12 September, 2023 07:02 PM IST | Mumbai | Muktivallabh Surishwarji Maharaj
પર્યુષણ એટલે સંતુલનનું મહાપર્વ
લૉ ઑફ બૅલૅન્સના આધારે વિશ્વની તંદુરસ્તી જળવાઈ શકે. સંતુલન ખોરવાય છે ત્યારે અનેક સમસ્યાઓ સર્જાય છે. પાંચ પ્રકારના અસંતુલનથી આજે વિશ્વ પીડાય છે. એ પાંચેય અસમતુલાનું નિવારણ કરવા પર્યુષણ પર્વ પાંચ ફૉર્મ્યુલા લઈને પધારે છે.
૧. પર્યાવરણનું અસંતુલનઃ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડાં, પૂર, ધરતીકંપ વગેરે કુદરતી આફતો અવારનવાર ત્રાટકે છે અને બહુ મોટો પ્રલય સર્જીને જાય છે. આ કુદરતી આફતોનું મૂળ પર્યાવરણીય અસંતુલનમાં પડેલું છે. વકરેલા ઉપભોક્તાવાદને કારણે સર્વત્ર કુદરતી સંપત્તિઓનું બેફામ
શોષણ થઈ રહ્યું છે. પર્વતો ખોદી કાઢવામાં આવે છે. ઉદ્યોગો દ્વારા પાણી ખૂબ પ્રદૂષિત થઈ રહ્યું છે. વાહનો અને વિદ્યુતથી ચાલતાં એસી, ફ્રિજ વગેરે સાધનો દ્વારા હવા પ્રદૂષિત થઈ રહી છે. ઓઝોનના કવચમાં ગાબડાં પડવા લાગ્યાં છે. જંગલોનો બેફામ વિનાશ થવાથી ઋતુચક્ર ખોરવાયાં છે અને પશુ-પક્ષીઓની બેફામ કતલને કારણે ઘણી વિકટ સમસ્યાઓ સર્જાઈ છે.
પર્યુષણનું પ્રથમ કર્તવ્ય છે અમારિ પ્રવર્તન - માનવની જેમ પશુ-પક્ષીઓ, ક્ષુદ્ર જંતુઓ અને પૃથ્વી - પાણી કે વનસ્પતિમાં રહેલા સૂક્ષ્મ જીવોને પણ જીવવાનો અધિકાર છે. ગાય-ભેંસ કે ચકલી-પોપટ જેવા જીવોને તો ન મારવા, નિરર્થક વૃક્ષનું એક પાંદડું પણ ન તોડવાનો ઉપદેશ જૈન ધર્મ આપે છે. આ ઉપદેશનું વૈશ્વિક સ્તરે પાલન થાય તો પર્યાવરણનું સંતુલન સચવાઈ રહે. જૈન ધર્મનો અહિંસાનો સંદેશ પૂર્વે ક્યારેય નહોતો એટલો આજે પ્રસ્તુત છે. ગ્લોબલ વૉર્મિંગ જેવી અઢળક પર્યાવરણીય સમસ્યાઓનો એકમાત્ર ઉકેલ અહિંસા જ હોઈ શકે.
હવે તો જીવોને બચાવવા માટે નહીં, માણસે ખુદ બચવું હશે તો પણ અહિંસાના શરણે જવું પડશે.
૨. સામાજિક અસંતુલનઃ ગરીબી, બેકારી, ચોરી, લૂંટફાટ, આત્મહત્યા વગેરે અનેક ભયાનક રોગોથી આજનો સમાજ પીડાય છે. વકરેલા સ્વાર્થવાદ અને
પરિગ્રહવાદને કારણે આ સમસ્યાઓ સર્જાઈ છે. એના નિરાકરણ માટે પર્યુષણ પર્વ સાધર્મિક બંધુત્વનો એક શાનદાર સંદેશ આપે છે. દરેક જ્ઞાતિના - કોમનો શ્રીમંત વર્ગ પોતાની જ્ઞાતિ - કોમના નબળા પરિવારોનો ટેકો બની જાય તો ગરીબી કે લાચારીને ભૂતલ પરથી વિદાય લેવી પડે. જરૂર છે સહકારની ભાવનાની. સાધર્મિક બંધુત્વ એટલે પરસ્પરને સહાયક બનવાની તત્પરતા.
૩. સંબંધોનું અસંતુલનઃ બોલાચાલી, અબોલા, દ્વેષ, દુર્ભાવ, વેરઝેર, કૌટુંબિક અદાવતો વગેરે અનેક દૂષણોથી સંબંધોની તંદુરસ્તી ખોરવાઈ છે.
પર્યુષણ પર્વનું ત્રીજું કર્તવ્ય છે - ક્ષમાપના. જેની પણ સાથે વેરવિરોધ હોય તેની સાથે અંતઃકરણપૂર્વક ક્ષમાનું આદાન-પ્રદાન કરીને સંબંધોને પૂર્વવત્ કરી દેવાનો અદ્ભુત વ્યવહારુ સંદેશ પર્યુષણ પર્વ આપે છે.
