઓને આજે અપ્પાણં વોસિરામિ કરી દેવી છે, કારણ કે જે ભૂલે છે એ જ ખાલી થાય છે અને એ ખાલી થયેલા હૃદયમાં ખુશી અને આનંદ ભરાય

પ્રતીકાત્મક તસવીર

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે ક્ષમાપનાનો ઉત્સવ!
આજે બધાને સાચા દિલથી ક્ષમા આપી, બની જાઓ ક્ષમાનુપ્રિય!
ગમતી વ્યક્તિ સામે મસ્તક ઝુકાવી, ક્ષમા માગવી એ તો રાગ હોય, અણગમતી વ્યક્તિ સામે મસ્તક ઝુકાવી સાચા દિલથી માફી માગવી એ સાચી ક્ષમાપના હોય!
માપી માપીને ક્યારેય માફી ન હોય, માફી તો દિલની ક્ષમાને માણતાં-માણતાં હૈયાની હળવાશને અનુભવતાં, હસતા ચહેરે અને રડતી આંખે આપવાની હોય!
જો સામેવાળી વ્યક્તિની ભૂલ હોય તો હસતાં-હસતાં ક્ષમાપના કરવી, સ્વયંની ભૂલ હોય તો રડતાં-રડતાં ક્ષમાપના કરવી અને જો બન્નેની ભૂલ હોય તો નમતાં-નમતાં, ઝૂકતાં-ઝૂકતાં ક્ષમાપના કરવી.
ઉત્કૃષ્ટ ભાવે કરેલી ક્ષમાપનાથી કર્મોનો ક્ષય થતો જાય અને આત્મા હળવો થતો જાય છે. પરંતુ ક્ષમાપના પણ અલગ-અલગ પ્રકારની હોય છે.
સંબંધો અને વ્યવહાર સાચવવા માટે થતી ક્ષમાપના ઍલોપથી દવા જેવી હોય, પર્યુષણ પર્વને સાચવવા માટે થતી ક્ષમાપના આયુર્વેદિક દવા જેવી હોય અને પોતાની એક-એક ભૂલોને યાદ કરી, હૃદયની ભીનાશ અને વહેતાં આંસુ સાથે, દિલથી થતી ક્ષમાપના નેચરાપથી જેવી હોય.
પરંપરામાં આવે છે કે નાના હોય તેમણે પોતાનાથી મોટાને ખમાવવા જવાનું હોય અને મોટા પણ વેઇટ કરતા હોય કે નાના ખમાવવા આવે, પણ તમે એ પરંપરાને ચેન્જ કરી દો, તમે તમારાથી જેટલા નાના હોય એ બધાને ત્યાં સામેથી ખમાવવા જાવ. તમે જેટલા વહેલા બધાને ખમાવશો એટલા વહેલા તમે હળવા થઈ જશો અને તમે બીજા મને ખમાવવા આવે એની જેટલી વેઇટ કરશો એટલું તમારા કર્મોનું વજન વધતું જશે.
બીજાની ભૂલોને ભૂલતાં શીખી જાઓ. જે બીજાની ભૂલોને ભૂલતા નથી, જગત તેને ભૂલી જાય છે.
ચંડકૌશિક સર્પે ભગવાન મહાવીરને ડંખ માર્યો, ભગવાન એ ભૂલી ગયા અને એના પર પ્રેમ વરસાવ્યો એટલે આજે ૨૬૦૦ વર્ષ પછી પણ જગત પ્રભુને યાદ કરે છે.
ભૂલના બીજમાંથી જ દ્વેષનાં, ગુસ્સાનાં, અણગમાનાં ફળ આવતાં હોય છે.
કહી દો આજે એ બધાને કે ભૂલ તારી હતી કે ભૂલ મારી હતી, મારે બધી ભૂલોને ભૂલી જવી છે. મારે મારી અગાઉની બધી યાદોને, બધી ઘટનાઓને, બધી સ્મૃતિઓને આજે અપ્પાણં વોસિરામિ કરી દેવી છે. કારણ કે જે ભૂલે છે એ જ ખાલી થાય છે અને એ ખાલી થયેલા હૃદયમાં ખુશી અને આનંદ ભરાય છે.
માનો કે કદાચ ભૂલ સામેવાળાની હતી, તેની ભૂલ નાની હતી, પણ એ નાની ભૂલને તમે વર્ષો સુધી યાદ રાખી એ તમારી મોટી ભૂલ હતી.
ક્ષમાપના એ જ ન કરી શકે જેની અંદર અહંકાર હોય, જે અક્કડ હોય. જે અક્કડ હોય તે સ્વયં પોતાને માટે અરિહંત બનવાના દ્વારને બંધ કરનારા હોય.
નિર્ણય કરો, મારે જેની-જેની સાથે બહારની કોર્ટમાં કેસ ચાલે છે એ તો બંધ કરવા છે અને મારે મારી મગજની કોર્ટમાં પણ જેટલા કેસ છે એને પણ આજે બંધ કરી, એકદમ હળવા અને પ્રસન્ન થઈ જવું છે.
