23 October, 2022 11:32 AM IST | Mumbai | Aacharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે ચાલીસી વટાવ્યા પછી મોટા ભાગના લોકો બચત કે પછી કરકસરના નામે એવી ભૂલ કરતા હોય છે કે તૂટેલી-ફૂટેલી ચીજવસ્તુઓનો ઉપયોગ ચાલુ રાખે છે, પણ એ કરવું એ ક્યાંક અને ક્યાંક ગ્રહ, વાસ્તુશાસ્ત્ર અને સામુદ્રિક શાસ્ત્રનું અપમાન કરવા સમાન છે, જેની સીધી અસર નસીબ પર દેખાતી હોય છે. ઘણી વખત એવું કહેતા લોકો તમે સાંભળ્યા હશે કે આટલી મહેનત કરે છે, પણ પરિણામ નથી મળતું. આવું થવાનું કારણ એ જ કે તમારી રોજબરોજની ચીજવસ્તુઓના ઉપયોગથી ભાગ્યદેવી નારાજ છે. તેમની નારાજગી દૂર કરવી હોય તો અમુક પ્રકારની ચીજવસ્તુઓ જર્જરિત થઈ ગયા પછી એનો ઉપયોગ ટાળવો જોઈએ.
તમે ઘણી વાર નોંધ્યું હશે કે નવાં કપડાં પહેરવાથી શરીરમાં નવી ઊર્જાનો સંચય થાય. આ જે નવી ઊર્જા છે એ નવી ઊર્જા જ નસીબને ચમકાવવાનું કામ કરતી હોય છે.
૧. ફાટેલાં કે પછી જર્જરિત થઈ ગયેલાં અન્ડરગાર્મેન્ટ્સનો વપરાશ ટાળો. આ પ્રકારનાં આંતરવસ્ત્ર દરિદ્રતાને આવકારે છે. જૂનાં થઈ ગયેલાં આંતરવસ્ત્રો ક્યાં કોઈ જોવાનું છે એવી માનસિકતા સામાન્ય રીતે મનમાં રાખવામાં આવતી હોય છે, પણ આંતરવસ્ત્ર એ કુબેર અને કામદેવ બન્નેનું પ્રતિનિધિત્વ કરે છે. અત્યારે વાત કરીએ કુબેરના દૃષ્ટિકોણની. જે કોઈ જોવાનું નથી એના માટે પણ યોગ્યતા જોવામાં આવતી હોય એ વાત કુબેરને સીધી સ્પર્શે છે અને એ જ કારણ છે કે ફાટેલાં કે જર્જરિત થઈ ગયેલાં આંતરવસ્ત્રોનો ઉપયોગ ટાળવો જોઈએ અને નિયમ બનાવવો જોઈએ કે અમુક સમયે એ વસ્ત્રો ચેન્જ કરવાં. એક વાત યાદ રહે, નવાં આંતરવસ્ત્રોનું આકર્ષણ કામદેવને પણ હોય છે, જે વ્યક્તિના જીવનમાં દૈહિક આત્મવિશ્વાસ વધારવાનું કામ કરે છે.
૨. ફાટેલાં સૉક્સ. નહીં વપરાશ કરો એનો. મોજાં તો શૂઝમાં રહેવાના છે એવું ધારી લેવાની ભૂલ ક્યારેય કરવી નહીં. ફાટેલાં મોજાં જીવનમાં સંઘર્ષ વધારે છે. ફાટેલાં મોજાંની જેમ જ ઘર કે ઑફિસના ડોરની બહાર રાખવામાં આવતું ડૉર્મેટ એટલે કે પગલુછણિયું પણ ફાટેલું રાખવું ન જોઈએ. નેગેટિવ એનર્જીને બહાર રોકી લેવાનું કામ આ ડૉર્મેટ કરે છે. જો એ જ ફાટેલું હોય તો નૅચરલી એ પોતાનું કામ કરવાને લાયક નથી એવું પુરવાર થાય છે માટે સૉક્સ અને ડૉર્મેટ પણ જૂનાં કે ફાટેલાં વપરાશમાં રાખવાં નહીં.
૩. બંધ કે બગડી ગયેલી ઘડિયાળ. ધારો કે તમને રિસ્ટવૉચનો શોખ હોય અને તમે એનું કલેક્શન કર્યું હોય તો બધી વૉચ કન્ડિશન અમુક સમયે ચેક કરી લેવી અને એને તમારા હાથે બંધ કરવી.
ઑટોમેટિકલી બંધ પડી ગયેલી કે બગડી ગયેલી વૉચ રાખવી નહીં. બંધ-બગડી ગયેલી ઘડિયાળ તમારી સફળતાને પાછળ ધકેલે છે. આજકાલ ડિજિટલ વૉચનું વળગણ ચાલુ થયું છે, પણ એનો વપરાશ કરવો હિતાવહ નથી. શરીર ઉપર તમે જે કંઈ પહેરો છો એ તમામ ચીજવસ્તુમાં એકમાત્ર રિસ્ટવૉચ એવી છે જે ચાલે છે, ક્રમબદ્ધ મુજબ આગળ વધે છે, જે તમને પણ ધબકતાં રાખવાનું કામ કરે છે. એવા સમયે કાળા ડાબલા જેવું ડાયલ કાંડા પર ચડાવીને હાથ પર રાખવું હિતાવહ નથી. તમે જોશો તો દેખાશે કે માલતુજારોના હાથમાં મેટલનું ઘડિયાળ જ જોવા મળશે. ફિટનેસના નામે પહેરેલી સ્માર્ટવૉચ કરતાં ટિપિકલ રિસ્ટવૉચ લાભદાયી છે, પણ ધારો કે એવું ન કરવું હોય તો પણ ઘરમાં રહેલી તમામ બંધ કે બગડેલી ઘડિયાળોને ચાલુ અવસ્થામાં રાખો અને કાં તો એનો તાત્કાલિક નિકાલ કરો.