29 December, 2022 10:02 PM IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
આપણે વાત કરીએ છીએ ભક્તિ દ્વારા મળતા ૭ પ્રકારનાં ભોજનની, જેમાં ગઈ કાલે આપણે વાત અટકાવી હતી સાતમા ભોજન પર. સાતમા સ્થાને આવે છે અતિ હર્ષ ન હોય, નહીં તો ભક્તિમાં સેવા ઓછી થઈ જશે. ભક્તિ વ્યક્તિને તાલબદ્ધ બનાવી દે છે. સાચી ભક્તિ વ્યક્તિને મસ્તીમાં ડુબાડી દે છે અને તાલ પણ નથી ચૂકતી. ભક્તિ તાલમાં લાવે છે. રડાવશે, હસાવશે, પણ એ ભક્તિ જ તમને તાલબદ્ધ રાખશે.
મહત્ત્વની વાત એ છે કે આપણામાં ભક્તિ આવી એની જાણ કેવી રીતે થાય. આપણે કથા સાંભળીએ છીએ, ભજન કરીએ છીએ, પ્રભુસ્મરણમાં મન રોકાયેલું રહે છે, સ્તવનગાન કરીએ છીએ, પણ આપણામાં ભક્તિ આવી ગઈ એનું પ્રમાણ શું?
સાધકે સમીક્ષા કરવી જોઈએ. તમારામાં, મારામાં ૯ વસ્તુઓ આવે તો સમજવું કે ભક્તિએ આપણામાં પ્રવેશ કરી લીધો. નવેનવ આવે તો જગ નાહ્યા. ૯માંથી એક-બે આવી જાય તો પણ ઘરને શણગારજો અને ઉત્સવ મનાવજો કે આજે મારા ઘરમાં ભક્તિ આવી ગઈ, આજે મારા ઘરને પાંખો આવી ગઈ, આજે મારી આંખોમાં આંજણ અંજાઈ ગયું, આજે મારી વાણીમાં સામવેદ આવી ગયો. હા, એને આનંદ ઘડી માનજો, માનજો કે જગ જીતી ગયા તમે.
આ નવમાં પહેલા સ્થાને આવે છે ક્ષાંતિ.
ક્ષમાભાવ. ક્ષાંતિ પહેલું સૂત્ર છે. એનાથી મારી અને તમારી કસોટી થઈ જશે. તમે ખુદને સમજાવી દો કે ભક્તિ આવી કે નહીં. જો એ ન આવે તો સમજવું કે હજી ઘણી કોશિશ કરવી પડશે. કોઈએ તમારું લાખોનું નુકસાન કર્યું હોય તો પણ તેના પ્રત્યે ક્ષમાભાવ જાગે તો સમજવું કે ભક્તિ આવી ગઈ.
બીજા સ્થાને આવે છે તત્પરતા. જો તમારા અને મારામાં ભક્તિ આવી ગઈ હોય તો એનું બીજું લક્ષણ એ છે કે એક પણ મિનિટ વ્યર્થ ન વીતી જાય એની આપણને ચિંતા થવા લાગે અને એને માટે સજાગતા પણ આપોઆપ આવી જાય છે. તત્પરતા વિનાની ભક્તિ અસ્થાને છે.
વાત હવે ત્રીજા સૂત્ર વિરક્તિની.
વિરક્તિ આવવા માંડે. બધું છૂટવા માંડે. ઘણાં સિલ્કી કપડાં પહેરતા હતા, હવે ભજન કરીએ છીએ, સિલ્કી કપડાં હવે ગમતાં નથી, એ હવે સારાં નથી લાગતાં. એ ભજનને અનુરૂપ નથી લાગતાં. ઘણું ઘણું આમતેમ કરતા હતા. સારા પકવાન ખાતા હતા, હવે ભજન કરીએ છીએ. વૈરાગ્ય ધીરે-ધીરે આવવા માંડે, વિરક્તિ આવવા માંડે તો સમજો ભક્તિ આવી ગઈ.