૪. શારીરિક અસંતુલનઃ અનેક પ્રકારના રોગોને કારણે ગલીએ-ગલીએ હૉસ્પિટલો અને દવાખાનાં દેખાય છે. ઍલોપથી, હોમિયોપથી, આયુર્વેદિક, ઉપચાર વગેરે અનેક જાતની થેરપીઓ અસ્તિત્વમાં આવી છે એમ છતાં રોગોનો વસ્તીવધારો સતત ચાલુ છે.
શારીરિક તંદુરસ્તી ખોરવાઈ છે એનું મુખ્ય કારણ અનિયમિત, અનિયંત્રિત અને અનારોગ્યપ્રદ ભોજનશૈલી છે.
પર્યુષણ પર્વનું ચોથું કર્તવ્ય અઠ્ઠમતપ છે. આ કર્તવ્ય ઉપવાસનો મહિમા દર્શાવવા દ્વારા ભોજન - સંયમ તરફ અંગુલિનિર્દેશ કરશે. આહબારચર્યા જો સંયમિત હશે તો શારીરિક સ્વાસ્થ્ય આપોઆપ જળવાશે.
૫. આધ્યાત્મિક અસંતુલનઃ ભૌતિકવાદ વણસતો અને વકરતો ચાલ્યો છે. એને કારણે માણસ જડ પુદગલની પાછળ પાગલ બન્યો છે. આત્મા અને પરમાત્મા જેવા શાશ્વત પવિત્ર તત્ત્વોથી એ અજાણ બન્યો છે. ભૌતિકતા પાછળની દોટે અધ્યાત્મની દુનિયાના દરવાજા બંધ કરી દીધા છે. પરમાત્મ તત્ત્વ સાથેનું અનુસંધાન માણસ ચૂકી ગયો છે. એને કારણે ચિત્ પ્રસન્નતા, આત્મિક શાંતિ અને કષાયોની ઉપશાંતિ તે પામી શકતો નથી.
ચૈત્ય પરિપાટી નામનું પાંચમું કર્તવ્ય જીવને પરમાત્મા સાથે અનુસંધાન સાધવા પ્રેરે છે.
આમ પાંચેય કર્તવ્યો દ્વારા પર્યુષણ પર્વ જીવનમાં અનેક પ્રકારના અસંતુલનને દૂર કરી આપવા સમર્થ છે.
પર્યુષણનાં પાંચ કર્તવ્યો વૈશ્વિક સર્વાંગીણ તંદુરસ્તીના આધારસ્તંભ જેવા છે. વિશ્વનું ભાવાવરણ પાંચ મહાપ્રદૂષણોથી પ્રદૂષિત છે.
૧. ભયાનક હિંસાવાદઃ ચારે બાજુ હિંસાના ઘોર માંડલ ખેલાઈ રહ્યા છે. જાણે અખિલ માનવેતર જીવસૃષ્ટિ માનવના ભોગ-ઉપભોગ માટે જ નિર્મિત થયેલી હોય એમ સમજીને માનવ
વિવિધ પ્રકારના જીવોની ઘોર હિંસા કરતો રહે છે.
સકલ વિશ્વ હિંસામુક્ત બનો એ પર્યુષણ પર્વનો દિવ્યસંદેશ છે.
૨. ભયંકર સ્વાર્થવાદઃ બીજાના ભોગે પોતાના પેટ-પટારા ભરી લેવાની ભયંકર સ્વાર્થવૃત્તિ સર્વત્ર જોવા મળે છે ત્યારે ધર્મબંધુત્વનું ઉમદા ભાવના દ્વારા પર્યુષણ પર્વ સ્વાર્થનું વિલેપન કરી અન્ય માટે કરી છૂટવાનો આદર્શ વ્યક્ત કરે છે.
૩. ઉપભોક્તાવાદઃ પાંચેય ઇન્દ્રિયોની વિષય-વાસનાને બહેકાવે એવાં નિમિત્તોનો આજે તોટો નથી. ત્યારે પર્યુષણ પર્વ તપ-ત્યાગ દ્વારા વિષય-વાસનાને નિયંત્રણમાં રાખવાનો અદ્ભુત સંદેશ અઠ્ઠમ તપના ત્રીજા કર્તવ્ય દ્વારા પ્રસારિત કરે છે.
૪. યુદ્ધખોર માનસઃ પરિવારથી માંડીને વિશ્વના વિરાટ ફલક સુધી સર્વત્ર કલહ-કંકાસ-સંઘર્ષ-સંગ્રામ અને યુદ્ધની જ નોબતો સંભળાતી હોય છે. ક્ષમાપનાનાં કર્તવ્યો દ્વારા પર્યુષણપર્વ માનવીની વેરવૃત્તિ અને દ્વેષભાવનાનો સફળ ઇલાજ કરે છે.
૪. વકરેલો નાસ્તિકવાદઃ પુણ્ય, પાપ, ઈશ્વર, પરલોક, મોક્ષ જેવું કાંઈ છે જ નહીં. એવી નાસ્તિકતાનો પ્રચાર આજે પુરજોશમાં ચાલે છે. ચૈત્ય પરિપાટીનું કર્તવ્ય પરમ તત્ત્વનો પરિચય આપી શ્રદ્ધા અને ભક્તિનું ભાથું પૂરું પાડે છે.
આવાં પર્યુષણ પર્વ જયવંતા વર્તો.