એક વાર બહારથી સૉરી કહેવું હજી પણ સહેલું છે, પણ મગજમાં પકડી રાખેલી પકડ છોડવી બહુ અઘરી છે.
માનો કે તમે કોઈને પાંચ લાખ કે ૫૦ લાખનો ચેક આપો છો, પણ એ ચેક પર તમે સાઇન નથી કરી તો એ ચેકની વૅલ્યુ કેટલી? ઝીરો! એમ તમે રોજની પાંચ સામાયિક કરો, ૫૦ લાખ ડોનેશનમાં આપો કે માસક્ષમણ જેવી શ્રેષ્ઠ તપસાધના કરો, પણ પરમાત્માએ કહ્યું છે કે જો દિલમાં ક્ષમાની સાઇન ન હોય તો તમારા તપની, તમારી સાધનાની, તમારા દાનની વૅલ્યુ ઝીરો થઈ જાય છે.
પર્વાધિરાજ પર્યુષણનું હાર્ટ છે ક્ષમાપના!
જ્યાં ક્ષમા નથી ત્યાં હિંસા છે.
જ્યાં ક્ષમા નથી ત્યાં અસત્ય છે.
જ્યાં ક્ષમા નથી ત્યાં ચોરી છે.
જ્યાં ક્ષમા નથી ત્યાં અબ્રહ્મ છે.
જ્યાં ક્ષમા નથી ત્યાં બીજાની ભૂલોનો મહા પરિગ્રહ છે.
જીવ સાથે જીવની જેમ રહેવું એ ક્ષમા છે અને જડ સાથે જીવની જેમ રહેવું એ મહાક્ષમા છે.
દરવાજા જોરથી બંધ કરવા, કાગળ ફાડવાં, વાસણ પછાડવાં કે કચરાને ઉપરથી ફેંકવો એ બધું જડ પદાર્થનું અપમાન કર્યું કહેવાય છે. માટે આજે એ બધાંની પણ દિલથી ક્ષમાપના કરી લેવાની  છે. જે જડ સાથે જડ જેવો વ્યવહાર કરે છે તેને ભવિષ્યમાં જડનો પણ સારો સંયોગ મળતો નથી. જે જડ સાથે પ્રેમથી રહે છે તે જીવ સાથે પણ પ્રેમથી રહી શકે છે.
આજે તમારા હૃદયને ક્ષમાના જળથી ભીનું કરીને, હૃદયને ઋજુ બનાવીને, અહંકારને ઓગાળીને દરેક જીવોની સાથે, દરેક અજીવ પદાર્થોની પણ સાચા દિલથી ક્ષમાપના કરી, અજીવ પ્રાદોષિક નામની ક્રિયાથી મુક્ત થઈ જાઓ.
જો અંતે રાખ જ થવાનું છે તો કોઈની સાથે શા માટે વેર-ઝેર રાખવાનાં?
જે વૅલ્યુ ક્ષમાની હોય એ ક્યારેય પ્રહાર કે પ્રતિકારની ન હોય!    
જે વૅલ્યુ ક્ષમાની હોય એ વૅલ્યુ ક્યારેય રીઍક્ટ કરવાની કે રીઍક્શન્સ આપવાની ન હોય!
ક્ષમાપનામાં જ્યાં ટર્મ્સ અને કન્ડિશન હોય ત્યાં રિલેશન્સની કન્ડિશન પણ વર્સ્ટ થઈ જાય છે. 
ક્ષમાપનામાં નડતાં તત્ત્વો જો ઈગો, જેલસી, પઝેસિવનેસ, બ્લૅમિંગ, ચીટિંગ અને મિસઅન્ડરસ્ટૅન્ડિંગ છે, તો ક્ષમાપનાને બૂસ્ટ કરનારું તત્ત્વ છે, સૉરી!
મારી તમને એ જ પ્રેરણા છે કે આજે મનમાં જેટલાં વેર-ઝેર હોય, અણગમો હોય અને નડતાં તત્ત્વો હોય એ બધાંને ભૂલીને, લાઇફની આ છેલ્લી સંવત્સરી છે એમ માનીને જો જીવ અને અજીવ બધા સાથે સાચા દિલથી ક્ષમાપના કરી લેશો તો સદાય હળવા થઈને રહેશો, જો કાયમ હળવા રહેશો તો વિદાય થવાના અવસરે પણ હૈયામાં હળવાશ લઈને વિદાય થશો, નહીં તો અણગમાની કડવાશ સાથે વિદાય થશો. અંતિમ સમયે જેના ચહેરા પર હળવાશ અને હાસ્ય હોય તેના આવતા ભવમાં પણ ચહેરા પર હળવાશ અને હાસ્ય હોય.
ક્ષમા આપો સર્વ જીવોને, સર્વ અજીવ પદાર્થોને અને બની જાઓ ક્ષમાનુપ્રિય!
સમાધિને પામવા કરો પ્રયોગ ઃ
જીવનમાં અને પરિવારમાં શાંતિ, સમાધિ અને પ્રસન્નતાને પામવા સાચા હૃદયના ઉત્કૃષ્ટ ભાવથી વારંવાર કરો આ ત્રિપદીનો ઉપયોગ....
હું ખમાવું છું. મિચ્છા મિ દુક્કડં, આઇ ઍમ સૉરી!

