20 April, 2023 05:39 PM IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ઘણા માણસો એવું કહે કે અમે તો સાચું બોલીએ એટલે કડવું બોલવું પડે. મારું કહેવું છે કે બધાને સુધારવાનો આપણે કંઈ ઇજારો રાખ્યો નથી. શું કામ વાણીને બગાડો છો અને બીજી વાત, સત્ય કડવું જ હોય એવું અસત્ય કોણે આપ્યું છે? સત્ય તો અમૃત છે, એ વિષ કેવી રીતે હોઈ શકે!
ભક્તિ કરવી હોય તો ત્રણ વાત ધ્યાનમાં રાખવાની હોય. પહેલા સ્થાને છે, રાગદ્વેષથી મુક્ત હૃદય, જેની વાત આપણે ગઈ કાલે કરી. રાગદ્વેષથી મુક્ત હૃદય જ કેશવ આરાધનાનું પહેલું પગથિયું છે. હવે વાત કરવાની છે, બીજા સ્થાને આવતા અસત્ય અને કટુતાથી મુક્ત એવી વાણીની.
અસત્ય અને કટુતાથી મુક્ત વાણી હોવી જોઈએ. બે વાતનું ધ્યાન રાખવાનું, એક તો વાણી ખોટું ન બોલે અને બીજું, એના પર કટુ શબ્દો ન આવે. વાણી જ્યારે પણ બહાર આવે ત્યારે એ બે વાતનું ધ્યાન રાખીને આવે, સત્ય અને પ્રિય. હા, એ સત્ય અને પ્રિય જ બોલે એનું ધ્યાન આપણે રાખવાનું હોય. ઘણા માણસો એવું કહે કે અમે તો સાચું બોલીએ એટલે કડવું બોલવું પડે. મારું કહેવું છે કે બધાને સુધારવાનો આપણે કંઈ ઇજારો રાખ્યો નથી. શું કામ વાણીને બગાડો છો અને બીજી વાત, સત્ય કડવું જ હોય એવું અસત્ય કોણે આપ્યું છે? સત્ય તો અમૃત છે, એ વિષ કેવી રીતે હોઈ શકે!
‘સત્યં વદ, પ્રિયમ્ વદ’
તમને કોઈ કડક શબ્દો કહે તો તમને ગમતું નથી. થોડો પ્રયાસ કરો, તમારા પર અંકુશ રાખો. વાણીમાં કટુતા નહીં, અસત્ય નહીં અને ચોક્કસ એ થઈ શકશે જો તમે પ્રયાસ કરશો તો.
ભક્તિ કરવામાં ધ્યાન રાખવા જેવી ત્રીજી વાત, શરીરથી કોઈની હિંસા નહીં અને ક્યારેય નહીં.
કોઈની હિંસા ન કરે, મારે નહીં, દુઃખ નહીં આપે.
હૃદયથી કોઈના તરફ રાગદ્વેષ નહીં. વાણીથી કોઈના તરફ કટુતા કે અસત્યતા નહીં; શરીરથી કોઈની હિંસા નહીં.
એ કેશવની આરાધનાના ત્રણ સિદ્ધાંત છે. કોઈ પણ કરી શકે. બીજી બધી રીતે ભક્તિ આવી જતી હશે, પણ આ રીતે રાગદ્વેષ છૂટે, કટુતા-અસત્ય છૂટે, હિંસા છૂટે એવી ભક્તિ આવી ગઈ તો...
‘કહંમ્ કહંમ્ બૃષ્ટિ સારદી થોરી’
મતલબ કે ક્યાંક-કયાંક આવે છે અને આવી ભક્તિ જો આવી ગઈ તો...
‘જિમિ હરિભગતિ પાઈ, શ્રમ તજહિં આશ્રમી ચારિ’.
અર્થાત્, જીવનમાં આવતા ચારેચાર આશ્રમવાળા માણસોનો થાક દૂર થઈ જશે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)