ચિંતન કરીને જીવનમાં ઉતારવા જેવી વાત
 એક વાર સૉરી કહેવું સહેલું છે, પણ અંદરની અક્કડ છોડવી અઘરી છે.
 પર્યુષણની એક જ ડિમાન્ડ... સંવત્સરીની સંધ્યાએ, નો નેગેટિવિટી ફૉર એનીવન!
 અંદર પડેલી નેગેટિવ યાદોની ‘સ્મશાનયાત્રા’નું નામ ‘સંવત્સરી’!
 બીજાની ભૂલને યાદ રાખવી એટલે મગજને કોલસાઘર બનાવવું. 
 બીજાને ખોટા સાબિત કરી પોતાને સાચા સાબિત કરવા એને પરમાત્માએ સૌથી મોટો અહંકાર કહ્યો છે.
 અંતે બનવાનું છે ‘લાશ’ તો શા માટે રાખવી ‘કડવાશ?’
 ક્લોઝ ના હોનેવાલે હર એક કોર્ટકેસ પલ-પલ હમારી શાંતિ કો લૉસ કરાતા હૈ
 જેની આંખ ભીની થાય એ ‘અરિહંતતા’ના માર્ગ પર આવે છે. 
 જે ખૂલે છે અને ખાલી થાય છે, ખુશીઓ તેના હૃદયમાં પ્રવેશે છે.
 જબ હમારે નામ કે આગે કભી ‘નો મોર’ લગને હી વાલા હૈ, તો ક્યોં નહીં આજ સે ‘નો મોર ઍન્ગર’, ‘નો મોર જેલસી’, ‘નો મોર બ્લેમિંગ...?’
 દિલના ચેક પર ક્ષમાની સાઇન ન હોય તો બધું ‘પસ્તી’ જેવું છે.

 

(અહેવાલ: રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.)

culture news life and style gujarati mid-day jain community